ઉનાળાની કાળઝાળ ગરમીમા લૂ લાગવાથી બચો, ઘરઘથ્થુ ઉપચારથી સારવાર લઈ શકાય
તંત્રી સ્થાનેથી…
એપ્રિલ મહિનો શરૂ થતાની સાથેજ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ જાય છે. એન્ડ્રોઈડ મોબાઈલમાં હવામાનની જાણકારી આવતી વિવિધ એપમા જોશો તો આ વખતે ચોથા મહિનાની શરૂઆતથીજ ૪૦ થી ૪૨ ડીગ્રી તાપમાન દર્શાવી રહી છે. ત્યારે મે અને જૂન મહિનો કેવો જશે તેની ચિંતા થવાની સાથે કાળઝાળ ગરમીથી બચવા માટે શુ કરી શકાય તેનો વિચાર લોકમાનસમા જોવા મળી રહ્યો છે. ધોમ ધખતા ઉનાળામાં ખાસ કરીને લૂ લાગવાના બનાવો સાંભળવામાં આવે છે. ખરા ઉનાળામાં સવારે ૧૧-૦૦ વાગ્યાથીજ સૂર્યનારાયણનો પ્રકોપ શરૂ થતા હવામાન એકદમ ગરમ થાય છે અને પવન પણ વરાળની માફક અનુભવાતો હોય છે. ઉનાળાનો ગરમ પવન જ્યારે કોઈપણ વ્યક્તિને સ્પર્શે અને શ્વાસોચ્છવાસથી શરીરની અંદર પ્રવેશે એ ઉષ્ણવાયુથી શરીરની સાતેય ધાતુ ગરમ થઈ જાય છે. ઘણી વખત તો રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી ગરમ પવન વહેતો હોય છે. આ સમય લૂ લાગવાનો સમય ગણી શકાય. શરીરનુ તાપમાન સામાન્ય હોય ત્યારે લોહીનુ પરિભ્રમણ સામાન્ય રીતે થાય છે. જ્યારે ગરમ તાપમાનમાં બહાર જવાનુ થાય ત્યારે ડિહાઈડ્રેશન થવાની ઘટના બને છે. હિટસ્ટ્રોકમાં ૧૦ થી ૧૫ મિનિટમાં શરીરનુ તાપમાન ૧૦૬ ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી વધુ થાય ત્યારે સમયસર સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનુ મૃત્યુ કે ઓર્ગન ફેઈલ થઈ શકે છે. આંખો બળવી, શરીરમાંથી જાણે વરાળ બહાર નીકળતી હોય તેવો અનુભવ થવો, હાથ પગના તળીયા બળતા હોય, માથુ ગરમ કે ભારે થવુ, તાવ આવ્યો હોય તેવુ શરીર ગરમ થવુ, ઉલટીઓ થવી, ક્યારેક પાતળા ઝાડા થવા, ચક્કર આવવા, હાથ-પગ-પેટમાં દુઃખાવો, બેભાવ થવુ વિગેરે લૂ લાગવાના લક્ષણો છે. ઉનાળામાં ઘર કે ઓફીસમાં એ.સી.માં લાંબો સમય બેઠા બાદ એકદમ ગરમ વાતાવરણમાં બહાર નીકળવુ, બહારની ગરમીથી સંતુપ્ત થઈને ઘરમાં આવી કૃત્રિમ રીતે ઠંડુ કરેલુ અથવા બરફનુ પાણી પીવુ, ગરમીમાંથી આવ્યા બાદ ઠંડા પાણીથી કે ફુવારા નીચે સ્નાન કરવુ એ હાનિકારક છે. આપણે ક્યારેક ગરમીના કારણે કોઈનુ મૃત્યુ થયુ હોવાનુ સાંભળીએ છીએ. આવા વ્યક્તિઓને હીટ સ્ટ્રોક થયેલો હોય છે. હીટ સ્ટ્રોક જવલ્લેજ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિઓને હીટ સ્ટ્રોક થાય છે તે પૈકી ૫૦ ટકા વ્યક્તિઓ મૃત્યુ પામે છે. વૃધ્ધ વ્યક્તિઓ, થાઈરોઈડ, હૃદયરોગ, માનસિક રોગની દવા લેતા વ્યક્તિઓ, દારૂના બંધાણી, ગરમીમા અતિશય શારીરિક શ્રમ કરતા, ગરમીમા સતત ફરતા વ્યક્તિઓને હીટ સ્ટ્રોક ઝડપથી થાય છે. હીટ સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિને ઠંડકવાળી જગ્યામાં ખસેડી પંખો ચાલુ કરી ઠંડી હવા આપવાથી, ભાનમાં હોય તો મીઠુ-ખાંડ-લીંબુનુ શરબત પીવડાવવાથી, તાવ હોય તો ઠંડા પાણીના પોતા મુકી શરીરનુ તાપમાન ઓછુ કરવાથી, શરીર ઉપર વધુ પડતા કપડા કે ચુસ્ત કપડા પહેર્યા હોય તો ખુલતા કપડા પહેરાવાથી હીટ સ્ટ્રોકની અસર ઓછી થાય છે. લૂ લાગેલી વ્યક્તિને કે હીટ સ્ટ્રોકનો ભોગ બનેલ વ્યક્તિની યોગ્ય સારવાર કે ચિકિત્સા ન થાય તો ક્યારેક ગંભીર પરિણામ આવે છે. લૂ લાગી હોય તો તેની અસર ઓછી કરવા કે લૂ થી બચવા માટેના સરળ અને સચોટ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. લૂ લાગેલી વ્યક્તિને શીતળ વૃક્ષની છાયામાં અથવા ઘરની અંદર ઠંડકવાળી જગ્યામાં રાખી બારી બારણા ઉપર ખસના પડદા પાણીથી પલાળીને લટકાવવા, તાડના પંખા કે વીંઝણાથી હળવા હાથે પવન નાંખતા રહેવુ. સુખડનુ લાકડુ અને કપુરકાચલી થોડુ પાણી નાખી પથ્થર ઉપર ઘસીને તેનો લેપ કપાળ તથા શરીર ઉપર લગાડવો. કપુરકાચલી પાણીમા પથ્થર ઉપર ઘસીને માટલીના પીવાના પાણીમાં ભેળવી દેવો. ગાંધીના ત્યા મળતા ખસના મૂળીયાની ઝૂડી કપડામાની પોટલીમા મૂકી પાણી ભરેલા માટલામા મૂકી રાખી આ પાણી થોડુ થોડુ દર્દીને આપવુ. જેને દેશી કાચી કેરીનો બાફલો કહેવામાં આવે છે તે કાચી કેરી બાફીને ઠંડી થાય ત્યારે તેનો માવો ઠંડા પાણીમાં ભેળવવો. એક રસ થઈ જાય એટલે કપડામાં ગાળી તેમાં પ્રમાણસર દેશી ગોળ, વાટેલુ જીરૂ અને મીઠુ નાખી આ શરબત અડધો કપ દોઢ થી બે કલાકે આપતા રહેવુ. ડુંગળી છીણીને હાથ પગના તળીયે ઘસવાથી તેમજ માથામાં ઉપરના ભાગે મુકવાથી શરીરની ઉષ્ણતા ખુબજ ઝડપથી ઓછી થાય છે. વનસ્પતિ ઔષધોની પરંપરા અનુસાર ઉનાળા ડુંગળી ખુબજ ઉપયોગી મનાય છે. રણપ્રદેશમાં વસતા લોકો ઉનાળાના તાપમાં બહાર જવાનુ થાય ત્યારે લૂ થી બચવા માટે માથામાં ટોપીને નીચે ડૂંગળી છુંદીને રાખતા. અત્યાના આધુનિક યુગમાં આ શક્ય નથી. પણ ઉનાળા દરમ્યાન ડુંગળીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે તો ગરમી તથા લૂ સામે રક્ષણ આપે છે. પુખ્ત વયના વ્યક્તિ માટે ડુંગળીનુ રોજનુ પ્રમાણ ૫૦ ગ્રામ છે. આપણા શાસ્ત્રો અને આયુર્વેદમાં શરીર સ્વાસ્થ્ય માટે બદલાતા હવામાન અનુસાર આહારનો સમાવેશ કરવા સૂચનો કરાયા છે. કાકડીમાં વિટામીન અને ફાયબર ભરપુર માત્રામાં હોય છે, જે શરીરને ઠંડક પ્રદાન કરે છે અને હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ કરે છે. લીંબુ પાણી ખૂબ ફાયદાકારક છે, લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથોસાથ શરીરને હાઈડ્રેટ રાખે છે. દહીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, વિટામીન સી, વિટામીન બી, વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. જેના ઉપયોગથી ઉનાળામાં શરીરને ફીટ રાખે છે. ફૂદીનાના પાનને પીસીને તેને શરબત સાથે મિક્સ કરીને સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક આપે છે. તરબૂચનુ સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. તરબૂતમાં પ્રોટીન સહિત વિટામીન્સ ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં કામ કરવુ છોડી શકાતુ નથી, પરંતુ સાવચેતી રાખવામાં આવે તો લૂ કે હીટ સ્ટ્રોકથી બચી શકાય છે.