Select Page

વિસનગર જુથ યોજના શરૂ થઈ પણ કેટલાક ગામને કોઈ લાભ નહી કાંસા એન.એ. વિસ્તાર બે વર્ષથી નર્મદાના પાણીથી વંચીત

વિસનગર જુથ યોજના શરૂ થઈ પણ કેટલાક ગામને કોઈ લાભ નહી કાંસા એન.એ. વિસ્તાર બે વર્ષથી નર્મદાના પાણીથી વંચીત

નર્મદા આધારિત વિસનગર જુથ યોજના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શરૂ થઈ છે. આ યોજના શરૂ થઈ ત્યારે એક જ વર્ષમા તાલુકાના દરેક ગામમાં નર્મદાનુ પાણી પહોચતુ થશે તેવુ કહેવામા આવ્યુ હતુ. પરંતુ જુથ યોજના શરૂ થવાના બે વર્ષ બાદ પણ હજુ સુધી તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત કાંસા એન.એ. વિસ્તારને નર્મદાના પાણીનો લાભ મળ્યો નથી. તાલુકા પંચાયતના શાસક પક્ષના પૂર્વ નેતા દ્વારા એન.એ. વિસ્તારને નર્મદાના પાણીનો લાભ આપવા રજૂઆત કરવામા આવી છે. ત્યારે એન.એ.વિસ્તારને નર્મદાના પાણીનો લાભ કયારે મળશે અને આ વિસ્તારના લોકોને ફલોરાઈડયુક્ત પાણીમાંથી કયારે મુક્તી મળશે તે જોવાનુ રહ્યુ.
ધરોઈ જુથ યોજના આધારીત વિસનગર શહેરમાં નિયમિત પાણી મળતુ નહી હોવાથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી સ્પેશ્યલ કેસમા ફક્ત વિસનગર શહેર અને તાલુકા પુરતી નર્મદા આધારીત વિસનગર જુથ યોજનાને મંજુરી મળી હતી. માર્કેટયાર્ડના કોટન શેડમાં જુથ યોજનાનુ જયારે લોકાર્પણ કરવામા આવ્યુ ત્યારે એક જ વર્ષમાં સમગ્ર તાલુકાના ગામડાને આ યોજનાનો લાભ મળશે તેવા ભાષણ કરવામા આવ્યા હતા. પરંતુ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત કાંસા એન.એ. વિસ્તાર સહીત હજુ પણ એવા ગામડા છેકે જ્યા નર્મદા આધારીત જુથ યોજનાનો લાભ પહોચતો થયો નથી જેની પાછળ પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની નિષ્કીયતા હોવાનુ જણાય છે.
કાંસા એન.એ.વિસ્તારને નર્મદા આધારીત જુથ યોજનાનો લાભ નહી મળતા હવે આ વિસ્તારના લોકોની ધીરજ ખુટી છે. એન.એ. વિસ્તારને નર્મદા આધારીત પાણી પુરુ પાડવા માટે તાલુકા પંચાયતના શાસક પક્ષના પૂર્વ નેતા સરોજબેન એમ.પ્રજાપતિ દ્વારા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રજૂઆત કરવામા આવી છે કે વિસનગર તાલુકામાં છેલ્લા બે વર્ષથી સરદાર સરોવર ડેમ આધારિત નર્મદાનુ પાણી ઘરે ઘરે પહોચાડવામા આવે છે પણ વિસનગર તાલુકાના જ કાંસા એન.એ. વિસ્તારમા નર્મદાનુ પાણી મળતુ નથી. કાંસા એન.એ. વિસ્તારમાં લગભગ રપ૦૦૦ જેટલા લોકો વસવાટ કરે છે તથા સદર વિસ્તારમા બહારથી નોકરી ધંધા અર્થે પણ ઘણા લોકો વસવાટ કરે છે. વિસ્તારના વિકાસને જોતા આગામી ૧૦ વર્ષમાં આ વિસ્તાર બમણો થઈ શકે તેમ છે. હાલ આ વિસ્તારના નાગરિકો બોરવેલના પાણીનો ઉપયોગ તેઓના રોજીંદા વપરાશમા કરે છે. જે પાણીમાં ટી.ડી.એસ.નુ સ્તર ૧પ૦૦ થી પણ વધારે છે તેમજ ખુબ જ માટી/ ક્ષાર યુક્ત પાણી આવતુ હોવા છતા અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી વિસ્તારના નાગરિકોને પાણી વાપરવાની ફરજ પડે છે. લાંબા સમય સુધી આવા પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પાણી જન્ય તથા ફોલોરાઈડના કારણે હાડકાના રોગો થવાની સંભાવના રહેલ છે.
કાંસા એન.એ. વિસ્તારના લોકોના આરોગ્યને ધ્યાને લઈ આગામી વર્ષના હિસાબથી પ્લાનીંગ કરી નર્મદાનુ પાણી કાંસા એન.એ. વિસ્તારમા મળી રહે અંગે ઘટતી કાર્યવાહી કરવા વિસ્તારના લોકોવતી નમ્ર વિનંતી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts