નેધરલેન્ડના વિઝા પ્રોસેસ માટે દુબઈ મોકલ્યા અને ફસાયા વિસનગર પેરામાઉન્ટ ઈન્ટરનેશનલના એજન્ટોની રૂા.૩૬ લાખની છેતરપીંડી
વિદેશ જવાની લ્હાયમા તપાસ કર્યા વગર કે જોયા વગર યુવાનો લેભાગુ એજન્ટોનો સંપર્ક કરતા છેવટે નાણા ગુમાવવાનો વારો આવે છે. વિસનગરમાં કાંસા ચાર રસ્તા પાસે ખોડીયાર માતાના મંદિર પાસે આવેલ પેરામાઉન્ટ ઈન્ટરનેશનલ નામે લોકોને વિદેશ મોકલવાની અને વિઝાની પ્રોશેસ કરતા એજન્ટોએ કુલ ૧૦ યુવાનો સાથે રૂા.૩૬,ર૯,૦૦૦/-ની છેતરપીંડી કરતા પોલીસ ફરીયાદ થવા પામી છે. વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં વિદેશના વિઝાનુ કામ કરતા ત્રણ એજન્ટો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદેશ જવાની લ્હાયમાં કાંસા, સતલાસણા, વડોદગામ, રામપુરા, ઉનાવાના કુલ ૧૦ યુવકો ફસાયા
વિસનગરમાં કાંસા ચાર રસ્તા, ખોડીયાર માતાના મંદિર પાસે પેરામાઉન્ટ ઈન્ટરનેશનલ નામની ઓફીસ ધરાવતા દેવેન રાજેન્દ્રભાઈ મોદી રહે શ્રીજી સોસાયટી કાંસા એન.એ., પટેલ જયમીન દશરથભાઈ રહે કાંસા તથા ધ્રૃવિન રાજેન્દ્રભાઈ મોદી ત્રણેય લોકોને વિદેશ જવા માટેની ફાઈલ તૈયાર કરી વિદેશ જવાની વ્યવસ્થા કરી આપતા હતા. કાંસા ગણપતિ પરૂ ખાતે રહેતા વિશાલકુમાર રમેશભાઈ ચતુરભાઈ પટેલને નેધરલેન્ડ વર્ક પરમીટ વિઝા લેવાના હોઈ આ એજન્ટોનો સંપર્ક કર્યો હતો. જેમણે પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડની નકલો મેળવી વિઝાની પ્રોશેસ શરૂ કરી હતી. જે પ્રોશેશ માટે રૂા. બે લાખ રોકડા લીધા હતા. ત્યારબાદ પી.સી.સી.ની પ્રોશેસ કરી હતી. બે માસ બાદ વિઝાનુ કયા સુધી કામ થયુ તેમ પુછતા દિલ્હી નેધરલેન્ડ એમ્બેસીમા ફાઈલ છે તારીખ મળતી નહી હોવાથી દુબઈ નેધરલેન્ડ એમ્બેસીમાંથી પ્રોસેસ કરાવવી તેમ એજન્ટે જણાવ્યુ હતુ. અને બીજા રૂા.૧ લાખ પડાવ્યા હતા. દેવેન મોદીએ દુબઈના વિઝા લાવી આપી બીજા રૂા. ૬પ૦૦૦ લીધા હતા. વિશાલકુમાર પટેલ તથા કૃણાલ પટેલ બન્ને દુબઈ ગયા હતા. પરંતુ કંઈ કામ થયુ નહોતુ. ત્યારબાદ દેવેન મોદીનો સંપર્ક નહી થતા આ યુવાનો દુબઈમા ફસાયા હતા. એજન્ટોના જણાવ્યા પ્રમાણે દુબઈમાં બીલાલ અશરફ કામ કરતો હતો. તેનો સંપર્ક કરતા પેરામાઉન્ટ ઈન્ટરનેશનલના કોઈ ઈસમોને ઓળખતો નહી હોવાનુ જણાવ્યુ હતુ. દુબઈમાં ફસાયેલા આ યુવાનોએ ઘરેથી પૈસા મંગાવી પરત આપ્યા હતા. નેધરલેન્ડ વર્ક પરમીટના નામે છેતરપીંડી થઈ હોવાનુ માલુમ પડયા બાદ એજન્ટોનો સંપર્ક કરતા કોઈ જવાબ મળ્યો નહોતો.
ત્યારબાદ તપાસ કરતા આ એજન્ટોએ (૧) પટેલ વિશાલકુમાર રાજેન્દ્રકુમાર ગોવિંદભાઈ રહે. સતલાસણા ડ્રીમ હાઉસ સોસાયટીવાળા પાસેથી રૂા.ર,૬પ,૦૦૦ (ર)પટેલ વિશાલકુમાર મનુભાઈ શંકરભાઈ રહે.સતલાસણા લીંબડીચોક પાસેથી રૂા.૬,૦૦,૦૦૦/- (૩) પટેલ હર્ષ અરૂણભાઈ રાયચંદભાઈ રહે.સતલાસણા લીંબડી ચોક પાસેથી રૂા.૬,૦૦,૦૦૦/-(૪) પટેલ કૌશીકકુમાર અંબાલાલ જેઠાભાઈ રહે. સતલાસણા લીંબડી ચોક પાસેથી રૂા.૬,૦૦,૦૦૦/- (પ) પટેલ એશકુમાર વિનોદકુમાર જોઈતારામ રહે. વડોદગામ જી.સુરત પાસેથી રૂા.ર,૦૦,૦૦૦/- (૬) પટેલ ધર્મેશકુમાર ગુણવંતભાઈ વસ્તારામ રહે રામપુરા (કાંસા), પાસેથી રૂા. ર,૦૦,૦૦૦/- (૭) પટેલ હર્ષિદકુમાર રમેશભાઈ ઈશ્વરદાસ રહે. ઉનાવા તા.ઉંઝા પાસેથી રૂા.ર,૦૦,૦૦૦/- (૮)પટેલ પીન્ટુકુમાર કનુભાઈ શંકરભાઈ રહે.સતલાસણા ગોઠડા પાસેથી રૂા.૬,૦૦,૦૦૦/- તથા (૯)પટેલ કૃણાલ રાજેશકુમાર કાંતીલાલ રહે.કાંસા ગણપતિપરૂ પાસેથી રૂા.રૂા.૬પ,૦૦૦/- લઈ વિઝા ફાઈલનુ કામ નહી કરી છેતરપીંડી કરી હતી. આમ કુલ રૂા.૩૬,ર૯,૦૦૦/- લઈ છેતરપીંડી કરતા વિશાલકુમાર રમેશકુમાર પટેલની ફરીયાદ આધારે પોલીસે દેવેન રાજેન્દ્રભાઈ મોદી, જૈમીન દશરથભાઈ પટેલ તથા ધ્રૃવિન રાજેન્દ્રભાઈ મોદી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.