Select Page

કોરોનાને ગંભીરતાપૂર્વક નહી લો તો પરિસ્થિતિ ઘાતક બનશે સમાજમાં ફરતા ૫૦ ટકા જીવતા બોમ્બ સમજી સોશિયલ ડીસ્ટન્સ જાળવો

કોરોનાને ગંભીરતાપૂર્વક નહી લો તો પરિસ્થિતિ ઘાતક બનશે સમાજમાં ફરતા ૫૦ ટકા જીવતા બોમ્બ સમજી સોશિયલ ડીસ્ટન્સ જાળવો

તંત્રી સ્થાનેથી
કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાની સારવાર માટે દુનિયાભરના દેશો તથા વૈજ્ઞાનિકો વેક્સીન શોધી રહ્યા છે. વેક્સીન નહી શોધાય ત્યાં સુધી સંક્રમણ અટકવાનુ નથી. વેક્સીન ન શોધાય ત્યાં સુધી એક માત્ર ઉપાય ગણો કે દવા તે છે સોશિયલ ડીસ્ટન્સીંગ. આ મહામારી ઘાતકરૂપ ધારણ કરી રહી છે. તેમ છતાં લોકોમાં મહામારી આગળ વધતી અટકાવવા જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીનો સામનો કરી રહેલા વિવિધ દેશોના અભ્યાસ બાદ ઉર્ૐંના અહેવાલ પ્રમાણે તમામ લોકોના સેમ્પલ લેવામાં આવે તો ૫૦ ટકા પોઝીટીવ મળી આવે. એટલેકે સમાજમાં ૫૦ ટકા લોકો જીવતા બોમ્બ સમાન છે. આવુ સમજી, માની અને વિચારીને જો તમામ લોકો એકબીજાનો સંપર્ક ટાળે તો સંક્રમણ ફેલાતુ અટકી શકે તેમ છે. શરદી, તાવ, ઉધરસ કે ગળામાં દુઃખાવાના લક્ષણો દેખાય તેમના સેમ્પલ લેવામાં આવે તો કોરોના પોઝીટીવને સારવાર આપી શકાય છે. પરંતુ કોરોનાના લક્ષણો દેખાતા ન હોય અને પોઝીટીવ હોય એવા સમાજમાં અડધોઅડધ છે. આવા સંજોગોમાં અત્યારે ઘરના સભ્ય વગરના બહારના વ્યક્તિનુ આગમન એ ભયજનક છે. અમદાવાદમાં લોકડાઉન દરમ્યાન એક પરિવારે દિકરી, જમાઈ, ભાણીયાને જમવા બોલાવ્યા હતા. લગભગ પરિવારના ૧૨ જેટલા વ્યક્તિઓ એકઠા થયા હતા. આખો દિવસ જોડે રહ્યા અને જમ્યા હતા. જેમાંથી ૯ ને કોરોના પોઝીટીવ આવ્યો હતો. વિસનગરનીજ વાત કરીએ તો હમણા થોડા સમય પહેલાંજ મૃત્યુ પ્રસંગે ફક્ત ઘરનાજ ગણી શકાય તેવા કાકા બાપાના સભ્યો એકઠા થયા હતા. તેમાંથી પાંચને કોરોના પોઝીટીવ આવ્યો હતો. વિસનગરમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો તેની પાછળની હીસ્ટ્રી અમદાવાદથી ફક્ત એકજ રાત્રી રોકાયેલા ચાર સભ્યો જવાબદાર છે. અમદાવાદમાં જમવા ભેગા થયેલા પરિવારને, વિસનગરમાં મૃત્યુ પ્રસંગે એકઠા થયેલા કુટુંબીજનોને કે અમદાવાદના સબંધીની મહેમાનગતી કરાવનારને એ ખબર નહોતી કે કોઈ કોરોનાગ્રસ્ત હશે. કારણ કે કોરોનાગ્રસ્ત હોય અને તેના લક્ષણો ન હોય તેવા ૫૦ ટકા લોકો છે. આવા ૫૦ ટકા કોરોનાગ્રસ્ત જીવતા બોમ્બ બનીને ફરી રહ્યા છે તેનો દરેક લોકો ખ્યાલ રાખી પરિવારના સભ્યો સીવાય એકઠા ન થાય અને સાવચેતી રાખે તો કોરોના સંક્રમણ થતુ અટકાવી શકાય છે. કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા ફરજીયાત માસ્ક પહેરવા, હાથ ધોવા વિગેરે સરકારે ગાઈડલાઈન આપી છે. પરંતુ તેનો અમલ થતો નથી. કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. તેમ છતાં બજારમાં જાહેર જીવનમાં માસ્ક પહેરતા ન હોય તેવા અસંખ્ય લોકો જોવા મળી રહ્યા છે. ગામડામાં હજુ પણ કોરોના રોગની ગંભીરતા સમજતા નથી અને ગામડામાં શું થવાનુ છે તેમ વિચારી માસ્ક પહેરતા નથી. સમાજમાં ગરીબો, શ્રમિકો, અશિક્ષિત લોકોનુ પ્રમાણ વધારે છે. જે સંક્રમણ અટકાવવા ગાઈડલાઈનનુ પાલન કરતા નથી. આ મહામારીમાં માસ્ક પહેરવુ ખુબજ જરૂરી છે. તેનો અમલ કરાવવા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કાર્યવાહી પોલીસ દમન લાગી રહી છે. પરંતુ હાઈકોર્ટે સરકારને સુચન કર્યુ છેકે, દંડ રૂા.૨૦૦/- કેમ? ૧૦૦૦/- કેમ નહી? ત્યારે હાઈકોર્ટ માસ્ક માટે આટલી ચીંતીત હોય તો લોકોમાં જાગૃતિનો અભાવ કેમ? જોકે પોલીસ અને પ્રશાસન પણ દંડનીય કાર્યવાહી કરવા તથા મહામારીના કાયદાનુ પાલન કરાવવામાં થાકી ગયુ છે. ત્યારે લોકડાઉનના અમલ વખતે વિવિધ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, મિત્રમંડળો જે રીતે લોકોને મદદરૂપ બનવા માટે કોરોના વોરીયર્સ તરીકે બહાર આવ્યા હતા, તેમ અત્યારે કોરોનાની જાગૃતિ માટે બહાર આવે તે ખુબજ જરૂરી છે. માસ્કનો અમલ કરાવવામાં પોલીસ દરેક જગ્યાએ પહોચી વળવાની નથી. ત્યારે સંસ્થાઓ જાહેર સ્થળોએ આવા માસ્ક નહી પહેરનારને સમજાવે, કોઈ દુકાન, શો-રૂમમાં વધારે એકઠા થયા હોય તેમને ડીસ્ટન્સ રાખવા વિનંતી કરે, સારા માઠા પ્રસંગે એકઠા થતા હોય ત્યાં પહોચી એકઠા નહી થવા સમજાવે તો લોકોમાં કોરોના સાવચેતીની જાગૃતિ કેળવાશે. કોરોનાની કોઈ દવા નથી.
ત્યારે લોકો એકઠા ન થાય, માસ્કનો અમલ કરે તે માટે સમાજના કોરોના વોરીયર્સ બહાર નીકળશે ત્યારેજ સંક્રમણ આગળ વધતુ અટકશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts