નવા ચીફ ઓફીસર નવુ ગતકડુ કાઢે-કાળુભાઈ વિસનગર પાલિકાની દુકાનદારોને નોટીસથી વેપારીઓમાં રોષ
નવા ચીફ ઓફીસર નવુ ગતકડુ કાઢે-કાળુભાઈ
વિસનગર પાલિકાની દુકાનદારોને નોટીસથી વેપારીઓમાં રોષ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં આર્થિક સંકડામણ અનુભવતા વેપારીઓને રાહત તથા સહકાર આપવાની જગ્યાએ ભાજપ શાસીત પાલિકાના ચીફ ઓફીસર તથા પ્રમુખના ઈશારે પાલિકા માર્કેટના વેપારીઓને ખોટી રીતે નોટીસો આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. નોટીસો આપવામાં પણ મકાન ભાડાના કર્મચારી દ્વારા ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો વેપારીઓમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. તહેવારોમાં મંડળ તથા સ્ટોલમાં ભાડાના નામે ઉઘરાવી ખાતા આવા કર્મચારી સામે પગલા ભરવા વેપારીઓની ઉગ્ર માગણી છે. પાલિકા દુકાનદાર એસો.ના મંત્રી ઈશ્વરલાલ નેતાએ રોષ પૂર્વક જણાવ્યુ છેકે દુકાનદારોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો ના છુટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
વિસનગરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલા સરદાર માર્કેટમાં એક વેપારીએ બે દુકાનો મેળવી વચ્ચેની દિવાલ કાઢી નાખતા માર્કેટની મજબુતાઈને લઈ પ્રશ્નો ઉભા થયા હતા. આ બાબતે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જશુભાઈ પટેલે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તથા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સમક્ષ રજુઆત કરી હતી કે, બે દુકાનો વચ્ચેની દિવાલ કાઢી નાખવામાં આવશે તો માર્કેટની મજબુતાઈ રહેશે નહી. ફરીથી કોઈ દુકાનદાર પાલિકાની મંજુર વગર ફેરફાર કરે નહી તે માટે દુકાનદારોને તાકીદ કરવી જરૂરી છે. જશુભાઈ પટેલની આ સુચનાથી ચીફ ઓફીસરે મકાન ભાડાના કર્મચારીને પાલિકા માર્કેટની દુકાનોનો સર્વે કરવાની જવાબદારી સોપી હતી. પાલિકા માર્કેટની દુકાનોમાં છેલ્લા એકાદ વર્ષથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા હોય તેનો સર્વે કરી ચીફ ઓફીસરને જાણ કરવાની હતી. ત્યારે મકાન ભાડાની જવાબદારીના નામે તહેવારોમાં દુકાનો આગળ તથા રોડ ઉપર લગાવેલ મંડપ તથા સ્ટોલમાંથી હપ્તા ઉઘરાવી ખાતા આ કર્મચારીએ વેપારીઓનુ નાક દબાવવા પ્રયત્ન કર્યો છે. ૪૦ થી ૫૦ વર્ષે જુના માર્કેટમાં કે જ્યાં માર્કેટ બન્યુ ત્યારથી જે વેપારીની બે દુકાનો હતી તે દુકાનો વચ્ચે દિવાલ નથી તેવા વેપારીઓને દુકાનમાં ફેરફાર કર્યાના લીસ્ટમાં સામેલ કર્યા. આવા દુકાનદારોને પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છેકે, “કોઈપણ ભાડુઆત પાલિકાની માલિકીની દુકાન પેટા ભાડે આપી શકે નહી. દુકાનની સ્થળ સ્થિતિ બાંધકામમાં પાલિકાની પૂર્વ મંજુરી વગર ફેરફાર, વધારો, ઘટાડો કે રીપેરીંગ કરાવી શકે નહી. પાલિકા મંજુરી વગર દિવાલ તોડી શરતોનો ભંગ કરેલ છે. સાથે સ્ટ્રક્ચરને જોખમકારક નુકશાન કરેલ છે. નોટીસ મળેથી દુકાન પાંચ દિવસમાં પૂર્વવત સ્થિતિમાં મુકવી અન્યથા દુકાનનો કબજો પરત મેળવી મિલ્કતને નુકશાન પહોચાડવા બદલ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.”
વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલની સુભાષ ઈલેક્ટ્રીક તથા પાલિકા દુકાનદાર એસો.ના મંત્રી ઈશ્વરભાઈ નેતાની આવકાર વસ્ત્રાલય દુકાન લીધી તે વખતથી આ દુકાનો પાછળના માર્કેટમાં જોઈન્ટ છે. વચ્ચે દિવાલ નથી. એવી ઘણી દુકાનો છે જ્યાં માર્કેટ બન્યુ ત્યારથી બે દુકાન વચ્ચે દિવાલ નથી. આવા ૧૯૦ જેટલા દુકાનદારોને નોટીસ આપવામાં આવી છે. જેમાં કેટલાક ખોટા પણ હશે. પાલિકાની નોટીસ સામે કાળુભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે, નવા ચીફ ઓફીસર આવે એટલે નવુ ગતકડુ કાઢે. પાલિકાના પૂર્વ પ્રમુખ શીવાકાકાએ દુકાનો આપી ત્યારથી બે દુકાન વચ્ચે દિવાલ નથી. છતાં પાલિકા ખોટી રીતે હેરાન કરી રહી છે. ઈશ્વરલાલ નેતાએ જણાવ્યુ છેકે, માર્કેટમાં દુકાન લીધી ત્યારથી ૪૭ વર્ષથી બે દુકાન વચ્ચે દિવાલ નથી. કોરોના મહામારીમાં વેપારીઓને ધંધા નથી. આવા વિકટ સમયે પાલિકા ચીફ ઓફીસર દુકાનદારોને નોટીસો આપી ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. પાલિકાની હેરાનગતી બંધ નહી થાય તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.