Select Page

વૃક્ષોનુ જતન આબાદ વતન જેવા વૃક્ષોનુ મહત્વ દર્શાવતા અનેક સુત્રો સાથે ‘એક વૃક્ષ માં કે નામ’ સુત્ર સાથે વડાપ્રધાન મોદીનુ વૃક્ષારોપણ અભિયાન

વૃક્ષોનુ જતન આબાદ વતન જેવા વૃક્ષોનુ મહત્વ દર્શાવતા અનેક સુત્રો સાથે ‘એક વૃક્ષ માં કે નામ’ સુત્ર સાથે વડાપ્રધાન મોદીનુ વૃક્ષારોપણ અભિયાન

તંત્રી સ્થાનેથી…

મનમા એમ તો જરૂર થશે કે ચોમાસુ આવે ત્યારેજ વૃક્ષારોપણ ઉપર લેખ અને સમાચાર શરૂ થઈ જાય છે. ચોમાસુ વૃક્ષારોપણ માટે એટલે મહત્વનુ છેકે, આ ઋતુમાં વૃક્ષનો છોડ વાવ્યા બાદ ચાર મહિના સુધી સિંચન કરવાની જંજટ રહેતી નથી. ઉનાળામાં વૃક્ષારોપણ કરવામાં આવે તો ટ્રી ગાર્ડની વ્યવસ્થા ન હોય તો ગમે તેટલુ સિંચન કરવા છતા ગરમીના કારણે છોડ બળી જાય છે. નાનો છોડ પણ એક બાળક સમાન છે તેને સાચવવામાં ન આવે તો નાશ થાય છે. ચોમાસામાં વૃક્ષના છોડના પ્લાન્ટેશનથી સતત ચોમાસુ પાણી મળવાથી તેમજ ભેજ વાળા વાતાવરણથી મૂળીયા જમીનમાં સેટ થઈ જાય છે. ગ્લોબલ વોર્મીંગની નુકશાનકારક અસરો સામે કવચ તરીકે સૃષ્ટિમા કોઈ રક્ષણ આપી શકે તેમ હોય તો તે છે વૃક્ષ નારાયણ દેવ. વૃક્ષને નારાયણ સાથે એટલા માટે તુલના કરવામાં આવી છેકે કળીયુગમાં થતા આડેધડ વિકાસની સામે આ એકજ સાક્ષાત દેવ છેકે જે જીવન જેના વગર અશક્ય છે તે ઓક્સીજન આપે છે. કોરોના કાળમાં ઓક્સીજનનુ કેટલુ મહત્વ છે તેનો અનુભવ સમગ્ર વિશ્વના લોકોએ કર્યો છે. આ વૃક્ષ નારાયણના પાન હવાને શુધ્ધ કરે છે. જીવમાત્રને નુકશાનકારક કાર્બન ડાયોક્સાઈડ શોષીને ઓક્સીજન આપે છે. કેટલાક વૃક્ષોના પર્ણ, ફળ, મૂળીયા, પુષ્પો, છાલ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. વૃક્ષો જમીનનુ ધોવાણ થતા અટકાવે છે તો સાથે સાથે રણને આગળ વધતુ અટકાવે છે. વૃક્ષોનો છાંયડો અનેક લોકોને ઉપયોગી બને છે અને પશુ પક્ષી જીવજંતુ માટે આશ્રય સ્થાન બને છે. એક માત્ર વૃક્ષોજ એવા છેકે જે વાદળોને આકર્ષિત કરે છે અને વરસાદ લાવે છે. આમ જીવસૃષ્ટિ માટે અનેક રીતે ઉપયોગી વૃક્ષ એ મંદિરમાં બેઠેલા દેવ નહી પરંતુ સાક્ષાત દેવ છે. મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓને આપણે નિયમિત નમન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, પ્રસાદ પણ ચડાવીએ છીએ, અનેક લાલન પાલન કરીએ છીએ. જ્યારે ઓક્સીજન આપતા દેવની સાર સંભાળની વાત તો એક બાજુ રહી પણ તેનો નાશ કરીએ છીએ. રહેણાંક મકાનો, ઉદ્યોગો, સુવિધાઓ માટે વૃક્ષોનું કટીંગ કરતા પળવારનો વિચાર કરતા નથી. વિશ્વમાં ફક્ત માનવજાતજ રહેતી નથી, બીજા કરોડો જીવ રહે છે જેમને સુખ, વૈભવ, વિકાસ કે આનંદ ખાતર નુકશાન પહોચાડીએ છીએ. વસતી વધતાની સાથે વૃક્ષો કાપી પર્યાવરણને નુકશાન થતા પર્યાવરણવાદીઓ છેલ્લા ૫૦ વર્ષથી આ ક્ષેત્રે જાગૃતિ લાવવાનુ કામ કરી રહ્યા છે. વૃક્ષોજ નહી રહે તો તેની લોકો ઉપર શું અસર થશે તે વિચારી હવે તો વિકસીત રાષ્ટ્રો પણ આ અંગે ગંભીરતાથી વિચારી વૃક્ષ ઉછેર તરફ આગળ વધી રહ્યા છે, પણ લક્ષ્યાંક હાસર કરી શક્યા નથી. ગ્રીન ઈન્ડીયા મિશન પર ૧૦ વર્ષની યોજના બનાવી હતી. આ યોજનામા ૬૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો. આ યોજનામાં લોક સહીયોગનુ કોઈ પ્રાધાન્ય નહી હોવાથી જોઈએ એવી સફળતા મળી નથી. જેમ ઉચ્ચ કારકિર્દિ માટે નાનપણથીજ શિક્ષણ આપવામાં આવે છે તેવી રીતે પર્યાવરણ જાગૃતિ માટે બાળપણથીજ કેળવણી આપવામાં આવે તો કેટલાક અંશે સફળતા મળી શકે છે. જે માટે બાળક સમજણુ થાય અને પ્રાથમિક શિક્ષણથી ધો.૧૨ સુધી એક વૃક્ષ વાવી, ઉછેરી મોટુ કરવા સુધી એવુ સર્ટીફીકેટ આપવામાં આવે કે જેનાથી કોલેજમાં કે નોકરીમાં પ્રવેશ માટે રેન્કમાં વધારાના માર્કસ મળે. આ સીવાય પાંચ વર્ષ સુધી વૃક્ષ ઉછેરનારને વધારાના લાભ મળે એવી લોકભાગીદારીની યોજનાઓ બાબતે વિચાર કરવો જોઈએ. મફત સહાય યોજનાઓમાં વર્ષે સરકાર અબજો રૂપિયાની લ્હાણી કરે છે તો પાંચ સાત વર્ષે વૃક્ષ ઉછેરનારને પાંચ દસ હજારની સહાય જાહેર કરવામાં આવે તો પણ આવનાર વર્ષમાં કટીંગ સામે વૃક્ષોની સંખ્યા વધી શકે તેમ છે. પર્યાવરણ જાગૃતિમાં વૃક્ષમાં રણછોડ, વૃક્ષો વાવો જીવ બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ જેવા અનેક સુત્રો આપવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ જાળવણીના વિચારોથી એક સુત્ર ઉમેરાયુ છે, ‘એક વૃક્ષ માં કે નામ’ આ સુત્ર ઉપર હવે વૃક્ષારોપણ અભિયાન શરૂ થયુ છે. પણ જ્યા સુધી આપણા દ્વારા, આપણા માટે, આપણા લોકો માટેનો ભાવ ઉદ્‌ભવશે નહી ત્યા સુધી આવા સુત્રો સાર્થક નિવડશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us