કાયદામંત્રીના શહેરની કોર્ટમાં લીફ્ટની માગણી ઘણા સમયથી પેન્ડીંગ
સિનિયર એડવૉકેટનુ કોર્ટ બીલ્ડીંગની સીડીઓ ચડતા હાર્ટ એટેકથી મૃત્યુ
- બાર એસો.નુ આવેદન – લીફ્ટની કામગીરી શરૂ નહી થાય તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન
વિસનગર કોર્ટ કંમ્પાઉન્ડમા ડીસ્ટ્રીક્ટ કોર્ટ અને સિવિલ કોર્ટની બે બીલ્ડીંગમાં લીફ્ટના અભાવે અશક્ત બીમાર તથા ખોડખાંપણ ધરાવતા અસીલો તેમજ સિનિયર એડવૉકેટ સીડીઓ ચડ ઉતરમા હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોર્ટ બીલ્ડીંગમાં લીફ્ટ બનાવવાની માગણી ઘણા સમયથી થઈ રહી છે. ત્યારે ડીસ્ટ્રીક્ટ કોર્ટની સીડીઓ ચડવામા એક સિનિયર એડવૉકેટનુ હાર્ટ એટેકથી મૃત્યુ થતા હવે વિસનગર બાર એસો.એ સંયમ ગુમાવ્યો છે. બાર એસો. દ્વારા અલ્ટીમેટમ આપતુ આવેદનપત્ર આપવામાં આવ્યુ છેકે ૧૦ દિવસમાં લીફ્ટનુ કામ શરૂ નહી થાય તો કોર્ટના કામકાજથી અળગા રહી ગાધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
વિસનગરના ધારાસભ્ય તેમજ કાયદામંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના કાયદા વિભાગમા અને કોર્ટ બીલ્ડીંગમાં સુવિધાઓ વધારતા ફેરફાર થયા છે. પરંતુ માર્ગ મકાન વિભાગની નિષ્ક્રીયતાથી વિસનગરની કોર્ટ બીલ્ડીંગમાં લીફ્ટની સુવિધા માટે પ્રયત્નો કરવામાં આવતા નથી. વિસનગર કોર્ટ કમ્પાઉન્ડમાં એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટની જી પ્લસ થ્રી અને સિનિયર સિવિલ કોર્ટની જી પ્લસ ટુ બે બીલ્ડીંગ આવેલી છે. ડીસ્ટ્રીક્ટ કોર્ટના વિસનગર તાલુકા ઉપરાંત્ત વડનગર, ખેરાલુ, સતલાસણા, ઉંઝા અને વિજાપુર તાલુકાના વકીલો અસીલો તથા પક્ષકારોની અવરજવર રહે છે. સિવિલ કોર્ટ બની ત્યારથી લીફ્ટનો સુવિધા માટે વિસનગર બાર એસો.ની માગણી હતી. ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ કોર્ટ બીલ્ડીંગ બન્યુ હતુ. બન્ને કોર્ટમાં લીફ્ટ નહી હોવાથી વૃધ્ધ, અશક્ત, બીમાર તથા દિવ્યાંગ અસીલોને તેમજ સિનિયર એડવૉકેટોને કોર્ટની સીડીઓ ચડવામાં ખુબજ મુશ્કેલી પડે છે. મોટર એક્સીડન્ટ ક્લેઈમમા ખોડખાંપણ ધરાવતા ઘણા પક્ષકારોને કોર્ટ કાર્યવાહીમાં હાજર રહેવા માટે મુશ્કેલી ઉભી થાય છે.
કોર્ટમાં લીફ્ટની સુવિધા માટે વિસનગર બાર એસો. દ્વારા અગાઉ માગણી કરવામાં આવતા ડીસ્ટ્રીક્ટ કોર્ટ તેમજ લીગલ ડીપાર્ટમેન્ટે માર્ગ મકાન વિભાગને લીફ્ટ માટે સૂચના આપી હતી. જેમાં માર્ગ મકાન વિભાગે આ પહેલા ઘણી વખત કોર્ટ બીલ્ડીંગની મુલાકાત લઈને લીફ્ટ માટેની ડિઝાઈન તૈયાર કરી હતી. પરંતુ લીફ્ટ બનાવવામાં આવતી નથી. આ દરમ્યાન બાર એસો.ના સિનિયર એડવૉકેટ વિજયસિંહ બી.પરમાર ડીસ્ટ્રીક્ટ કોર્ટની કાર્યવાહીમાં હાજર થવા સીડીઓ ચડતા હાર્ટ એટેક આવતા તા.૨૬-૫-૨૦૨૫ ના રોજ તેમનુ મૃત્યુ થયુ હતુ. કોર્ટ બીલ્ડીંગમાં લીફ્ટની વારંવાર માગણી છતા તેના પ્રત્યે દુર્લક્ષ રાખતા સિનિયર એડવૉકેટનુ સીડીઓ ચડતા મૃત્યુ થતા વિસનગર બાર એસો.ના સભ્યોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવ બાદ બાર એસો. દ્વારા માર્ગ મકાન વિભાગ વિસનગર ઓફીસમાં આવેદન આપવામાં આવ્યુ છેકે, કોર્ટ બીલ્ડીંગમાં લીફ્ટ નહી હોવાના કારણે બાર એસો.એ એક સિનિયર એડવૉકેટ ગુમાવ્યા છે. લીફ્ટની સગવડ નહી હોવાના કારણે ફરી જાનહાની થાય તેમ છે. ૧૦ દિવસમાં લીફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહી આવે તો બાર એસો. ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરી કોર્ટના કામકાજથી અળગા રહેશે. તા.૨૭-૫-૨૦૨૫ ના રોજ બાર એસો. દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતુ. ત્યારે ૧૦ દિવસમાં લીફ્ટની કામગીરી શરૂ થાય છેકે બાર એસો. કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરે છે તે જોવાનુ રહ્યુ.