વિષ્ણુભાઈ સોનીના સૌજન્યથી મોસાળા મનોરથ કરવામાં આવશે વિસનગરમાં તા.૨૭મીએ ૪૫ મી રથયાત્રા નીકળશે
વિસનગરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની ૪૫ મી રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ પ્લેન દુર્ઘટના થતા તેમા પણ વિસનગરને પાંચ સ્વજન ગુમાવતા હવે તેમના માનમા મર્યાદામા રથયાત્રા નીકળશે. ઉમિયા માતાના મંદિરમાં પણ મોસાળા મનોરથની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે વિસનગરના સોનાના દાગીનાના જૂના અને જાણીતા વેપારી શિવકુમાર જ્વેલર્સવાળા વિષ્ણુભાઈ શિવકુમાર સોની દ્વારા મોસાળા મનોરથ કરવામાં આવશે.
સવારે ૯-૦૦ કલાકે આરતીનો તથા રથયાત્રા પ્રસ્થાનનો ચડાવો થશે અને ૧૦-૦૦ કલાકે રથયાત્રા નીકળશે
વિસનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે આકર્ષક બને તે માટે હરિહર સેવા મંડળ, હરિહર સ્વયંમ સેવક પરિવાર અને ધર્મપ્રેમી જનતા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે તા.૨૭-૬-૨૦૨૫ ને શુક્રવારના રોજ નીકળનાર ૪૫મી રથયાત્રા વધુ આકર્ષક બને તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ પ્લેન દુર્ઘટનામા ૨૪૧ પેસેન્જરો સહિત વિસનગરના પાંચ સ્વજનોએ જીવ ગુમાવતા આ દુઃખદ સમયના માનમા તા.૧૯-૬-૨૦૨૫ ના રોજ ટ્રસ્ટી મંડળની મળેલ મીટીંગમાં હવે મર્યાદામાં રથયાત્રા કાઢવા નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે હરિહર સ્વયંમ સેવક સમિતિના કાર્યકરો માટે એકજ કલરના ઝભ્ભાનો ડ્રેસ કોડ રાખવામાં આવે છે. પરંતુ પ્લેન ક્રેશની દુર્ઘટનામા સદ્ગતોના માનમા કલરીંગ ઝભ્ભાનો ડ્રેસ કોડ મોકૂફ રાખીને સ્વયંમ સેવકો સાદો ડ્રેસ પહેરશે. રથયાત્રામાં સિધ્ધપુર બેન્ડ, અમદાવાદથી અખાડા, ૧૦ કાર્ટૂન, અંબાજીથી રાવણ, આદિવાસી ગૃપનુ લાકડી નૃત્ય, ગાંધીનગરના ૨૦ થી ૨૫ યુવાનોનુ કરાટે ગૃપ, દાંતા આદીવાસી નૃત્ય કરતુ ગૃપ, ૧૩ યુવક યુવતીઓની સ્કેટીંગ ટીમ, અંબાજી પોલીસ બેન્ડ, ૧૦ બગી, ડબલ ઘોડાની બે બગી, ગાંધીનગર રાજપૂત યુવક અને યુવતીઓનુ તલવાર બાજી કરતુ ગૃપ, ત્રણ ડી.જે., ભજન મંડળીઓ વિગેરે આકર્ષણ રહેશે.
જગન્નાથપુરીની જેમ ઘુમ્મટનો ઓપ આપેલ હોવાથી રથની ઉંચાઈ વધી, બજારમાં લગાવેલ લીલી નેટ કાઢવા વેપારીઓને અપીલ
આ વર્ષે રથયાત્રાના રથનો જગન્નાથપુરીના રથના ઘુમ્મટ જેવો ઓપ આપવામાં આવ્યો છે. જેના કારણે રથની ઉંચાઈ વધતા માર્ગમા આવતા કેબલ ઉંચા કરવા વાસના સ્ટેન્ડ સાથે સ્વયંમસેવકો હાજર રહેશે. રથયાત્રાના માર્ગ ઉપર બજાર વિસ્તારમાં ઘણી જગ્યાએ લીલી નેટ બાંધવામાં આવી છે. રથની ઉંચાઈ વધતા નેટ નડતરરૂપ બને તેમ હોઈ નેટ ઉતારી લેવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે. રથયાત્રાના માર્ગો ઉપર ઠંડુ પાણી, સરબત, છાસ, કેન્ડી, મહાપ્રસાદ વિગેરેના સેવા કેમ્પ કરવામાં આવે છે. સેવા કેમ્પ કરતા લોકોને અંતર જાળવી કેમ્પ કરવા વિનંતી કરવામાં આવી છે.
રથયાત્રાની સાથે પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મનોરથ પણ કરવામાં આવે છે. આ વર્ષે શિવકુમાર જ્વેલર્સવાળા વિષ્ણુભાઈ શિવકુમાર સોનીના સૌજન્યથી મોસાળા મનોરથ થશે. રોટરી ભવનથી સવારે ૯-૩૦ કલાકે મોસાળુ પ્રસ્થાન કરશે. ભોજન પ્રસાદ સવારે ૧૧-૦૦ કલાકે પાસ ધરાવતા આમંત્રીતો માટે શરૂ થશે. જ્યારે બપોરે ૧-૦૦ કલાકે છપ્પનભોગ દર્શન થશે. રથયાત્રા મોસાળા કમિટિ અને શ્રી વિસનગર વેપારી મહામંડળ દ્વારા મોસાળા મનોરથનુ આયોજન કરવામાં આવે છે. વિસનગર શહેર તાલુકા સહિત પંથકના લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હરિહર સેવા મંડળ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.