Select Page

૨૫ થી ૩૦ ટકા કમિશનની લાલચમાં ઈમાન વેચી માર્યુ OWCનુ વિવાદાસ્પદ રૂા.૬૦ લાખનુ પેમેન્ટ ગુપચુપ ચુકવાયુ

૨૫ થી ૩૦ ટકા કમિશનની લાલચમાં ઈમાન વેચી માર્યુ OWCનુ વિવાદાસ્પદ રૂા.૬૦ લાખનુ પેમેન્ટ ગુપચુપ ચુકવાયુ

સુકા અને લીલા કચરાને ખાતર બનાવતા ઓર્ગેનિક વેસ્ટ કંટ્રોલ મશીનની પેમેન્ટ ચુકવણી સામે મોટાભાગના પાલિકા સભ્યોએ વિરોધ કર્યો હતો. ત્યારે સાથેના આ તમામ સભ્યોની ઉપરવટ થઈ પેમેન્ટ આપવામાં વાંધો નથી એવા પાલિકા પ્રમુખના લખાણ આધારે રૂા.૬૦ લાખનુ પેમેન્ટ ગુપચુપ ચુકવાઈ જતા મોટાભાગના સભ્યો અજાણ છે. જોકે આ તમામ પ્રક્રિયા પ્રાદેશિક કમિશ્નર કચેરીથી થતા ચુંટાયેલા ભાજપના સભ્યો અણી વગરના સાબીત થયા છે. પાલિકા દ્વારા પેમેન્ટ કરવામાં નહી આવતા કોન્ટ્રાક્ટરને સીધુજ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી પેમેન્ટ કરવામાં આવ્યુ હોય તેવુ વિસનગર પાલિકામાં બીજી વખત બન્યુ છે. પ્રાદેશિક કમિશ્નર કચેરી વેચાઈ જતા ભાજપના સભ્યો અત્યારે મો વકાસીને બેઠા છે.
અગાઉ કોન્ટ્રાક્ટરે મશીનનુ ટેસ્ટીંગ કરનાર સભ્યોને રૂા.૧૦-૧૫ લાખ ફંડ આપવાની ઓફર કરી હતી
ખોટી બાબતની સરકારમાં જાણ કરવાની પ્રમુખ અને ચીફ ઓફીસરની ફરજ છે-ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ
બગડેલ શાકભાજી, લીલા પાંદડા, એઠવાડ જેવા લીલા સુકા કચરાને ખાતર બનાવવાના રૂા.૧૫ લાખનુ એક એવા ચાર ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ (OWC) મશીન પાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીનની ડીલેવરી કરી અને પેમેન્ટની માગણી કરી તે વખતેજ ભાજપના મોટાભાગના સભ્યોએ પેમેન્ટ કરવા સામે વિરોધ કર્યો હતો. કોન્ટ્રાક્ટરના ટેકનિશિયનો આવી સભ્યોની હાજરીમાં ટેસ્ટીંગ આપવા છતા ખાતર નિકળ્યુ નહોતુ. જાણવા મળ્યા પ્રમાણે પેમેન્ટ ચુકવણીમાં વિરોધ નહી કરવા સભ્યોને રૂા.૧૦ થી ૧૫ લાખ ફંડ આપવાની ઓફર કરાઈ હતી. પરંતુ મશીન કોઈ કામના નહી હોવાના હોબાળાના કારણે પેમેન્ટ ચુકવણીમાં કોઈએ સંમતી આપી નહોતી અને લેખીત વિરોધ આપ્યો હતો. ત્યારે પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગરના ઈશારે કોન્ટ્રાક્ટરને રૂા.૬૦ લાખનુ પેમેન્ટ પાલિકાના મોટાભાગના સભ્યોએ અંધારામાં રાખીને ચુકવાઈ ગયુ છે.

  • સ્વચ્છતાના ચેરમેને તો આશ્ચર્ય વ્યક્ત કર્યુ – ન હોય શું પેમેન્ટ ચુકવાઈ ગયુ..?
  • પેમેન્ટ કરવામાં વાધો નથી તેવો પ્રમુખે લેટર આપ્યો હોવાની ચર્ચા
  • પ્રાદેશિક કમિશ્નર કચેરીના માર્ગદર્શનમાં ચુકવણુ થયુ છે
    -ચીફ ઓફીસર
    સ્વચ્છતા વિભાગના ચેરમેન રંજનબેન પરમારે પણ પેમેન્ટ કરવા સામે વાંધો રજુ કર્યો હતો. રૂા.૬૦ લાખનુ પેમેન્ટ થતા આ બાબતે ચેરમેનના પતિ વિજયભાઈ ખુરાનાનો સંપર્ક કરતા તેમણે તો એવુ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે, “ન હોય શું પેમેન્ટ ચુકવાઈ ગયુ?”. મશીનના ટેસ્ટીંગ વખતે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ હાજર રહ્યા હતા. તે વખતેજ કોન્ટ્રાક્ટરને સંભળાવી દીધુ હતું કે, ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ મશીનમાં લગાવેલ સાધનો જોતા આ મશીન પાંચ લાખ રૂપિયામાં પણ ન લઈ શકાય. પ્રજાના અને ટેક્ષના પૈસાનુ નુકશાન થાય તેમ હોવાથી પેમેન્ટ કરવામાં પ્રથમથીજ વિરોધ હતો. પેમેન્ટ થતા ઉપપ્રમુખનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, કોન્ટ્રાક્ટર ટેસ્ટીંગમાં ફેલ ગયો હતો. સરકારમાં રજુઆત કરી કોન્ટ્રાક્ટર પેમેન્ટ લઈ ગયો છે. ખોટી બાબતની સરકારમાં જાણ કરવાની પ્રમુખ અને ચીફ ઓફીસરની ફરજ છે. કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવીને ટેક્ષના રૂપિયાનુ નુકશાન કર્યુ છે. આ પેમેન્ટ ચુકવણીમાં વાંધારૂપ નથી તેવો પ્રમુખે લેટર આપ્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે. પ્રમુખ ઉપર એવુ તે કયુ પ્રેશર આવ્યુ કે ના વાંધાનો લેટર આપવો પડ્યો તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જ્યારે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર મુદ્દો પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં ગયો હતો. પ્રાદેશિક કમિશ્નર કચેરીના માર્ગદર્શનમાં પેમેન્ટ ચુકવાયુ છે.
    વિસનગર પાલિકાના ગત બોર્ડમાં એલ.ઈ.ડી.લાઈટના કોન્ટ્રાક્ટરે શરતોનુ પાલન નહી કરતા પેમેન્ટ કરાયુ નહોતુ. ત્યારે રૂા.૭૦ લાખનુ પેમેન્ટ બારોબાર પાલિકાની ગ્રાન્ટમાંથી પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા ચુકવાયુ હતુ. એટલે હવે પાલિકા સભ્યો કોઈ બીલ ચુકવવામાં વિરોધ કરે તો હવે કોન્ટ્રાક્ટરો બારોબાર પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં સેટીંગ પાડી રહ્યા છે. જોકે પાલિકાના જવાબદાર હોદ્દેદારની સંડોવણી ન હોય ત્યા સુધી પેમેન્ટ થતા નથી. ૨૫ થી ૩૦ ટકા કમિશનની લાલચમાં ઈમાન વેચીને શહેરની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us