ભ્રષ્ટાચારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર દંડ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની છુટ આપે છે તહેવારોમાં ભેળસેળયુક્ત મીઠાઈ-ફરસાણથી સાવધાન
તંત્રી સ્થાનેથી…
દિવાળીના તહેવારોમાં સ્વાદીષ્ટ મીઠાઈ અને ફરસાણ ખાવાનુ ખુબજ મહત્વ છે. બેસતા વર્ષના દિવસે શુભેચ્છા મુલાકાતે આવતા મહેમાનો આગળ મીઠાઈ તથા ફરસાણની ડીસ મુકવામાં આવે છે. હિન્દુ સમાજમાં એક પણ ઘર એવુ નહી હોય કે દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનો ઉપયોગ કરતા નહી હોય. બે દાયકા પહલા દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ મહિલાઓ ઘરેજ બનાવતી હતી. બજારમાંથી જરૂરી સાધન સામગ્રી લાવીને શુધ્ધ વસ્તુઓમાંથીજ બનેલ સ્વાદિષ્ટ મીઠાઈ ફરસાણનો ઉપયોગ કરતા હતા અને મહેમાનોને આપતા હતા. અત્યારે રેડીમેડનો જમાનો છે. વળી અત્યારની મહિલાઓ પાસે દિવાળીની વાનગી બનાવવાનો સમય પણ નથી. અત્યારના જમાનાની ૨૦ થી ૨૫ વર્ષની યુવતીઓને દિવાળી વાનગી બનાવટની આવડત પણ નહી હોય. હોટલ અને ફાસ્ટફૂડના જમાનામા જો બહારથી મળતુ હોય તો ઘરમાં બનાવવાની ઝંઝટ કોણ કરે? પહેલાના જમાનામા રસોઈ બનાવવાના અને શીખવવાના સંસ્કાર હતા, જે અત્યારે જોવા મળતા નથી. જોકે એ જમાનામાં મહિલાઓને ઘરકામ સીવાય કંઈ કામ હતુ નહી. અત્યારે મહિલાઓ પુરૂષ સમોવડી બનતા ઘરકામ સીવાયની પણ બહારની એટલી જવાબદારીઓ હોય છેકે જેમની પાસે રોજીંદી રસોઈ સીવાય વધારાની ડીસ કે વાનગી બનાવવાનો સમય નથી. પરિવારની વ્યસ્તતા જોઈનેજ વિવિધ કંપનીઓ પેકેજ્ડ ફૂડમા જંપલાવ્યુ છે અને ધિકતો ધંધો કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં પણ ભારતમાં કરોડો રૂપિયાની મીઠાઈ અને ફરસાણ ખરીદાશે અને ખવાશે. જાણીતા વેપારીઓ અને કંપનીઓ શુધ્ધ ગાયનુ દેશી ઘી અને શુધ્ધ માવામાંથી બનાવેલ મીઠાઈ તેવો બોર્ડ લગાવશે અને જાહેરાતો કરશે. એક અહેવાલ મુજબ ભારતમાં જે પ્રમાણે દૂધનો વપરાશ છે તેના પ્રમાણમાં ૬૦ ટકા પણ દૂધનુ ઉત્પાદન થતુ નથી. ચા-પાણી માટે જો દેશમાં દૂધનો જથ્થો પૂરતો ન હોય તો ઘી અને માવા માટે દૂધનો જથ્થો ક્યાંથી મળતો હશે. બજારમાં અત્યારે કિલોના રૂા.૩૫૦/- થી માંડીને ૮૫૦/- સુધી શુધ્ધ ઘી મળે છે. ત્યારે રૂા.૬૦૦ થી નીચેના ભાવે મળતુ ૧ કિલો ઘી શુધ્ધ કેવી રીતે હોઈ શકે? હમણા ચાર માસ પહેલાજ નવસારીમાં ૩૦૦૦ કિલો બનાવટી ઘી ઝડપાયાના અહેવાલ ચમકેલા. યાત્રાધામ અંબાજીમાં પણ પ્રસાદમાં અપાતા મોહનથાળમાં હલકી ગુણવત્તાનુ ઘી વપરાતુ હોવાનો પર્દાફાશ થયો હતો અને ઘી ના ડબ્બા મળી આવ્યા હતા. અમણા એક માસ અગાઉજ તિરૂપતી બાલાજી મંદિરમાં આપવામાં આવતા લાડુના પ્રસાદમાં ઘી મા પ્રાણીજ ચરબી વપરાય હોવાના અહેવાલ ચમકતા શ્રધ્ધાળુઓએ ભુકંપ જેવો આંચકો અનુભવ્યો હતો. આસમાને પહોચેલ શુધ્ધ ઘીની કિંમતમાં માવાની મીઠાઈ બનાવવામાં આવે તો રૂા.૫૦૦ થી ઓછી કિંમતે હોય નહી છતા દિવાળીમાં રૂા.૩૦૦/- આસપાની કિંમતે વેચાતી મીઠાઈમાં ડુપ્લીકેટ ઘી ન હોય તો બીજુ શુ હોય? ફરસાણમાં પણ આવુજ હોય છે. શુધ્ધ બેસનનુ કહેવામાં આવે છે અને ઘઉંની ભેળસેળ કરી બનાવવામાં આવે છે. તીખી સેવ લાલ ચટક હોય છે જેમાં કેમિકલવાળા અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તળેલુ તેલ બીજી વખત વપરાશમાં લેવુ નહી તેવો ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે પણ કોણ જોવા જાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનાય છે. દિવાળીના તહેવારમાં ડુપ્લીકેટ ઘી, ડુપ્લીકેટ માવો, ડુપ્લીકેટ બેસન તથા અખાદ્ય વસ્તુઓની મીલાવટથી બનાવેલ વસ્તુઓ ખાવાથી ગંભીર બીમારીના ભોગ બનતા હોવાથી હવે વિવિધ સંસ્થાઓ, સમાજ, મિત્ર મંડળો, સંગઠનો વિગેરે ઓર્ડર લઈને મીઠાઈ અને ફરસાણ બનાવતા થયા છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાદ્ય વસ્તુઓનુ વેચાણ અટકાવવા સરકારની કોઈ જવાબદારી બનતી નથી? નવો ૨૦૦૬ ફૂડ સેફ્ટી એક્ટ બનાવવામાં આવ્યો છે પણ આ કાયદો નહોર વગરના વાઘ જેવો છે. આ નવો કાયદો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ તથા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, પરંતુ અખાદ્ય વસ્તુઓનુ વેચાણ થતુ રોકવામાં કોઈ ઉપયોગી નથી. ડુપ્લીકેટ અને વાસી ખાદ્યવસ્તુઓ વેચતા વેપારીઓ પકડાય છે પરંતુ ફક્ત દંડ કરવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વિરુધ્ધ કાયદેસરની કોઈ કાર્યવાહી થતી નથી. ડુપ્લીકેટ અને ભેળસેળવાળા દેશમાં દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણની ખરીદીમાં દરેકે સાવધાની રાખવાની છે.