Select Page

જાડા ધાન્યનો ખોરાકમાં ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક ફાયદા

જાડા ધાન્યનો ખોરાકમાં ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક ફાયદા

International Year of Millets – 2023

તંત્રી સ્થાનેથી…

વિશ્વની સૌથી જુની ભારતીય સંસ્કૃતિની રહેણી કરણીનુ અનુકરણ તથા પાલન કરવામાં આવે તો શરીર નિરોગી રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી વિશ્વ યોગ દિવસની શરૂઆત થઈ અને અત્યારે વિશ્વના લોકો યોગ કરીને સ્વસ્થ રહે છે. લોક કલ્યાણ માટે ભારતે હંમેશા વિશ્વને માર્ગદર્શન આપ્યુ છે. યોગની સમગ્ર વિશ્વમાં ઓળખ કરાવી હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત બરછટ અનાજ - જાડા ધાન્યનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે સુચન કરી વિશ્વના લોકોને સ્વસ્થ જીવન માટેનો સંદેશો આપ્યો છે. વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રસંઘને ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવવા પ્રસ્તાવ મોકલ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ પ્રસ્તાવ સ્વિકારી ૨૦૨૩ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્‌સ વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ છે. ભારના કૃષિ મંત્રાલયે પણ સાંસદ પરિસરમાં ખાદ્ય ઉત્સવનુ આયોજન કરી બરછટ અનાજની વાનગીઓ પીરસી જાડા ધાન્યનો ખોરાકમાં ઉપયોગ કરવા માટે દેશવાસીઓને પ્રેર્યા છે. આપણો પરંપરાગત ખોરાક ભુલીને પશ્ચીમી દેશોના જંકફૂડના ખોરાકથી આકર્ષાતા ભારત દેશના લોકો વિવિધ રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં મેદસ્વીપણુ ખાસ છે. મોટા શહેરમાં રહેતા લોકો જંકફૂડના વધારે પડતા ઉપયોગથી કેન્સર સહિતની બીમારીઓ સહન કરી રહ્યા છે. જેની સામે ગામડામાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રહેણાંક કરતા લોકોમાં રોગનુ પ્રમાણ નહિવત જોવા મળે છે. જેનુ મુખ્ય કારણ છેકે જાડા ધાન્યનો વધારે પ્રમાણમાં ઉપયોગ. બરછટ જાડા ધાન્યમાં બાજરી, જુવાર, મકાઈ, નાગલી બંટીનો આપણા વડવાઓ ઉપયોગ કરતા જે સશક્ત, મજબુત બાધાના અને નિરોગી રહેતા હતા. વિશ્વના લોકો મિલેટ્‌સનો ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાન મોદીના અત્યારના સરાહનીય ભગીરથ પ્રયાસો છે. જાડા ધાન્યમાં કયા અનાજમાં કેવા તત્વો અને શુ ફાયદા તે જોઈએ તો જુવારમાં ભરપુર પોષક તત્વો છે. જુવારની પ્રકૃતિ ઠંડી છે. ગરમ પ્રકૃતિવાળા લોકો ઉનાળામાં જુવારના રોટલાનો ખોરાકમાં ઉપયોગ કરે તો ગરમીમાં રાહત આપે છે. જુવારમાં ફાયબરનુ પ્રમાણે વધારે હોવાથી કબજીયાત દૂર કરી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરે છે. તેમજ વજન નિયંત્રણમાં રાખી હૃદયરોગનુ જોખમ ઘટાડે છે. જુવારમાં કેલ્શિયમ વધારે હોવાથી હાડકાં મજબુત કરે છે. બાજરીનો ઉપયોગ કરવાથી આ અનાજ ગરમ પ્રકૃતિનુ છે અને આરોગ્ય માટે ઉત્તમ ગુણ ધરાવે છે. ખેડૂતો તેમજ શ્રમિકો બાજરીનો ઉપયોગ વધારે કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી ડાયાબીટીસ તેમજ હૃદયની બીમારીને દૂર રાખે છે. બાજરીમાં પોટેશીયમ અને મેગ્નેશીયમ જેવા તત્વો બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. દેશી મકાઈ પોષયયુક્ત અને આરોગ્યવર્ધક છે. મકાઈમાં રહેલુ ફાઈબર તત્વ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે. જે કબજીયાત દુર કરી પાચનતંત્રને સુધારે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે. મકાઈમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે. જવનો ખોરાકમાં ઉપયોગ કરવાથી તેમાં રહેલ તત્વ ફાઈબર ધમનીઓની દિવાલોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેનાથી હૃદય રોગને ટાળે છે. જવ પથરી દૂર કરવા માટે ખુબ ઉપયોગી છે. નાગલી રાગીનો આદિવાસી વિસ્તારમાં રોટલાના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. જેમાં ફાઈબર, પ્રોટીન તેમજ આયર્નનુ પ્રમાણ વધારે હોવાથી સ્તનપાન કરાવતી સગર્ભા માતાઓ માટે ખુબજ ફાયદાકારક ખોરાક છે. રાગી હિમોગ્લોબીન વધારી વજનને નિયંત્રણ કરનાર અનાજ છે. કબજીયાત, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓ નાગલીનો ખોરાકમાં ઉપયોગથી દૂર થાય છે. જાડા ધાન્યનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મહત્વનુ છેકે ભારતમાં બરછટ અનાજનુ ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. આ ખેતીમાં પાણી અને વિજળીની બચત થાય છે. જમીનનુ સ્વાસ્થ્ય, માનવીનુ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણના રક્ષણ માટે જાડા ધાન્યની ખેતી ઉત્તમ છે. ખેડૂતો પણ જાડા ધાન્યની ખેતી કરતા થાય તે માટેના સરકારના પૂરા પ્રયત્નો છે. જ્યારે વિશ્વના દેશો જાડા ધાન્યનો ઉપયોગ કરતા થશે ત્યારે ભારત આ ધાન્યનો નિકાસ કરશે. એક સાથે અનેક પરીબળોનો વિચાર કરી વડાપ્રધાન મોદીના પ્રયત્નોથી મિલેટ્‌સ ઈયર મનાવવામાં આવી રહ્યુ છે ત્યારે આવો સૌ સાથે મળી બરછટ અનાજના ઉપયોગથી નિરોગી બની સ્વસ્થ ભારતનુ નિર્માણ કરીએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us