સમજદારી પૂર્વકના ઉપયોગથી ક્રેડિટ સ્કોર મજબૂત બની શકે પરંતુ…
ક્રેડિટ કાર્ડના બેફામ ઉપયોગથી પરિવારની આર્થિક વ્યવસ્થા કથળી શકે છે
તંત્રી સ્થાનેથી…
આજની બદલાતી જીવનશૈલીના કારણે લોકોનુ શોપીંગ બજેટ ઝડપથી વધી રહ્યુ છે. જેમાં વિવિધ બેંકો અને ખાસ કરીને કોર્પોરેટ બેંકો દ્વારા લોભામણી ઓફર કરીને ક્રેડિટ કાર્ડ આપતા હોવાથી અમુક મુદત માટે કેશ ચુકવણીમાં રાહત મળતા ઘણી વખત વધારાનુ શોપીંગ પણ થઈ જતુ હોય છે. અત્યારના સમયમાં ક્રેડિટ સ્કોર વધારવા માટે ક્રેકિડ કાર્ડનો સમજદારીથી ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે. ક્રેડિટ સ્કોર સારો હોય તો ઈન્કમ ટેક્ષ રિટર્ન પ્રમાણે ઝડપથી લોન મળતી હોય છે. નિયમિત આવક ધરાવતા લગભગ તમામ લોકો પાસે ક્રેડિટ કાર્ડ હશે. આમાંથી ખૂબજ ઓછી સંખ્યાના લોકો હશે કે જેઓ ક્રેડિટ કાર્ડનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણતા હશે. મોટા શો-રૂમ કે શોપીંગ મૉલમાં ક્રેડિટ કાર્ડથી ખરીદીમાં ફક્ત એટલીજ રાહત મળે છેકે તમને ૪૫ દિવસ સુધીની મુદત મળે છે. જ્યારે ઓનલાઈન શોપીંગમાં કોર્પોરેટ બેંકના ક્રેડિટ કાર્ડમાં વધારાની ઓફર કે ડિસ્કાઉન્ટ મળતુ હોવાથી ઈ-કોમર્સ કંપની દ્વારા આ કાર્ડથી વધુ ખરીદી થતી હોય છે. જોકે કંઈ બેંકનુ વિવિધ કંપનીઓ અથવા બ્રાન્ડસ સાથે વધુ જોડાણ છે તે જોઈને ક્રેડિટ કાર્ડ લેવામાં આવે તો તેનો વધારે ફાયદો થતો હોય છે. ક્રેડિટ કાર્ડ થકી મોટી કિંમતની ખરીદીમાં ઈ.એમ.આઈ.ની પણ સગવડ મળે છે. હપ્તા સમયસર ચુકવવામાં આવે તો ક્રેડિટ હિસ્ટ્રી વધારે મજબુત થાય છે. પરંતુ સમયસર હપ્તા ચુકવવામાં ન આવે તો મોટા વ્યાજ દંડ સાથે તેની ક્રેડિટ સ્કોર ઉપર પણ અસર થાય છે. ક્રેડિટ કાર્ડથી એરપોર્ટ ઉપર કેટલીક વિશેષ સવલતો પણ મળતી હોય છે. જે પ્રમાણે ક્રેડિટ હિસ્ટ્રી મજબૂત બને છે તે પ્રમાણે બેંક દ્વારા લીમીટ પણ વધારી આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડમાં મળતી આ સવલતો અને ફાયદાના કારણે મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડ પ્રાપ્ત કરવા પ્રયત્નો કરે છે. પરંતુ ક્રેડિટકાર્ડનો સાવચેતીપૂર્વક અને આયોજનપૂર્વક ઉપયોગ કરવામાં આવે તોજ ફાયદાકારક છે. આપણામાં મોટાભાગના લોકોની માનસિકતા રહેલી છેકે, ખીસ્સામાં પૈસા હોય એટલીજ ખરીદી કરવા વિચાર કરીએ છીએ, જ્યારે ઉધાર મળતુ હોય તો હાથ છુટો રાખીને ખરીદી કરતા હોઈએ છીએ. ક્રેડિટ કાર્ડથી ખરીદી એ વેપારી દ્વારા આપવામાં આવતી ઉધારી જેવી છે. અહી વેપારી નહી પરંતુ બેંક ઉધારમાં આપે છે. ઉધારમાં મળતુ હોય તો મુદત પછી ચુકવવાનાજ છે એવુ સમજનાર ઘણા ઓછા હોય છે. ક્રેડિટ કાર્ડ તલવારની ધાર સમાન છે. તલવારનો ઉપયોગ કરવાની આવડત ન હોય અને ગમે તેમ વિંઝોળીએ તો આપણનેજ વાગતી હોય છે. તેવીજ રીતે ક્રેડિટ કાર્ડનો જો સમજદારીથી ઉપયોગ કરવામાં ન આવે તો છેવટે નુકશાનરૂપ સાબીત થાય છે. આયોજન વગર કે નિયમિત ઈન્કમને નજરમાં રાખ્યા વગર ડિસ્કાઉન્ટની લાલચમાં આવીને જો ખરીદી કરવામાં આવે તો દેવાની જાળમાં ફસાઈ જવાય છે. ક્રેકિડ કાર્ડ હોવાનો રોફ પણ ઘણી વખત મુશ્કેલીરૂપ બને છે. મિત્ર કે સબંધી માટે ઉપયોગ કરવામાં આવેલ ક્રેડિટ કાર્ડ એ ઉછીના આપેલા નાણાં જેવો વ્યવહાર છે. રોકડ વ્યવહારમાં સમયસર નાણાં પરત ન મળે તો થોડી ઘણી આર્થિક વ્યવસ્થા ખોરવાય છે. પરંતુ સબંધી કે મિત્ર માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરાયા બાદ મુદતમાં નાણાં ભરવામાં ન આવે તો તેની સીધી અસર ક્રેડિટ હિસ્ટ્રી ઉપર પડે છે. પડોશમાં રહેતા ફ્રીઝ લાવ્યા, ટી.વી. લાવ્યા, એ.સી. લાવ્યા કે અન્ય કોઈ ઘરવખરી લાવ્યાતો આપણે પણ ક્રેડિટ કાર્ડમાંથી ખરીદી કરીને લાવીએ એવી દેખાદેખી, ઓનલાઈન શોપીંગમાં મોટા ડિસ્કાઉન્ટની ઓફર જોઈને કે મૉલમાં મળતી ઓફર જોઈને બજેટ તેમજ આવકને લક્ષમાં રાખ્યા વગર જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે, તો છેવટે પરિવારની આર્થિક વ્યવસ્થા કથળી શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે તેટલોજ આયોજન વગરનો ઉપયોગ નુકશાનકારક છે.