Select Page

સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયનો એક યુગ આથમ્યો

પુ.સરકારશ્રીના હુલામણા નામથી ઓળખાતા સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયના ચમકતા સુર્ય સમાન ઋષિતૃલ્ય બ્રહ્મર્ષિ તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ પુ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ નિત્યલીલામાં પ્રવેશ કર્યો. પુષ્ટિ સંપ્રદાય માટે તો એક યુગ આથમી ગયો તેવુ કહીએ તો બિલકુલ અતિશ્યોક્તિ ન ગણાય. પુ.સરકારશ્રીની આ દુનિયામાંથી સદેહે વિદાયથી સનાતન હિંદુ ધર્મને પણ ન પુરાય તેવી ખોટ પડશે.
વૈદિક અને ભક્તિ પરંપરાના અગાધ જ્ઞાનના મહાસાગર એવા પુ.સરકારશ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની ચારે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત જેવા સનાતન હિંદુ ધર્મના મૂળ ગ્રંથો પર અતુલનીય મેધાવી પકડ હતી. પુ.સરકારશ્રીએ સંસ્કૃત ભાષામાં અગણિત સ્તોત્રની રચના કરીને પુષ્ટિ સંપ્રદાય માટે ઐતિહાસિક વારસો છોડીને ગયા છે. આપશ્રીએ સંસ્કૃત ભાષામાં હજારો શ્લોકની રચના કરીને તથા પુષ્ટિ સંપ્રદાયના અનેક ગ્રંથો પર ભાષ્ય અને ટીકાઓ કરીને સંપ્રદાયના જ્ઞાનના વારસાને સમુધ્ધ કર્યો છે. ઈસ્લામ હોય, ખિસ્તી હોય, પારસી હોય, જૈન હોય, બૌધ્ધ હોય -ગમે તે ધર્મ હોય કે ગમે તે સંપ્રદાય હોય – તમામ ધર્મો અને સંપ્રદાયો પર આપશ્રીનું જ્ઞાન કોઈને પણ એમના ચરણોમાં ઝુકી જવા મજબુર કરે એ કક્ષાનુ હતુ.
કર્મશક્તિ, જ્ઞાન શક્તિ અને ભાવ શક્તિનો એક અભુતપુર્વ સમન્વય જેમના વિરલ વ્યક્તિત્વમાં મૂર્તિમંત છે. એવા પુષ્ટિ ભક્તિમાર્ગના સ્થાપક જગદગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીની ચૌદમી પેઢીએ જન્મેલા પુ.સરકારશ્રીનો કર્મયોગ એટલે એમની નિઃસ્વાર્થ કૃષ્ણસેવા અને માનવીને સાચો વૈષ્ણવ બનાવવાની એમની અવિરત મથામણ. એમનો જ્ઞાનયોગ એટલે એમની વિદ્વત્તા અને દેશ વિદેશના ભાવિકજનોને પુષ્ટિભક્તિ-કૃષ્ણભક્તિ સરળતાથી, સહજતાથી સમજાવવાની એમની લગન. એમનો ભક્તિયોગ એટલે એમની નિઃસાધન પ્રભુભક્તિ અને નિષ્કામ પ્રેમભક્તિ. વૈદિક અને ભક્તિ પરંપરાના ગ્રંથોમાં જ્ઞાન-પ્રચુર કરવામા પુ.સરકારશ્રીનો ફાળો અદ્વીતીય રહ્યો છે. સરકારશ્રીની ભૂતલ પરની વિદાય બધાના વ્યક્તિગત જીવનમાં ન પુરી શકાય એવી ખોટ પડશે.
પુષ્ટિ માર્ગના સ્થાપક જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ તત્વાર્થદીપ નિબંધ પ્રકરણ ગ્રંથમાં ગુરુના લક્ષણો દર્શાવ્યા છે.

કૃષ્ણસેવામાં તત્પર, દંભાદિ, દુગુણોથી રહીત તેમજ શ્રીમદ્‌ ભાગવત પુરાણના મર્મના જાણકાર છે કે નહી તે સરખી રીતે જોઈ-જાણીને ચકાસીને જિજ્ઞાસુએ કોઈક પુરુષને આદર સહિત ગુરુ બનાવવા જોઈએ.
જગદ્‌ગુરુ શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે ગુરુ કૃષ્ણસેવામાં તત્પર તો હોવાજ જોઈએ તથા તે કૃષ્ણસેવા ભક્તિભાવ સિવાયના બીજા કોઈપણ હેતુ (દંભ-કામ-લોભ-પ્રતિષ્ઠા) થી પ્રેરીત ન હોવી જોઈએ. અને તેના કારણે જ ગુરુમાં દંભાદિ ગુણો ન હોવા જોઈએ.
પુ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી જગદગુરુ શ્રી વલ્લાભાચાર્યજીએ જે લક્ષણો ગુરુ માટે દર્શાવ્યા છે એવા જ ગુરુ હતા. આપશ્રી સતત કૃષ્ણસેવામા લીન રહેતા અને તેઓને કયારેય કોઈપણ પ્રકારનો દંભ હતો જ નહી. તેઓએ કયારેય લોભ માટે કે પ્રતિષ્ઠા માટે કે પૈસા માટે કૃષ્ણસેવાને માધ્યમ બનાવ્યુ નહોતું. તેઓ સાચા અર્થમાં ગુરુ હતા. તેઓ શ્રીમદ્‌ભાગવતના મર્મજ્ઞ હતા. શ્રીમદ્‌ ભાગવત પુરાણ પર આપશ્રીનું જ્ઞાન અગાધ મહાસાગર જેવું હતુ. છતા તેઓએ કયારેય એને વ્યવસાય અર્થે ઉપયોગ કર્યો નહતો.
આવા વિરલ વિભૂતિ સમાન ઋષિ તુલ્ય પુ.સરકારશ્રીના નિત્ય લીલા પ્રવેશ બાદ ખિન્ન અને દુઃખી હૃદયે મારી તમામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને સદૈન્ય વિનંતી કે પુ. સરકારશ્રીના સ્વરૂપમાં જ્ઞાનના અગાધ મહાસાગરમાં તરવાનું સૌભાગ્ય હવે આપણને પ્રાપ્ત થવાનું નથી ત્યારે આપણે સૌ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અને ભૂતલ પર બિરાજમાન સમગ્ર વલ્લભ કુળ પરિવાર પુષ્ટિમાર્ગ ની તમામ મર્યાદાઓ અને પરંપરાઓ જાળવીને કદમથી કદમ મિલાવીને સાથે ચાલીએ. આપણે એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલીએ તેમજ આપણા સૌ વચ્ચે માનસિક ઐક્ય સધાય. આપણો આ દિવ્ય સંપ્રદાય હરિ-ગુરુ- વૈષ્ણવની ત્રિવેણીથી જ પોષિત, સંવર્ધિત અને સુરક્ષિત છે. પુ.સરકારશ્રીના નિત્ય લીલાગમન પ્રસંગે આપશ્રીને એમના ચરણારવિન્દમાં કોટાનું કોટી દંડવત પ્રણામ તથા શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણાવિન્દમાં કોટી કોટી દંડવત્‌ પ્રણામ્‌.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us