Select Page

ભાજપ શાસીત પાલિકાની નિષ્કાળજીથી જી.ડી.હાઈસ્કુલનુ પરિણામ તળીયે

ભાજપ શાસીત પાલિકાની નિષ્કાળજીથી જી.ડી.હાઈસ્કુલનુ પરિણામ તળીયે

ધો.૧૦ નુ ૨૬ ટકા તથા ધો.૧૨ નુ ૩૦ ટકા પરિણામ

  • કોંગ્રેસ અને વિકાસમંચના શાસનમાં ધો.૧૦ નુ ૪૫ ટકા તથા ધો.૧૨ નુ ૬૦ ટકા પરિણામ આવ્યુ હતુ

ભાજપ શાસીત વિસનગર પાલિકા બોર્ડની નિષ્ક્રીયતા અને નિષ્કાળજીની અસર જી.ડી.હાઈસ્કુલના પરિણામ ઉપર વર્તાઈ છે. શાળામાં બક્ષીપંચ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે સભ્યોની લાગણીના અભાવે તેમજ શાળાના શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણ નહી આપવાના કારણે ક્લાસ ઓછા થતા શાળાને તાળા મારવાનો સમય આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા બકુલભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છેકે, ભાજપના શાસનમાં વિખવાદના કારણે બાળકોનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે.
વિસનગર પાલિકા સંચાલીત જી.ડી.હાઈસ્કુલનો ભૂતકાળ રાજ્યની ખ્યાતનામ સંસ્થાઓ પૈકીનો એક હતો. ભૂતકાળમાં જી.ડી.હાઈસ્કુલમાં અભ્યાસ કરી અસંખ્ય લોકોએ ઉચ્ચ કારકિર્દિ પ્રાપ્ત કરી છે. અત્યારે શાળાના શિક્ષકો બાળકો પ્રત્યે ઓછુ ધ્યાન આપતા તેમજ ભાજપ શાસીત પાલિકાની શાળા પ્રત્યેની દુર્લક્ષતાના કારણે શાળાની હાલત સરકારી પ્રાથમિક શાળા કરતા પણ બદ્દત્તર બની છે. ચાલુ સાલે ધો.૧૦ નુ ૨૬ ટકા અને ધો.૧૨ નુ ૩૦ ટકા પરિણામ આવ્યુ છે.
જી.ડી.હાઈસ્કુલનુ પરિણામ કથળતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા બકુલભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છેકે, ભાજપ શાસીત પાલિકાના પ્રમુખ, શાળા ઉપર દેખરેખ રાખતા શિક્ષણ સમિતિના ચેરમેન તથા બોર્ડના સભ્યોના અંદરોઅંદરના વિખવાદના કારણે જી.ડી.હાઈસ્લની દશા બેઠી છે. આવુ પરિણામ આવે તો બાળકોના ભવિષ્ય અને કારકિર્દિનુ શું? આ રીતેજ ચાલશે તો હાઈસ્કુલમાં સરકારની ગ્રાન્ટ કપાશે. વર્ગો બંધ થશે અને છેવટે શાળા બંધ કરવાનો વારો આવશે. શાળા બંધ થશે તો ગરીબ મધ્યમવર્ગના બક્ષીપંચના બાળકોનુ શુ થશે?
કોંગ્રેસ અને વિકાસમંચના ગત બોર્ડમાં શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન કુસુમબેન ત્રિવેદી તથા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી શાળામાં પુરેપુરૂ ધ્યાન આપતા હતા. આચાર્ય અને શિક્ષકો સાથે મીટીંગ કરી માર્ગદર્શન લઈ વિદ્યાર્થીઓનુ ભવિષ્ય કંઈ રીતે સુધરે તેની ચીંતા અને ચર્ચા કરતા. જેના પરિણામે ગત વર્ષ ધો.૧૦ નુ ૪૫ ટકા અને ધો.૧૨ સાયન્સનુ ૬૦ ટકા પરિણામ આવ્યુ હતુ. શાળા પ્રત્યે ધ્યાન આપવામાં આવતા ગઠબંધનના શાસનમાં ધો.૧૦ મા બે ક્લાસ તથા ધો.૧૨ સાયન્સનો એક ક્લાસ વધ્યો હતો. જ્યારે અત્યારે ધો.૧૦ અને ધો.૧૨ મા ક્લાસ ઓછા કરવામાં આવ્યા છે. આ રીતેજ ચાલશે તો શાળાને તાળા મારવાનો સમય આવશે. ભાજપ શાસીત પાલિકામાં કટકી ક્યા મળે છે તે નિતિ હોવાનુ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉપરથી ફલીત થયુ છે. કટકીમાં રસ છે પરંતુ જી.ડી.હાઈસ્કુલના વિકાસમાં તથા સુવિધાઓ વધારવામાં રસ નથી.
ગઠબંધનના ગત બોર્ડમાં જી.ડી.હાઈસ્કુલમાં પ્રાથમિક ભવન, પ્રાર્થના ભૂમિ, પ્રાર્થના ભૂમિનો શેડ, નવા રોડ, પેવર બ્લોક, સાયન્સ લેબોરેટરી જેવા કામો માટે બે કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી હતી. છતાં વિજ્ઞાન લેબોરેટરી તૈયાર થતી નથી. જુની લેબોરેટરી છે ત્યાજ નવી લેબોરેટરી બનાવવાની છે. શિક્ષણ સમિતિના ચેરમેન કહે છેકે પાયામાં પાણી ફૂટે છે જેથી ગ્રાઉન્ડમાં લેબોરેટરી બનાવવાની છે. બાંધકામની આધુનિક ટેકનોલોજીમાં જો દરિયામાં પુલ બની શકતા હોય તો બીમ ભરીને લેબોરેટરી ન બનાવી શકાય? ગ્રાઉન્ડમાં લેબોરેટરી બનશે તો જી.ડી.હાઈસ્કુલનુ ગ્રાઉન્ડ નાનુ થઈ જશે. સરકારના તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમ જી.ડી.હાઈસ્કુલમાં કરવા મુશ્કેલ બનશે. ભાજપ શાસીત પાલિકામાં જી.ડી.હાઈસ્કુલની પડતી આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us