Select Page

પ્રેમલગ્નમાં મા-બાપની સહીના ઠરાવને ૪૫૦ સમાજનુ સમર્થન

કુમળી વયની યુવતીઓને બચાવવા તેમજ સમાજ વ્યવસ્થા ટકાવી રાખવા મહાઅભિયાન

ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજાયુ

ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજીયાત કરવા માટેની છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. જશુભાઈ પટેલની મહેનત બાદ આ રજુઆતની આગ તમામ સમાજમાં ફેલાઈ છે. છેલ્લે મહેસાણા જીલ્લાના નુગર ખાતે યોજાયેલ મહાસંમેલનમાં સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટેના ચાર ઠરાવોને ૪૫૦ ઉપરાંત્તના સમાજોએ સમર્થન આપ્યુ હતુ. ૩૩ જીલ્લાના તમામ તાલુકામાં પ્રતિનિધિ નીમી એમ મજબુત સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે તેવુ જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ.
વિસનગર ભાજપના અગ્રણી તથા ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા સમાજની વ્યવસ્થા ટકાવી રાખવા જે અભિયાન ઉપાડવામાં આવ્યુ છે તેને તમામ સમાજનો ટેકો મળી રહ્યો છે. અત્યારના સોશિયલ મીડીયાના યુગમાં સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. પુખ્ત વયમાં પ્રવેશતી યુવતીને સારૂ ખોટુ સમજવાની માનસિકતા હોતી નથી. ત્યારે ધો.૧૦ થી ૧૨ માં અભ્યાસ કરતી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. યુવતીના ફોટા પાડી વીડીયો ઉતારી બ્લેકમેલીંગ કરવામાં આવે છે. લુચ્ચા, લફંગા લવ જેહાદીઓની જાળમાં ફસાયા બાદ આવી યુવતીઓને દરેક રીતે પાયમાલ કરવામાં આવે છે. આવા બનાવો દરેક સમાજ માટે ખતરારૂપ છે. ૧૮ વર્ષની પુખ્ત ઉંમરનો ગેરલાભ ઉઠાવી સમાજ વ્યવસ્થા તોડવાનુ રીતસરનુ કાવતરૂ ચાલી રહ્યુ છે. સમાજ વ્યવસ્થા તોડવાના આ ષડયંત્રને રોકવા માટે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તા.૨૭-૮-૨૦૨૨ ને શનિવારના રોજ મહેસાણા તાલુકાના નુગર ગામમાં આવેલ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ સંકુલમાં એક મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં રાજ્યના ૧૪ જીલ્લામાંથી કડવા પટેલ, લેઉવા પટેલ, રાજપૂત, બ્રાહ્મણ, પ્રજાપતિ, દલિત સમાજના વિવિધ પેટા સમાજ, ખેર, નાયી, બારોટ, પંચાલ, ચૌધરી, ઠાકોર વિગેરે ૪૫૦ ઉપરાંત્ત સમાજના ૯૦૦ જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ સંમેલનનું શું મહત્વ છે તેનુ ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. પ્રેમલગ્નના કારણે સમાજમાં બનતી ઘટનાઓનો પણ ચીતાર રજુ કર્યો હતો. સંમેલનમાં (૧) પુખ્ત વયની ૧૮ વર્ષની દિકરી પ્રેમલગ્ન કરે તો મા-બાપની ફરજીયાત સહી લેવી (૨) મા-બાપની સંમતી સીવાય લગ્ન કરવા માગતી યુવતીની ઉંમર વર્ષ ૨૫ ની કરવી (૩) ૨૫ વર્ષની યુવતી મા-બાપની સંમતી વગર લગ્ન કરે તો તેને મા-બાપની સ્થાવર તેમજ જંગમ મિલ્કતમાંથી ફારેગ કરવી (૪) દિકરો કે દિકરી ગેરકૃત્ય કરે તો સ્થાવર જંગમ મિલ્કતમાંથી ફારેગ કરવા તેવા ચાર ઠરાવ કરવામાં આવ્યા હતા. જે ઠરાવને ૪૫૦ સમાજના પ્રતિનિધિઓએ સમર્થન આપી સહી કરી હતી.
આ સંમેલન બાબતે ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યુ છેકે, ૪૫૦ ઉપરાંત્ત સમાજના પ્રતિનિધિઓએ પ્રેમલગ્નની બદી રોકવાના ઠરાવને સમર્થન આપ્યુ છે. ૩૩ જીલ્લામાંથી ૧૪ જીલ્લાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બાકીના ૧૯ જીલ્લામાં દરેક તાલુકામાંથી ૧ પુરુષ તથા ૧ મહિલાની કમીટી બનાવી મજબુત સંગઠન બનાવવામાં આવશે. સંમેલનમાં વિવિધ સમાજોની હાજરીમાં કરવામાં આવેલ ઠરાવ બાબતે કાયદો ઘડવામાં આવે તે બાબતે દરેક સભ્યોને રજુઆત કરી ધારાસભ્ય દ્વારા સરકારને પત્રો લખાવવામાં આવશે. પ્રેમલગ્નના દૂષણોને નાથવા માટે ચોર્યાસી કડવા પાટીદાર સહીત અન્ય તમામ સમાજ કટીબધ્ધ બન્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts