Select Page

બ્લડ બેંકમાં રક્તવાહિની વાન માટે રૂા.૬૭ લાખ ફળવાયા

બ્લડ બેંકમાં રક્તવાહિની વાન માટે રૂા.૬૭ લાખ ફળવાયા

મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી ટોરેન્ટો પાવરના સી.એસ.આર.ફંડમાંથી

  • લક્ઝરી બસ જેવી વાનમાં રક્તદાન માટે સીટીંગ, ર્ડાક્ટરની કેબીન, બ્લડ સ્ટોરેજ ફ્રીઝ, એ.સી. વિગેરે અદ્યતન સુવિધાઓ મળશે
  • મકાન કે હૉલની વ્યવસ્થા ન હોય તેવા ગામડામાં રક્તવાહિની લક્ઝરી બસ આશિર્વાદરૂપ બનશે

વિશ્વ રક્તદાન નિમિત્તે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વોલન્ટરી બ્લડ બેંકને રક્તવાહિની માટે રૂા.૬૭ લાખની માતબર રકમની સી.એસ.આર.ફંડની ભેટ ધરી છે. રક્તદાન વાન માટે મંત્રીશ્રીની ભલામણથી પુરેપૂરુ ફંડ ફળવાતા વિકાસ કરી રહેલી વિસનગરની બ્લડ બેંકને રૂા.૧૭ લાખનો ખર્ચ થતો બચ્યો છે. રક્તદાન કેમ્પ માટે જે ગામડાઓમાં મોટા હૉલની કે અન્ય સુવિધા ન હોય ત્યાં લક્ઝરી જેવી મોટી વાન આશિર્વાદરૂપ બનશે. ખોટો વિરોધ કરવા કરતા સહકાર આપવાથી કેબીનેટ મંત્રી પદના કેટલા લાભ મળે છે તે હવે સમજમાં આવ્યુ છે.
જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન જ્યારથી રાજુભાઈ પટેલ આર.કે.એ હાથમાં લીધુ છે ત્યારથી બ્લડ બેંકના વિકાસ સાથે વ્યાપ વધ્યો છે. રોજની એવરેજ ૧૩ થી ૧૭ બોટલોની માગ થઈ રહી છે. તેની સામે આવક ઓછી છે. જોકે હવે બ્લડ બેંકની વિનંતીથી બ્લડની બોટલ લઈ જનારા લોકો રક્તદાન સ્વરૂપે રીપ્લેશ કરી રહ્યા છે. દર્દી માટે બ્લડ લઈ જઈએ છીએ તો સામે રીપ્લેશ આપીશુ તો કોઈ બીજાના કામમાં આવશે તેવુ લોકો હવે સમજતા થયા છે. રક્તની બોટલોનો સ્ટોક ખુટે નહી તે માટે બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર કિર્તિભાઈ કલાનિકેતન તથા તેમના મિત્ર મંડળ દ્વારા મહિનામાં ચાર થી પાંચ રક્તદાન કેમ્પ કરવાની જહેમત કરવામાં આવે છે. સુવિધાઓના અભાવે નાના ગામડામાં કે કોઈ પ્રસંગના સ્થળે રક્તદાન કેમ્પ થઈ શકતો નહોતો. જે માટે બ્લડ બેંકમાં રક્તવાહિનીની જરૂરીયાત હતી. અદ્યતન સુવિધાઓથી સજ્જ રક્તવાહિનીનો ખર્ચ રૂા.૬૫ થી ૭૦ લાખ થાય તેમ હોવાથી વિકાસ કરતી બ્લડ બેંક માટે આટલી માતબર રકમનો ખર્ચ કરવો અશક્ય હતો. જે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રક્તવાહિની માટે કોઈ મોટી કંપનીનુ સી.એસ.આર. ફંડ ફાળવવા બ્લડ બેંક દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
વિસનગર બ્લડ બેંકની સેવાઓથી મંત્રી ઋષિભાઈ પટેલ વાકેફ હતા. તેમજ સંચાલકો પોતેજ દાતા હોવાથી સી.એસ.આર. ફંડનો ક્યારેય દુરઉપયોગ ન થાય તેવો વિશ્વાસ હતો. ત્યારે કેબીનેટ મંત્રીશ્રીએ ટોરેન્ટ પાવર લી.માં ભલામણ કરતા આ કંપનીએ તેના સી.એસ.આર.ફંડમાંથી રૂા.૬૭ લાખની માતબર રકમનુ ફંડ વિસનગર બ્લડ બેંકમાં ફાળવી ખાતામાં જમા પણ આપી દીધા છે. કંપની દ્વારા રૂા.૫૦ લાખનુજ ફંડ ફળવાતુ હતુ અને રૂા.૧૭ લાખ બ્લડ બેંકમાંથી ખર્ચવા પડે તેમ હતા. પરંતુ બ્લડ બેંક આર્થિક સક્ષમ નહી હોવાથી મંત્રીશ્રીની ખાસ ભલામણથી કંપની દ્વારા પુરેપુરી રકમનુ ફંડ ફાળવવામાં આવતા બ્લડ બેંકના રૂા.૧૭ લાખ બચ્યા છે.
બ્લડ બેંકના મેનેજીંગ ડીરેક્ટર કિર્તિભાઈ કલાનિકેતને જણાવ્યુ છેકે ફંડમાંથી રૂા.૪૫ લાખમાં લક્ઝરીની ચેચીસ અને બોડી આવશે. જ્યારે રૂા.૨૨ લાખમાં એકી સાથે ચાર રક્તદાતા રક્તદાન કરી શકે તે માટેની સીટ, સેન્ટ્રલી એસી., ર્ડાક્ટરની કેબીન, ટેસ્ટીંગ રૂમ, બ્લડ સ્ટોરેજ માટે ફ્રીઝ વિગેરે સુવિધાઓથી રક્તવાહિની સજ્જ કરવામાં આવશે. ધાર્મિક સામાજીક મોટા કાર્યક્રમ હોઈ હોલની સુવિધા વગરના નાના ગામડા હોય ત્યા રક્તદાન કેમ્પ કરી શકાશે. ઋષિભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન હતા ત્યારે માર્કેટયાર્ડમાંથી બ્લડ બેંકને રૂા.૧૧ લાખનુ દાન આપ્યુ હતુ. કેબીનેટ મંત્રી બન્યા બાદ જીસેક્ષ નાકોમાંથી રૂા.૬ લાખની ગ્રાન્ટ પણ મંજુર કરાવી આપી છે. બ્લડ બેંકમાં આટલી માતબર રકમનુ ફંડ ફળવાતા બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, મેનેજીંગ ડીરેક્ટર કિર્તિભાઈ કલાનિકેતન તથા બોર્ડ ઓફ ડીરેક્ટરે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us