Select Page

કાંસામાં “પાડાના વાંકે પખાલીને ડામ” જેવો ઘાટ ઘડાયો બહારગામ રહેતા પુત્રએ રિટર્ન ભરતા મા-બાપનો રેશનીંગનો કોળીયો છીનવાયો

કાંસામાં “પાડાના વાંકે પખાલીને ડામ” જેવો ઘાટ ઘડાયો બહારગામ રહેતા પુત્રએ રિટર્ન ભરતા મા-બાપનો રેશનીંગનો કોળીયો છીનવાયો

વિસનગર તાલુકાના કાંસા ગામમાં એકલા રહેતા સિનિયર સિટીઝન બ્રાહ્મણ દંપતીનોે સરકારી અનાજનો જથ્થો બંધ થતા તેઓ વિસનગર મામલતદાર કચેરના પુરવઠા શાખામાં તપાસ કરવા ગયા હતા. જ્યાં પુરવઠા નાયબ મામલતદાર યોગેશભાઈ શર્માએ આ રેશનકાર્ડ ધારક દંપતીને કહ્યુ કે કાકા તમારો દિકરો ઈન્કમટેક્ષ રિટર્ન ભરતો હોવાથી તમારો રેશનીંગનો જથ્થો બંધ થયો છે. તમે તમારા ભરણપોષણ માટે દિકરા સામે કોર્ટમાં ફરિયાદ કરો. નાયબ મામલતદારની આવી સલાહ સાંભળી સિનિયર સિટીઝન દંપતી તેમના ઉપર નારાજ થઈ નિકળી ગયા હતા. આમ બહારગામ (સુરત) રહેતા પુત્રએ પોતાના ધંધાર્થે ઈન્કમટેક્ષ રિટર્ન ભરતા વતનમાં એકલા રહેતા મા-બાપનો રેશનીંગનો કોળીયો છીનવાયો છે.

સરકારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે કરીને દિકરાથી અલગ રહેતા જરૂરિયાતમંદ વૃધ્ધ માતા-પિતાને સરકારી અનાજનો જથ્થો આપવા વિચારવુ જોઈએ.

સરકારે ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને મફત અનાજ તેમજ રાહતદરે સરકારી અનાજનો (રેશનીંગ)નો જથ્થો મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં ઘણા સમયથી રેશનકાર્ડના ડેટા વેરીફિકેશનની કામગીરી ચાલી રહી છે. પુરવઠા વિભાગે શરૂ કરેલી ડેટા ચકાસણીની કામગીરીમાં રેશનકાર્ડ સાથે લીંક થયેલા પાનકાર્ડ અને આધારકાર્ડના આશારે NON- NFSA રેશનકાર્ડ ધારકોને અલગ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયમ પ્રમાણે રેશનકાર્ડ ધારકના પરિવારમાંથી કોઈપણ સભ્ય ઈન્કમટેક્ષ રિટર્ન ભરતુ હોય તો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ તેમનો રેશનીંગનો જથ્થો બંધ કરવામાં આવે છે. પરંતુ સરકારે આ નિયમનો અમલ કરતા દિકરાઓથી અલગ રહેતા અનેક વૃધ્ધ માતા-પિતાને પોતાનું જીવન નિર્વાહ ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. જેમાં વિસનગર તાલુકાના કાંસા ગામનો બ્રાહ્મણ પરિવારનો દિકરો ધંધાર્થે વર્ષોથી સુરત રહે છે. જ્યારે તેમના સિનિયર સિટીઝન માતા-પિતા કાંસા (વતન) ગામમાં એકલા રહે છે. દિકરો આર્થિક રીતે સમૃધ્ધ હોવાથી તે પોતાની આવક ઉપર ઈન્કમટેક્ષ રિટર્ન ભરે છે. પરંતુ કાંસાના રેશનકાર્ડમાં માતા-પિતા સાથે તેમનુ પણ નામ ચાલે છે. પહેલા આ પરિવારને ગામની રેશનીંગની દુકાનમાંથી રાહત ભાવે કે વિનામુલ્યે સરકારી અનાજનો જથ્થો મળતો હતો. પરંતુ સરકારના પુરવઠા વિભાગના નિયમ પ્રમાણે તેમનો દિકરો ઈન્કમટેક્ષ ભરતો હોવાથી રેશનીંગનો જથ્થો ઓટોમેટિક સિસ્ટમમાં બંધ થઈ ગયો હતો. ત્યારે આ સિનિયર સિટીઝન માતા-પિતા પોતાને મળતો રેશનીંગનો જથ્થો કેમ બંધ થયો તેની તપાસ માટે વિસનગર મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં ગયા હતા. જ્યાં પુરવઠા નાયબ મામલતદાર યોગેશભાઈ શર્માએ કહ્યુ કે કાકા તમારો દિકરો ભલે બહારગામ રહેતો હોય પણ તે ઈન્કમટેક્ષ ભરતા હોવાથી તમારો રેશનીંગનો જથ્થો બંધ થઈ ગયો છે. તમે ઘરે એકલા રહેતા હોય તો પણ તમને રેશનીંગનો જથ્થો મળવાપાત્ર નથી. જો તમારો દિકરો તમને સાચવતો ન હોય તો તમે દર મહિને ભરણ પોષણ મેળવવા તમારા દિકરા ઉપર કોર્ટમાં ફરિયાદ કરો. જોકે આ માતા-પિતાને પોતાના દિકરાથી કોઈ તકલીફ ન હોવાથી તેઓ પુરવઠા નાયબ મામલતદારની આવી સલાહથી નારાજ થઈ ગયા હતા. આ માતા-પિતાએ પુરવઠા નાયબ મામલતદારને કહ્યુ કે સાહેબ અમને આખી જીંદગી રેશનીંગના અનાજનો જથ્થો નહી મળે તો ચાલશે પણ તમે કોઈ મા-બાપને તેના દિકરા ઉપર ભરણપોષણની ફરિયાદ કરવાની સલાહ આપશો નહી. કોઈના ઘરમાં ખોટા ઝગડા થશે. આમ બહારગામ રહેતા પુત્રએ પોતાના ધંધાર્થે ઈન્કમટેક્ષ ભરતા વતનમાં એકલા રહેતા આ વૃધ્ધ માતા-પિતાનો રેશીનીંગનો કોળીયો છીનવાયો છે. જોકે ગુજરાતમાં આવા અનેક વૃધ્ધ મા-બાપ રહેતા હશે કે જેમના બહારગામ રહેતા દિકરાઓના કારણે તેમને સરકારી અનાજનો જથ્થો બંધ થઈ ગયો હશે. ત્યારે સરકારે સમગ્ર રાજ્યમાં સર્વે કરીને દિકરાઓથી એકલા રહેતા જરૂરીયાતમંદ વૃધ્ધ માતા- પિતાને સરકારી અનાજનો જથ્થો આપવાનું વિચારવુ જોઈએ. ઘણીવાર કૌટુંબિક મતભેદના કારણે પણ વૃધ્ધો તેમના પુત્રથી અલગ રહેતા હોય છે.