સાંસદ શારદાબેનના પી.એ.જસ્મીનભાઈ પટેલે વિગતવાર ટેકનીકલ જાણકારી આપી ગંજબજાર ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓની સર્વસંમતિ
સાંસદ શારદાબેનના પી.એ.જસ્મીનભાઈ પટેલે વિગતવાર ટેકનીકલ જાણકારી આપી
ગંજબજાર ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓની સર્વસંમતિ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગંજબજાર ફાટકમાં ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે વેપારીઓનો અભિપ્રાય જાણવા સાંસદ શારદાબેન પટેલના આગ્રહથી ગંજબજાર હૉલમાં મીટીંગ યોજાઈ હતી. મીટીંગ પહેલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જીયુડીસીના કન્સલ્ટન્ટ સાથે તમામ વિગતોની ચર્ચા કરી હતી. ત્યારબાદ સાંજની મીટીંગમાં સાંસદના પી.એ. જસ્મીનભાઈ પટેલે બ્રીજની તમામ ટેકનીકલ બાબતોની વિગતવાર ચર્ચા કરી હતી. ત્યારબાદ વેપારીઓનો અભિપ્રાય માગતા વેપારીઓ બ્રીજ નિર્માણ માટે સર્વસંમતી આપી હતી.
વિસનગર ગંજબજાર ફાટક ઉપર બની રહેલા બ્રીજમાં આનંદની વાત એ છેકે સાંસદ શારદાબેન પટેલ વિસનગરમાં નાના મોટા થયા છે. જેથી તેમની વિશેષ લાગણી છે. સાંસદના પી.એ.જસ્મીનભાઈ પટેલ એ તાલુકાના ભાન્ડુ ગામના છે. જેઓ ખાસ કિસ્સામાં બની રહેલા બ્રીજ માટે ખૂબજ મહેનત કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ કોઈને નડતરરૂપ ન થાય અને સુવિધાસભર બ્રીજ બને તે માટે પ્રયત્નશીલ છે. બ્રીજની કામગીરી શરૂ થતાજ વેપારીઓમાં વિરોધ થતાં ગંજબજાર ફાટક વિસ્તાર વેપારી હિતરક્ષક સમિતિ દ્વારા લડત શરૂ કરવામાં આવી હતી. જે સમિતિના સભ્યો દ્વારા સાંંસદ શારદાબેન પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. સાંસદ શારદાબેને ટેન્ડર સુધી પહોચેલી પ્રક્રિયા રોકી નવેસરથી બ્રીજની ડીઝાઈન કરવા પ્રયત્નો કરતા ઓવરબ્રીજ નીચે અંડરપાસની ડીઝાઈન તૈયાર કરી ખાસ કિસ્સામાં મંજુરી મળે તેવા કેન્દ્ર લેવલથી પ્રયત્નો શરૂ કર્યા છે.
સાંસદ શારદાબેન પટેલ વિસનગરમાં નાના મોટા થયા હોવાથી એકપણ વેપારીની નારાજગી વગર બ્રીજ બને તેવો તેમનો ખાસ આગ્રહ હતો. જેમની લાગણી અને આગ્રહથી તા.૨૨-૭-૨૦૨૦ ને બુધવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે ગંજબજાર હૉલમાં ગંજબજાર વિસ્તારના વેપારીઓનો બ્રીજ નિર્માણ માટે અભિપ્રાય જાણવા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સોશીયલ ડીસ્ટન્સ સાથેની મીટીંગમાં હોલ ભરાઈ ગયો હતો. હિતરક્ષક સમિતિના કરશનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ ડાયરેક્ટર, પરેશભાઈ પટેલ કોર્પોરેટર, પ્રવિણભાઈ ચૌધરી, પી.સી.પટેલ, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ વિગેરે કાર્યકરો સાથે વેપારી અગ્રણીઓએ હાજરી આપી હતી.
મીટીંગમાં પ્રથમ જીયુડીસીના કન્સલ્ટન્ટના પ્રતિનિધિ એન્જીનીયર વિશ્રૃતભાઈએ બ્રીજ કેટલી લંબાઈનો બનશે, કેટલી પહોળાઈ હશે, બ્રીજની નીચે અંડરપાસની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કેટલી હશે, કેવા પીલ્લરો બનશે, પીલ્લર વચ્ચેનુ અંતર કેટલુ હશે વિગેરે બાબતેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ સાંસદ શારદાબેન પટેલના પી.એ.જસ્મીનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સાંસદ શારદાબેન પટેલ વિશેષ દરજ્જાના અને ખાસ કિસ્સામાં બનતા બ્રીજ માટે પુરતા પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં માનવ રહીત ફાટક(નો મેન લાઈન ક્રોસીંગ)નો અભિગમ અપનાવ્યો છે. જેમાં ગુજરાત રોલ મોડલ બને તે માટે ગુજરાત સરકાર દ્વારા ફાટક ઉપર બ્રીજ માટે ઝડપી કામગીરી કરી રહી છે. સાંસદ શારદાબેન પટેલે ઓવરબ્રીજ નીચે અંડરપાસ માટે રેલ્વે અને જીયુડીસીના અધિકારીઓ સાથે મીટીંગ કરી બ્રીજની ડીઝાઈન તૈયાર કરાવી છે. જેમાં વધારે ગ્રાન્ટનો પ્રશ્ન ઉભો થશે તો પણ સાંસદશ્રી કેન્દ્રમાં રજુઆત કરશે. શહેરના અન્ય બે બ્રીજ માટે પી.એ.જસ્મીનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તમામ બ્રીજ બનવાના છે. આઈ.ટી.આઈ. ફાટક અને એમ.એન.કોલેજ ફાટક ઉપર પણ બ્રીજ બનશે. બ્રીજની નીચે ગંજબજારના બે ગેટ, કરમુક્ત વખાટ પ્લોટ, સરકારી ગોડાઉન, જી.ડી.રોડ કે નૂતન સામે ડી.ડી.રોડ ઉપર જવા નડતર રૂપ ન થાય તે માટે આ રસ્તાઓની આસપાસ પીલ્લર બને તેવી ડીઝાઈન તૈયાર કરી છે. જસ્મીનભાઈ પટેલે એ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતની પાલિકા વિસ્તારમાં ૩૬ માંથી ૩૪ બ્રીજ માટે તૈયારીઓ થઈ ગઈ છે. ફક્ત વિસનગર અને ડીસામાં ટેકનીકલ કારણસર કામ ઉભુ રહ્યુ છે. બ્રીજના ફેરફાર માટે કંઈ સુચનો હોય તો વેપારીઓને સુચનો જણાવવા વિનંતી કરી હતી. જેમાં વેપારીઓ તથા બ્રીજની અસરકરતા લોકોએ સુચનો કર્યા હતા. ગુજરાતમાં અન્ય જગ્યાએ બ્રીજ બનાવ્યા બાદ છેલ્લે વિસનગરનો બ્રીજ બને તેવા સુચન સાથે હાલ બ્રીજ ન બને તેવી રજુઆત થઈ હતી. ત્યારે પી.સી.પટેલે જણાવ્યુ હતું કે, ગંજબજારમાં અને વખાર પ્લોટમાં મારી પણ મિલ્કતો છે. પરંતુ આપણો સ્વાર્થ નહી જોઈ સમગ્ર શહેરના હિતમાં બ્રીજ બનાવવા નિર્ણય કરવો જોઈએ. કરશનભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ કોપરસીટી પ્રમુખે પણ સમગ્ર શહેરના હિતને ધ્યાનમાં રાખી બ્રીજ બનાવવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી મીટીંગમાં હાજર વેપારીઓની સંમતી માગતા તમામ વેપારીઓએ ઓવરબ્રીજ નીચે અંડરપાસની સગવડ સાથેના બ્રીજની કામગીરી આગળ વધારવા સર્વ સંમતી આપી હતી.