Select Page

દેળીયા તળાવની સફાઈ ચાર વર્ષથી કરાઈ નથી

દેળીયા તળાવની સફાઈ ચાર વર્ષથી કરાઈ નથી

આર.ટી.આઈ.ની વિગતોમા ઘટસ્ફોટ

  • વિસનગર પાલિકા વિસ્તારમાં ફક્ત ચાર તળાવ-પીંડારીયુ તળાવ શહેરની હદ બહાર

વિસનગરના ઐતિહાસિક દેળીયા તળાવને હેરિટેજ તરીકે જાળવણી કરવાની જગ્યાએ પાલિકાની નિષ્ક્રિયતાથી તળાવમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. શહેરના એક જાગૃત દ્વારા પાલિકામાં વિવિધ મુદ્દે કરવામાં આવેલી આર.ટી.આઈ.માં ઘટસ્ફોટ થયો છે કે તળાવની છેલ્લા ચાર વર્ષથી સફાઈ થઈ નથી. ભાજપના આ વર્તમાન બોર્ડે તળાવના વિકાસની વાતતો એક બાજુ ઉપર રહી પરંતુ સફાઈ કરવાનો પણ પ્રયત્ન કર્યો નથી.
વિસનગર કમાણા રોડ ઉપરની યોગેશ્વર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પટેલે પાલિકામાં આર.ટી.આઈ. કરી હતી કે, શહેરમાં કેટલા તળાવો આવેલા છે. તળાવ કયા વર્ષમાં ઉંડા કરવામાં આવ્યા અને સફાઈ કરવામાં આવી. છેલ્લે ક્યારે સફાઈ થઈ અને તેનો કેટલોે ખર્ચ થયો. આદર્શ વિદ્યાલયથી દિપરા દરવાજા થઈ રામાપીર મંદિરનો રોડ પાલિકાને સોંપવામાં આવ્યા બાદ ફોરલેન બનાવવા વરસાદી પાણીનો નિકાલ અને ગટરલાઈન માટે કરવામાં આવેલી કાર્યવાહી, કમાણા રોડ ઉપરથી ખોજા સોસાયટીને જોડતો રોડ સફાઈના કોન્ટ્રાકટમાં લીધો નથી તો ક્યારે લેશો. કમાણા ચાર રસ્તા ઉપર આવેલ પાણીની ટાંકીમાથી ક્લોરીનેશન વગર પાણી છોડવામાં આવે છે. તો ક્લોરીનેશન ક્યારે કરવામાં આવશે વિગેરે માગવામા આવી હતી.
જેમાં મહત્વનો મુદ્દો હતો શહેરના તળાવો બાબતે તળાવની વિગતમાં પાલિકાનો જવાબ હતો કે, શહેરમા દેળીયુ, મધક, દેપલ અને ગોરાલ ચાર તળાવ આવેલા છે. જેમાં દેળીયા તળાવની સફાઈ વર્ષ ૨૦૨૧મા થઈ હતી. અને જેમાં રૂા.૨,૨૪,૯૯૯/- ખર્ચ થયો છે. પાલિકાના જવાબ પ્રમાણે ભાજપના બોર્ડમા દેળીયા તળાવની સફાઈ માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ અને વિકાસ મંચના શાસનમાં દેળીયા તળાવની સફાઈ થઈ હતી. ગત વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા ફક્ત તળાવના કિનારા નજીકનો કચરો સાફ કરાયો હતો. અગાઉ સ્વ. ગીરીશભાઈ પટેલના પ્રમુખકાળમાં તળાવ સફાઈ કરવામાં આવી હતી. તે સમયે તત્કાલિન સભ્ય નાગજીભાઈ રબારીએ ભોઈ સમાજના યુવકો તૈયાર કરી નાવની વ્યવસ્થા કરી આપતા તળાવમાથી સંપુર્ણ કચરો સાફ કરી નયનરમ્ય બનાવવામાં આવ્યુ હતુ.
આર.ટી.આઈ. કરનાર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ગુજરાતના દરેક જિલ્લામા તળાવ વિકસાવવા તથા ઉંડા કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તળાવ ઉંડુ કરવાથી વરસાદી પાણીની સંગ્રહશક્તિ વધશે ને જેના કારણે ભુગર્ભના તળમા પણ સુધારો થશે. આર.ટી.આઈ.ના જવાબમાં બીજાએ પણ મહત્વની બાબત જાણવા મળી છે કે, પીંડારીયુ તળાવ પાલિકાની હદ બહાર ગ્રામ્ય વિસ્તારમા આવે છે. તો કયા આધારે તળાવના વિકાસમાં રૂા.૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો!