Select Page

વિસનગર પાલિકાની નિષ્કાળજીથી વાછરડુ નિરાધાર બન્યુ

ખુલ્લી કુંડીમાં પડતા ગાયનુ મૃત્યુ

વિસનગર પાલિકાના કથળેલા વહિવટથી કિશોરી ગુમાવતા પરિવાર નિરાધાર બને છે તો ક્યારેક ગાયનુ મૃત્યુ થતા વાછરડુ નિરાધાર બને છે. પરંતુ જીવ ગુમાવતા હોવાનુ જોઈને પણ પાલિકા તંત્ર સુધરવાનુ નામ લેતુ નથી. ફતેહ દરવાજા ભક્તોના વાસ આગળની કુંડીમાં પડતા ગાયનુ મૃત્યુ થયુ હતુ. ગાયને કુંડીમાંથી કાઢતા સમયે વાછરડુ લાચાર બનીને જોઈ રહ્યુ હતુ. આ મુંગા જીવનો અંતરઆત્મા જાણે વિલાપ કરતો હતો કે, તમારી ભુલમાં બાળ અવસ્થામાં મારે માતા ગુમાવવાનો વારો આવ્યો. જવાબદારો સામે પશુ પ્રત્યે ઘાતકી પણાનો ગુનો નોધવો જોઈએ. ગાયની હાલત જોઈ આ વિસ્તારના લોકોનો રોષ હતો કે કોઈ બાળક પડી જાય તો શું હાલત થાય. વિસનગર પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરોની લાલીયાવાળીથી શહેરના વિકાસની ઘોર ખોદાઈ છે.
વિસનગર પાલિકા દ્વારા ફતેહ દરવાજા ભક્તોના વાસમાં છેલ્લા અઢી મહિનાથી રોડ બનાવવાનુ કામ ચાલે છે. જ્યારે કામ શરૂ કરાયા બાદ એક માસથી કામ બંધ છે. રોડના કામ દરમ્યાન કેનાલ અને ગટરો ખુલ્લી કરાયા બાદ બંધ કરવામાં આવ્યા નથી. જેના કારણે તા.૧૨-૩-૨૦૨૪ ના રોજ રાત્રે ખુલ્લી કેનાલમાં એક ગાય પડી ગઈ હતી. અંધારૂ હોવાથી કોઈને જાણ નહી થતા ગુંગળાઈ જવાથી ગાયનુ મૃત્યુ થયુ હતુ. સવારે જાણ થતા પાલિકા ટીમ દ્વારા મૃત ગાયને બહાર કાઢવામાં આવી હતી.
મૃત હાલતમાં ગાયને કાઢતા સમયે હૃદય હચમચાવી મુકે તેવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ. જોકે પાલિકાના નઠોર તંત્રના હોદ્દેદારોના હૃદયમાં દયા જેવુજ નથી એટલે કોઈ અસર જોવા મળી નહોતી. મૃત ગાયને બહાર કાંઢતા હતા તે સમયે વાછરડુ એકધારૂ જોઈ રહ્યુ હતુ. મૃત ગાયનુ વાછરડુ હતુ. ગાયને ટ્રેક્ટર નાખીને લઈ ગયા ત્યારે વાછરડુ પાછળ પાછળ જતુ હતુ. દરેક જીવમાં વાત્સલ્યતા હોય છે. પરંતુ પાલિકા તંત્રને લોકોના જીવ અને વાત્સલ્યતા સાથે કંઈ લેવા દેવા નથી. બે વર્ષ અગાઉ થલોટા ચાર રસ્તા પાસે પાણીના પ્રવાહમાં તણાતા એક કિશોરીનુ મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ કેનાલોના મુખ ઉપર લોખંડની જાળીઓ લગાવવામાં આવી હતી.
આવા બનાવો બનવા છતા પાલિકા તંત્ર કોઈ બોધપાઠ લેવા માગતુ નથી અને કુંડીઓ તથા ગટરો ખુલ્લી રહેશે. ભક્તોના વાસના લોકોનો રોષ હતો કે ગાય પડી તેમ રાત્રે અંધારામાં કોઈ બાળક પડી જાય તો શું દશા થાય. ખુલ્લી કુંડીઓની આસપાસ દિવસે પણ બાળકો રમતા હોય છે. રોડની કામગીરી પુરી નહી કરતા છેલ્લા બે મહિનાથી વાહનોની પણ અવરજવર બંધ થઈ ગઈ છે. આ વિસ્તારના ઠાકોર સમાજના લોકોની જાણે કોઈ ગણના કરવામાં આવતી ન હોય તેવી પરિસ્થિતિ છે. પાલિકા અને કોન્ટ્રાક્ટરની ભુલથી ગાયનુ મૃત્યુ થયુ છે ત્યારે જવાબદારો સામે પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો નોધવા પણ માગણી ઉઠી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us