તાલુકા પી.આઈ.ભરવાડે છેલ્લી ઘડીએ બંદોબસ્ત નહી ફાળવતા ગોઠવામાં દબાણ તોડવા ગયેલી ટીમ લીલા તોરણે પરત
વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં દબાણ તોડવા ગયેલી તાલુકા પંચાયતની ટીમને તાલુકા પોલીસનું પ્રોટેક્શન નહી મળતા સમગ્ર ટીમ જે.સી.બી. સાથે દબાણ તોડ્યા વગર લીલા તોરણે પરત ફરી હતી. પોલીસ પ્રોટેક્શનની ટી.ડી.ઓ.ને ખાત્રી આપ્યા બાદ તાલુકા પોલીસનો સ્ટાફ હાજર નહી રહેતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.પી.ભરવાડની કામગીરી સામે લોકોમાં શંકા ઉભી થઈ છે. શું પી.આઈ.ભરવાડે દબાણકર્તા સાથે સેટીંગ કર્યુ?
ટી.ડી.ઓ. સુચીબેન પટેલે દબાણ હટાવવાની કાર્યવાહી કરી પણ પી.આઈ.ભરવાડે તેની ઉપર ઠંડુ પાણી ફેરવી દીધુ
વિસનગર તાલુકાના દરેક ગામોમાં નાના-મોટા ગેરકાયદેસર દબાણો થયા છે. દબાણ દુર કરવા તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ અરજીઓ પણ થાય છે. જેમાં મોટે ભાગે અધિકારીઓ દબાણકર્તાઓને છાવરતા હોવાના આક્ષેપો થયા છે. પરંતુ હવે તો દબાણના મુદ્દે પોલીસની કામગીરી ઉપર પણ લોકો શંકા સેવી રહ્યા છે. તાલુકાના ગોઠવા ગામના અરજદાર મહેરીયા ભરતકુમાર મફતલાલે પોતાને નડતરરૂપ દબાણ દુર કરવા તા.૭-૧૨-૨૦૧૯ના રોજથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતમાં વારંવાર લેખિત રજુઆતો કરી હતી. જેમાં જીલ્લા વિકાસ અધિકારીના આદેશથી ટી.ડી.ઓ. સુચીબેન પટેલે તમામ દબાણકર્તાઓનું દબાણ દુર કરવા કાર્યવાહી કરી હતી. દબાણ દુર કરવાની કામગીરી દરમિયાન ગામમાં સુલેહ શાંતીનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટી.ડી.ઓ.ને પોલીસ બંદોબસ્ત સાથે તા.૧૩-૧૧-૨૦૨૪ના રોજ દબાણ દુર કરવાનું આયોજન કર્યુ હતુ. ટી.ડી.ઓ.એ પોલીસ પ્રોટેક્શન આપવા તા.૨૫-૧૦-૨૦૨૪ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.પી.ભરવાડને લેખિત માગણી કરી હતી. ત્યારે પી.આઈ.ભરવાડે દબાણકામગીરીના દિવસે પોલીસ બંદોબસ્ત ફાળવવા ટી.ડી.ઓ.ને બાહેધરી આપતા તા.૧૩-૧૧ના રોજ તાલુકા પંચાયતની ટીમ જે.સી.બી. સાથે દબાણ તોડવા ગોઠવા પહોંચી હતી. જ્યાં તાલુકા પોલીસનો સ્ટાફ હાજર નહી રહેતા તાલુકા પંચાયતની ટીમ દબાણ તોડ્યા વગર લીલા તોરણે પરત ફરી હતી. પોલીસ પ્રોટેક્શનની બાંહેધરી આપ્યા બાદ છેલ્લી ઘડીએ પી.આઈ.ભરવાડે પોલીસ બંદોબસ્ત નહી ફાળવતા પી.આઈ.ની કામગીરી સામે લોકો શંકા સેવી રહ્યા છે. લોકોમાં એવી શંકા ઉભી થઈ કે પી.આઈ. જે.પી.ભરવાડે દબાણકર્તા સાથે સેટીંગ કર્યુ હશે? જોકે પી.આઈ.ભરવાડના રાજમાં અત્યારે દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું ચર્ચાય છે.