નિરિક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં ૧૨ સભ્યોની દાવેદારીપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી તા.૧૩-૯ના રોજ
વિસનગર પાલિકા પ્રમુખની ચુંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રમુખ કોણ ની ચર્ચાઓ વધતી જાય છે. ભાજપના પ્રદેશ નિરિક્ષકો સમક્ષ સભ્યોની અને સંગઠનના હોદ્દેદારોની પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં એક ડઝન સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી કરી છે. જ્યારે અન્ય સભ્યો તથા સંગઠને પાલિકા પ્રમુખ માટે પોતાનો મત રજુ કર્યો હતો. સેન્સ દરમ્યાન પ્રથમ અઢી વર્ષના શાસનમાં વિકાસ કામમાં રોડા નાખનાર પ્રમુખના દાવેદાર વિરુધ્ધ પણ રજુઆત થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. નોરીપીટ થીયરીમાં પણ દાવેદારોના નામ કપાતા કહી ખુશી કહી ગમની ચર્ચાઓ સાંભળવા મળી હતી.
વિસનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષના મહિલા સીટના પ્રમુખ વર્ષાબેન પટેલની મુદત પુરી થતી હોઈ છેલ્લા એક બે માસથી પુરૂષ જનરલ સીટ ઉપર હવે પ્રમુખ કોણની ચર્ચાઓ થઈ રહી છે. જોકે કેટલાક સિનિયર સભ્યોએ તો છેલ્લા છ માસથી પ્રમુખનો હોદ્દો લેવા કમર કસી પ્રદેશના અદના નેતાઓનો સંપર્ક શરૂ કર્યો હતો. ઋષિભાઈ પટેલ ફક્ત ધારાસભ્ય પદે હતા ત્યા સુધી વિસનગરના રાજકારણમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો પ્રભાવ રહેતો હતો. જેથી ઋષિભાઈ પટેલ વિરોધી હોદ્દો મેળવવા નીતિનભાઈ પટેલ પાસે પહોચી જતા હતા. પરંતુ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરમાં હવે કોઈની દખલગીરી ચાલે તેમ ન હોઈ દાવેદારો જીલ્લાના નેતાઓને છોડી સીધા પ્રદેશ નેતાગીરી આગળ શીશ જુકાવ્યાનુ જાણવા મળ્યુ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની સેન્સ માટે તા.૨-૯-૨૦૨૩ ને શનિવારના રોજ મહેસાણા કમલમ્માં સભ્યોને બોલાવાયા હતા. સેન્સ આપતા પહેલા પ્રમુખના દાવેદારો પૈકી એક સિનિયર સભ્યએ પાલિકાના અન્ય સભ્યોનો ટેલીફોનીક સંપર્ક કરી પોતાની તરફેણમાં સેન્સ આપવા વિનંતી કરી હતી. અઢી વર્ષમાં આ સિનિયરે કોઈને સહકાર આપ્યો નહી હોવાથી કેટલાક સભ્યોએ તો ફોન ઉપાડવાનુ પણ ટાળ્યુ હતુ. સેન્સ માટે ઉપસ્થિત ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરવડા, પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ તથા દુશ્યંતભાઈ પંડ્યા સમક્ષ પાટીદાર સભ્યોમાંથી રૂપલભાઈ પટેલ, ભરતભાઈ પટેલ જે.ડી., વિજયભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ તથા ઈતર સમાજના સભ્યોમાંથી જયેશભાઈ પંડ્યા, ભાવેશભાઈ મોદી, વિષ્ણુજી ઠાકોર, મનિષભાઈ બારોટ, અમાજી ઠાકોર અને પિતાંબરભાઈ સીંધીએ પ્રમુખ પદ માટે દાવેદારી કરી હતી. જ્યારે રંજનબેન પરમાર તથા કૈલાશબેન કડીયાએ ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી. જેમાં પ્રદેશ ભાજપની નોરીપીટ થીયરીમાં ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ તથા પક્ષના નેતા અમાજી ઠાકોરના નામ દાવેદારીમાંથી બાકાત થઈ ગયા છે.
વિસનગર પાલિકાના સભાખંડમાં તા.૧૩-૯-૨૩ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ચુંટણી યોજાશે
પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે ખાસ સામાન્ય સભાનો એજન્ડા પાલિકા સભ્યોને પહોચતો કરવામાં આવ્યો છે. તા.૧૩-૯-૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે અધ્યક્ષ અધિકારી પ્રાન્ત ઓફીસર ખેરાલુ દક્ષેશ મકવાણાની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાશે. હવે પ્રદેશ ભાજપ વિસનગર પાલિકા પ્રમુખની જવાબદારી કોને આપે છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.