
ચાલુ કારે કેમ લાગે છે અચાનક આગ?

તંત્રી સ્થાનેથી
ઉનાળો આવી ગયો છે, શરૂઆતમાંજ ૪૧ ડીગ્રીથી ગરમી શઈ થઈ છે. જે ૪૬ ડીગ્રી પારો જઈ શકે છે. ગરમીના કારણે ડામરના રોડ પણ તપે છે. ભારત દેશમાં મોટાભાગે ડામરના જ રોડ છે. કચ્છ જેવા રણ વિસ્તારમાં ૪૬ ડીગ્રી સૂરજની ગરમી હોય, ૪૬ ડીગ્રીની ગરમીથી રોડ તપ્યા હોય તેવા સમયે કારો સળગી જવાની ઘટનાઓ અખબારોના પાને જોવા મળે છે. શીયાળામાં કાર સળગવાના બનાવો ઓછા બને છે. જો કે ઉનાળામાં દરેક વિસ્તારોમાં કારો સળગવાના બનાવો જોવા મળે છે. ઘણી વખત કારની અંદર બેસનારને કારની બહાર નીકળવાની તક ન મળે તો જાનહાનિ પણ થાય છે. રસ્તામાં સળગતી કારોના એન્જીનના ભાગમાંથી આગ લાગતી હોવાથી અંદર બેઠેલા લોકોની જાનહાનિ નહીવત પ્રમાણમાં થાય છે. રસ્તામાં ચાલુ કારમાંજ આગ લાગે છે. પાર્કીંગમાં પડેલી કારમાં આગ લાગતી નથી. રસ્તામાં ચાલતી કારોમાં કેમ આગ લાગે છે તેની ભાગ્યેજ તપાસ થાય છે. સી.એન.જી. ગેસથી જે વાહનો ચાલી રહ્યા છે તેથી આગ લાગે છે. આ પણ માન્યતા સાચી પણ નથી અને ખોટી પણ નથી. આવી આગની ઘટનાની તપાસ ન તો કાર બનાવનાર કંપની કરે છે કે ન તો કોઈ સ્વતંત્ર એજન્સી. આવી તપાસ થાય તો સાચા તારણો બહાર આવે તો તે પ્રમાણે કારની બનાવટમાં ફેરફાર કરવાની કંપનીઓને તક મળે. નિષ્ણાતોના માનવા પ્રમાણે બેટરીની ક્વૉલીટી નબળી હોય કે બેટરીના સેલની ક્વૉલીટી નબળી હોય તો આગ લાગવાની શક્યતા વધી જાય છે. જોકે આ કોઈ તારણ નથી માન્યતા છે. તજજ્ઞોના માનવા પ્રમાણે બેટરીના કારણે આગ લાગી શકે છે. ત્યારે ભારતમાં ઈલેક્ટ્રીક વાહનો માટે ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. કંપની ઈલેક્ટ્રીક વાહનો બજારમાં ઉતારી રહી છે. તજજ્ઞોની માન્યતા સાચી હોય કે બેટરીથી આગ લાગતી હોય તો ઈલેક્ટ્રીક વાહનો બેટરી આધારિત ચાલે છે તેમાં આગ લાગવાના બનાવો બની શકે છે. ઈલેક્ટ્રીક વાહનો બનાવતી કંપનીઓ ડેમેજ કન્ટ્રોલના મૂડમાં આવી છે. કંપનીઓ સંશોધનમાં છે કે બેટરીનું તાપમાન નોર્મલ કરતા વધારે થાય ત્યારે ઓટોમેટીક એલાર્મ વાગે જેથી વાહનચાલક ચેતી જાય અને દુર્ઘટના ટળી જાય. કેનેડા દેશ ઠંડો હોવા છતાં કેટલીક કાર કંપનીઓ એલાર્મ સીસ્ટમ વિકસાવવાનું વિચારી રહી છે. જોકે આ કામ ચલાઉ ઉપાય છે. હકીકતમાં ઈલેક્ટ્રીક વાહનમાં આગ લાગવી જોઈએ નહિ. ઘણા વાહન નિષ્ણાતોનુ માનવુ છે કે આગ લાગવાનો ઉકેલ લાવવો જોઈએ. એલાર્મ સીસ્ટમ વધુ ખર્ચાળ સાબિત થાય તેમ છે જેથી વાહનની કિંમતમાં વધારો થાય તેમ છે. તે પણ કંપનીઓને પોષાય તેવું નથી. મીડીયા રીપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ઈલેક્ટ્રીક વ્હીકલમાં આગ લાગવાના આશરે એક ડઝન બનાવો બન્યા છે. ઈલેક્ટ્રીકલ વ્હીકલમાં આગ લાગવાના વીડીઓ પણ મોટા પ્રમાણમાં વાયરલ થતા જોવા મળ્યા છે. દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધે જાય છે. વાહનોમાં વપરાતી બેટરીની સીસ્ટમમાં બહુ ફેરફારો થતા નથી. જેથી દોડતા વાહનોમાં આગ લાગવાની શક્યતાઓ વધારે છે. વાહન કંપનીઓ આ અંગે વધુ તપાસ કરાવે તેવું દેખાતું નથી. જેથી તંત્ર દ્વારા કોઈ ખાનગી એજન્સીને આની તપાસ આપી આગ લાગવાનું સાચુ કારણ બહાર લાવવું જોઈએ. ઉપરના લખાણ આધારિત એક વાત ચોક્કસ કહી શકાય કે કારમાં સારી કંપનીની બેટરીઓ વાપરવી જોઈએ. બને તો ઉનાળામાં બપોરનો પ્રવાસ ટાળવો અને બપોરે પ્રવાસ કરવો પડે તો સો કિલોમીટરના અંતરે કારને ઠંડી કરવા ઊભી રાખવી જોઈએ. તો કદાચ કારમાં લાગતી આગથી બચી શકાય. આ પણ એક ધારણા છે.