તમારી સ્વચ્છતા એ તમારી પ્રતિભા
તંત્રી સ્થાનેથી…
સંસારમાં મોટે ભાગે લોકો બાહ્ય દેખાવનેજ ધ્યાનમાં લેતા હોય છે. અને એ દેખાવ જોઈ પ્રથમ દૃષ્ટિએ પ્રભાવિત થઈ જતા હોય છે. તેઓ જે દેખે છે તેના ઉપરથી વ્યક્તિનો સ્વભાવનો નિર્ણય લેતા હોય છે. પહેલી નજરે બંધાયેલી છાપ લાંબા સમય સુધી બંધાયેલી રહેતી હોય છે. તે ભૂસાતી નથી. તન અને મનથી વ્યક્તિ સ્વસ્થ રહે તેનો પ્રભાવ બીજા ઉપર પડે છે. તે વ્યક્તિના પ્રતિભાવ વિકાસ માટે મહત્વનો છે. સ્વચ્છતા જાળવવાથી શારિરીક અને માનસિક બંને શક્તિઓ ઉત્પન્ન થઈ ચરમસીમાએ પહોંચે છે અને સાથે સાથે સ્ફૂર્તિમાં વધારો થાય છે. મોં ઉપર તાજગી દેખાય છે. દરરોજ સ્નાન કરવાથી ત્વચામાં સુંવાળાપણું આવે છે. તથા શરીર સ્વસ્થ રહે છે. પોતાના દાંત, નખ, વાળ તથા કપડા સ્વચ્છ રાખવાથી સામે વાળી વ્યક્તિ તમારી સાથે વાત કરવા પ્રેરાય છે. સ્વચ્છ વ્યક્તિની વાત બીજાઓને પ્રભાવિત કરે છે. પવિત્ર સ્થાનો ઉપર જતા સ્વસ્થ માનસ તથા સ્વસ્થ શરીરના વ્યક્તિઓ ભગવાનમાં લીન થઈ જઈ ભગવાનમય બની જતા હોય છે. ઘરની વાત જોઈએ તો ઘરમાં દાખલ થતા પહેલા ઘરની વ્યક્તિ તે પહેરેલા કપડા ઘરના પલંગ ઉપર પાથરેલી પથારી ઉપરની ચાદર અસ્ત-વ્યસ્ત હોય તો ઘરની ખરાબ છાપ ઉભી કરે છે. તેથી તે સ્વચ્છ રાખવી જોઈએ. તમારી ઓફીસમાં ટેબલ ઉપર અખબારો, મેગેઝિનો, અસ્તવ્યસ્ત પડ્યા હોય, ફાઈલો જેમ તેમ પડી હોય તો આવનાર વ્યક્તિ ઉપર તેની ખરાબ છાપ ઉભી થાય છે. તમારા ઘરના રસોડામાં અસ્ત-વ્યસ્ત પડેલા વાસણો, ઢોળાયેલા એઠવાડ ખરાબ છાપ ઉભી કરે છે. તમારી દુકાનમાં ગોઠવેલો માલ વ્યવસ્થિત હોય, દુકાન સાફસુથરી હોય તો ગ્રાહકને માલ લેવાની ઈચ્છા થાય. દુકાનનો આગળ આંગણાનો ભાગ સ્વચ્છ હોય તો પણ ગ્રાહક આકર્ષાય અને તમારી દુકાનની ઘરાકી વધે. તમારુ વાહન ભલે તમે સાયકલ વાપરતા હોવ તો પણ તે સાફ સુથરી હોવી જોઈએ. ઘણા લોકો મોટી ગાડીઓ, મોંઘા ટુ-વ્હીલર સેપટ વાળા લઈને ફરે છે. તે તેમની ઈમેજ ઓછી કરે છે. સાફ-સુથરા રહેવાનું મા-બાપે બાળકોને નાનપણથી જ શીખવાડવુ પડે અને જો બાળક સ્વચ્છ રહેવાનું શીખી જાય તો તેનું જીવન ધન્ય બની જાય. તન સ્વચ્છ રાખ્યા પછી જો મન સ્વચ્છ રખાય તો જીવનમાં વ્યક્તિ મહાન બની જાય છે.