કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સૂચના બાદ વિસનગરમાં ગૌરવપથનો રોડ બનાવવાનુ કામ શરૂ
વિસનગર પાલિકા તંત્ર દ્વારા ઘણા સમયથી શહેરના ગૌરવપથ ઉપર રોડ બનાવવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો.ત્યારે પાલિકાએ ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને બુધવારે રાત્રે જી.ડી. હાઈસ્કૂલથી ત્રણ દરવાજા ટાવર સુધી નવીન ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ રોડની કામગીરી દરમિયાન ચીફ ઓફિસર સાથે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડા અને શહેર પી.આઈ કે.બી.પટેલ માંડી રાત્રી સુધી હાજર રહ્યા હતા.
વિસનગર શહેરના ગૌરવપથ ઉપર ઘણા સમયથી રોડ બનાવવાની લોકમાગણી હતી.છતા પાલિકા દ્વારા વાહનોથી ધમધમતો આ રોડ બનાવવા કોઈ કાર્યવાહી થતી નહોતી.જેના કારણે પાલિકાતંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો.ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સૂચનાથી પાલિકા દ્વારા રૂ.૨.૮૦ કરોડના ખર્ચે ગૌરવપથ ઉપર લોખંડની રેલીંગ નાખવાની અને નવીન ડામર રોડ બનાવવા સહિત અન્ય વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી અને પ્રમુખ ઉત્તમભાઈ પટેલે શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ગૌરવપથ ઉપર રાત્રીના સમયે રોડ બનાવવાનું આયોજન કર્યું હતું.જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટરે બુધવારના રોજ રાત્રે જી.ડી.હાઈસ્કૂલથી ત્રણ દરવાજા ટાવર સુધી રોડની એક સાઇડ ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આ રોડની કામગીરી દરમિયાન પ્રાન્ત અધિકારી વિકાસ રાતડા અને શહેર પી.આઈ કે.બી.પટેલ પણ હાજર રહ્યા હતા.રોડ બાબતે ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગૌરવપથ ઉપર અત્યારે ૭૦૦ મીટર લાંબો અને ૧૫ મીટર પહોળો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં એક સાઇડમાં ડામર નાખવાની કામગરી ચાલુ છે.ત્યારબાદ બીજી સાઇડ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાશે.જેથી ટ્રાફિક સમસ્યા ઉભી થાય નહીં.જોકે આ રોડ બનાવ્યા બાદ રોડ ઉપર દબાણની કડક કાર્યવાહી કરવામાં આવશે.