રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સજીવ ખેતીના રાહબર રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી નાગરિકોની સાથે જમીનનુ સ્વાસ્થ્ય પણ સુધરશે
તંત્રી સ્થાનેથી…
રાસાયણિક ખાતરથી ખેત ઉત્પાદન વધુ થાય છે. રાસાયણિક ખાતરથી ખેત મજુરીમાં મહેનત ઓછી થાય છે અને ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. રાસાયણિક ખાતરથી પાકને જરૂરી પોષક તત્વો મળી રહે છે તેવા દાવા રાસાયણિક ખાતરના વપરાશકારો અને ટેકેદારો દ્વારા વર્ષોથી થઈ રહ્યા છે. પરંતુ રાસાયણિક ખાતરમાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશીયમ જેવા બે થી ત્રણજ પોષક દ્રવ્યો મળે છે. જેની સામે રાસાયણિક ખાતરનો ખેતીમાં વધુ પડતા વપરાશથી આ કૃત્રિમ પોષકો જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ પ્રદુષિત થઈ રહ્યા છે. આ ખાતરના વપરાશથી ખેતીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં જરૂરીયાત પડતા પાણીનો બગાડ થાય છે. આ ખાતરના વપરાશથી ગ્લોબલ વોર્મિંગ ઉપર અસર થાય છે તેનો ખેડૂતો વિચાર કરતા નથી. એક અભ્યાસ પ્રમાણે ૬૦૦ કિ.મિ. કાર ચલાવવાથી હવામા જેટલુ પ્રદુષણ થાય છે તેટલુ પ્રદુષણ ખેત ઉત્પાદનમાં એક થેલી યુરીયા વાપરવાથી થાય છે. આવા ખાતરોના વપરાશથી વાતાવરણમાં નાઈટ્રસ ઓક્સાઈડ ભળે છે. જે કાર્બન ડાયોક્સાઈડ કરતા ૨૭૧ ગણી વધુ ગરમી પકડી રાખે છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનનુ સ્વાસ્થ્ય તો બગડેજ છે સાથે સાથે નાગરિકોની સ્વાસ્થ્ય ઉપર પણ એટલીજ અસર થાય છે. ખેત ઉત્પાદનો અને શાકભાજીમાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી લોકો જીવલેણ કેન્સરના રોગનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતરોના વપરાશથી અનાજના સ્વાદ અને સુગંધમાં પણ મોટો ફરક પડતો જોવા મળ્યો છે. પહેલા ઘરમાં રોટલો કે રોટલી બનતી હોય કે ભાત રંધાતા હોય કે દાળ ઉકળવા માટે મુકી હોય તો તેની સુવાસ આવતી હતી. રસોડામાં બનતા ખોરાકમાંથી અત્યારે જે સુવાસ છીનવાઈ છે તેની પાછળ રાસાયણિક ખાતર અને દવાયુક્ત બિયારણો જવાબદાર છે. ઋષિ ખેતી કે કુદરતી ખેતી એ ભારતમાં વર્ષોથી થતી આવતી હતી, પરંતુ સમય જતા આ પારંપારીક ખેતી વિસરાતા અત્યારે રાયાયણિક ખેતી તરફ ખેડૂત વળ્યા છે. જેની સમગ્ર વિશ્વ અને સમાજ ઉપર વિપરિત અસરો જોવા મળી રહી છે. ગુજરાતમાં ખેડૂતો રાસાયણિક ખાતર આધારીત ખેતી છોડી પારંપારિક સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રીય ખેતી, પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છેલ્લા ઘણા વર્ષથી અથાક પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યપાલના મોભાદાર હોદ્દાને એક બાજુ મુકીને તેમણે ખેડૂતોની વચ્ચે જઈ તેમની સાથે બેસી ચર્ચાઓ કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગૃત કરવાનુ અભિયાન ઉપાડ્યુ છે. એક અભ્યાસ પ્રમાણે ગુજરાતના લગભગ ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા એમ કહી શકાય કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના સાચા રાહબર અને ગુરૂ છે. પ્રાકૃતિક કે સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ પાકના પોષણ માટે છાણીયુ ખાતર, અળસીયાનુ ખાતર, કંમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનુ દ્રાવણ, છાસ વિગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીથી થતુ ઉત્પાદન પોષણયુક્ત હોય છે. જેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. રાસાયણિક ખેત પેદાશો કરતા પ્રાકૃતિક ખેત પેદાશમાં ૬૩ ટકા વધુ કેલ્શીયમ, ૭૩ ટકા વધુ લોહતત્વ, ૧૧૮ ટકા વધુ મોલીબ્ડેનમ, ૯૧ ટકા વધુ ફોસ્ફરસ, ૧૨૫ ટકા વધુ પોટેશીયમ અને ૬૦ ટકા વધુ જસત હોય છે. પ્રાકૃતિક ખેતીની વિવિધ પધ્ધતિઓથી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદનની સાથે જમીન સાથે પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન તો બગડે છે સાથે સાથે પાકની ઉત્પાદકતા, ગુણવત્તા અને ફળદ્રુપતા પણ ઘટે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનની સાથે પાકની પણ ગુણવત્તા જળવાઈ રહે છે અને સ્વાસ્થ્યવર્ધક પોષક તત્વો પણ મળી રહે છે. સદીઓ પુરાણોથી થતી ખેતી ભુલીને રાસાયણિક ખાતર આધારીત ખેતીથી તેનુ નુકશાન તમામ ક્ષેત્રે થઈ રહ્યુ છે. સર્વજન સુખાય સર્વજન હિતાયના ઉમદા હેતુથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જે કમરકસી છે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિથી કરવામાં આવેલ ઐતિહાસિક પહેલ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનુ બળ મળશે. વડાપ્રધાનના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર કેન્દ્ર પ્રયોજીત યોજના તરીકે મંજુરી આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે રૂા.૨૪૮૧ કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. કૃષિ મિશનથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે સાથે સાથે નાગરિકોના સ્વાસ્થ્યની સાથે જમીનોનુ પણ સ્વાસ્થ્ય સુધરશે.