Select Page

બ્લડ બેંકના લાભાર્થે ભાગવત સપ્તાહમાં દાનનો ધોધ વહ્યો રાજુભાઈ-કિર્તિભાઈની ટીમે શહેરને બે મોટી ભેટ આપી-કેબીનેટ મંત્રી

બ્લડ બેંકના લાભાર્થે ભાગવત સપ્તાહમાં દાનનો ધોધ વહ્યો રાજુભાઈ-કિર્તિભાઈની ટીમે શહેરને બે મોટી ભેટ આપી-કેબીનેટ મંત્રી

ન જોયુ હોય, ન જાણ્યુ હોય કે ન સાંભળ્યુ હોય તેવુ અભૂતપૂર્વ આયોજન બ્લડ બેન્કના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહમાં જોવા મળ્યુ. ધારણા કરતા વધુ શ્રોતાઓ હાજર રહ્યા હોવા છતા કોઈને તકલીફ પડે નહી તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યુ કે રાજુભાઈ પટેલ અને કિર્તિભાઈ પટેલની ટીમે શહેરને બે મોટી ભેટ આપી છે. જેની સેવા વર્ષો સુધી મળશે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ધર્મના માધ્યમથી દાન મેળવી કરવામાં આવતી સમાજ સેવાના કાર્યને બીરદાવ્યુ હતુ. સપ્તાહના તમામ દિવસ કાર્યક્રમનું સંચાલન વિજાપુરના હાસ્ય કલાકારે તેમજ કથાકાર અજયભાઈ બારોટે કર્યુ હતુ.
ધર્મના માધ્યમથી દાન મેળવી મોટી સમાજ સેવા કરવામાં આવી રહી છે-નીતિનભાઈ પટેલ, સ્વ.વિરચંદકાકાના સ્મરણાર્થે સુભાષભાઈ પટેલે રક્તદાતાઓને ૧૦૦૦ ગોલ્ડ કોઈન આપ્યા
વિસનગરના ભામાશા આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ કાનજીભાઈ પટેલ કહેતા આવ્યા છેકે હું હોઉ કે ન હોઉ પરંતુ શહેરના લોકોને વર્ષો સુધી સેવા મળે તેવી સંસ્થાઓનો વિકાસ કરવો છે. રાજુભાઈ પટેલની સમાજ સેવાની ઉમદા ભાવના પ્રમાણે પ્રથમ સાર્વજનિક સ્મશાનગૃહનો વિકાસ કયો, ત્યારબાદ પંથકમાં રક્તની જરૂરીયત પુરતી કરવા બ્લડ બેન્કનો વિકાસ કરી નવુ ભવન બનાવ્યુ. ભંડોળ ન હોય તેવી સમાજ સેવા કરતી સંસ્થાઓને ધમધમતી કરવામાં રાજુભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે. ત્યારે કિર્તિભાઈ પટેલે સમાજ સેવા કરતી સંસ્થાઓના વિકાસ રથના સારથી તરીકે કામ કર્યુ છે. જેમની પાછળ કોપરસીટી મર્ચન્ટ એસોસીયેશન, સ્વસ્તિક મિત્ર મંડળ, અંતિમ વિસામો ટ્રસ્ટ, કોપરસીટી ક્રેડીટ સોસાયટીના કાર્યકરોની વિશાળ સેના આ સેવા યજ્ઞના રથને આગળ ધપાવવા તન, મન અને ધનથી તત્પર હોય છે. આવા સહિયારા પ્રયત્નોથી બ્લડ બેન્કના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનુ શહેરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવુ યાદગાર આયોજન થયુ. ભવ્ય આયોજન તથા કથાકાર પૂજ્ય દિપાલી દીદીની અમૃતવાણીથી આકર્ષાઈને શ્રોતાઓનુ ઘોડાપુર ઉમટ્યુ હતુ. સમગ્ર તાલુકામાંથી ઉમટેલા ભક્તજનોએ બ્લડ બેન્કને સહયોગ આપવા દાનનો પ્રવાહ નહી પણ ધોધ વરસાવ્યો.
ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનો ભવ્ય કાર્યક્રમ સાથે સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેતા અનોખો સંયોગ રચાયો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય સી.જે.ચાવડા વિગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે બ્લડ બેન્કના લાભાર્થે આયોજીત ભાગવત સપ્તાહની ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ અને તેમની ટીમે વિસનગર શહેરને બે ખુબ મોટી ભેટ આપી છે. ક્યાય ન જોવા મળે તેવા સાર્વજનિક સ્મશાનગૃહ તથા બ્લડ બેન્કની ભેટ આપી છે. આ આખી ટીમના કાર્યકરો બ્લડ બેન્કમાં દાન માટે લોકોના ઘેર ઘેર જઈને ફર્યા. લોકોને પ્રેરીત કરી ઉત્સાહિત કરી દાન એકત્ર કર્યુ. રાજુભાઈ પટેલ પોતે પણ મોટા દાતા છે. અનેક લોકોને જોડી રક્ત એકત્રીત કરતી સંસ્થા ધમધમતી કરી કેટલીય જીંદગી બચાવવાનુ કાર્ય કર્યુ છે. કેબીનેટ મંત્રીના વ્યક્તવ્ય સમયેજ સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ રૂક્ષ્મણી વિવાહમાં વાગતા ઢોલે કન્યા પક્ષે મંડળમાં પ્રવેશ કરતા કેબીનેટ મંત્રીએ તેમને આવકારી અભિનંદન આપ્યા હતા.
શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહમાં રાજુભાઈ પટેલ તથા પ્રકાશભાઈ પટેલ વેવાઈ બન્યા,શ્રોતાઓનુ ઘોડાપુર ઉમટ્યુ, મંડપ મોટો કરવો પડ્યો, એલઈડી વધાર્યા, ૮૦,૦૦૦ થી વધુ ભક્તો અને શ્રોતાઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો, સ્વ.શ્રી રૂગનાથભાઈ મુળાભાઈ રબારી પરિવારે રૂક્ષ્મણી વિવાહમાં મામેરૂં કર્યુ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાગવત સપ્તાહનુ આયોજન, શ્રોતાઓની સંખ્યા અને વ્યવસ્થા જોઈ પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલ અને તેમની ટીમ કડી આમંત્રણ આપવા આવ્યા ત્યારે કલ્પના નહોતી કે આવડુ મોટુ આયોજન હશે. સામાન્ય કથા હશે તેમ લાગતુ હતુ ત્યારે આટલી મોટી કથા છેલ્લા પાંચ વર્ષમાં તાલુકા કક્ષાએ ક્યાંય જોઈ નથી. ભારતીય જનતા પક્ષના આગેવાનો અને કાર્યકરો દાતાઓ તથા સમાજ સેવકો સાથે મળીને જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે બદલ અભિનંદન આપ્યા હતા. ધર્મના માધ્યમથી દાન મેળવી મોટી સમાજ સેવા કરવામાં આવી રહી છે તે બદલ આયોજકો તથા દરેક દાતાઓને અભિનંદન આપ્યા હતા.