Select Page

સ્થાનિક વેપારીઓજ આપત્તીમાં મદદે આવે છે તે ભૂલતા નહી

સ્થાનિક વેપારીઓજ આપત્તીમાં મદદે આવે છે તે ભૂલતા નહી

તહેવારોમાં ડિસ્કાઉન્ટની લ્હાયમા અને ઓનલાઈન ખરીદીની લાલચમા…

તંત્રી સ્થાનેથી…

તહેવારોમાં નવી વસ્તુઓ અને કપડા ખરીદવા એ ભારતીયોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ઘર માટે કોઈ વસ્તુ ખરીદવાની હોય તો તે માટે તહેવારની રાહ જોવાતી હોય છે. હાલમાં નવરાત્રી ચાલી રહી છે, ત્યારબાદ દિવાળી આવશે અને ક્રિસમસ ઉજવાશે. તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરતા ગ્રાહક વર્ગને આકર્ષવા માટે ઓનલાઈન શોપીંગ કરતી કંપનીઓ મેદાનમાં આવ જાય છે. ગ્રેટ ઈન્ડીયા ફેસ્ટીવલ, બીગ બીલીયન ડે, મેગા બ્લોક બસ્ટર સેલ, બીગ ફેશન ફેસ્ટીવલના નામે ઈ કોમર્સ કંપનીઓએ ડિસ્કાઉન્ટ સાથેના સેલ મુકી દીધા છે. ભારતમાં ડિજીટલ ઈન્ડીયામાં ઈન્ટરનેટ સ્પીડ વધી છે. દેશના કરોડો લોકો એન્ડ્રોઈડ મોબાઈલનો યુઝ કરતા થયા છે. જેનો અત્યારે વધુમાં વધુ લાભ ઓનલાઈન વેપાર કરતી કંપનીઓ લઈ રહી છે. ઈ કોમર્સ કંપનીઓની એપ ઉપર ઘેર બેઠા ભાવ જોવા મળતા હોવાથી ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો ખાદ્ય વસ્તુઓ, રેડીમેડ કપડા, બુટ-ચંપલ, કોસ્મેટીક આઈટમો, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો વિગેરે વસ્તુઓ મંગાવી રહ્યા છે. મોટા શહેરોમાં હવે તો શાકભાજી, દૂધ, દહી જેવી રોજીંદા વપરાશની વસ્તુઓ પણ ઈ કોમર્સથી ઘેર બેઠા મંગાવી રહ્યા છે. પહેલા લોકો બહાર ખરીદી કરવા નિકળે ત્યારે વેપારીઓ સાથેનો સંપર્ક, સોસાયટી કે ફ્લેટમાં અન્ય લોકો સાથેના સંપર્કમાં રહેતા માનસિક શાંતી અનુભવાતી હતી. હવે ઓનલાઈન શોપીંગથી ઘરની બહાર નહી નિકળતા એકલવાયા જીવનમાં કેટલા લોકો માનસિક તણાવ પણ અનુભવી રહ્યા છે. ઓનલાઈન શોપીંગના ફાયદા સાથે નુકશાન પણ ઘણુ છે. ઓનલાઈન શોપીંગ કરવાના વળગણથી સ્થાનિક વેપારીઓના માલના વેચાણને મોટો ફટકો પડ્યો છે. ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છેકે, ઓનલાઈન શોપીંગના પાર્સલની ડીલેવરી કરતી કુરીયર કંપનીના કર્મચારીઓને એટલા પાર્સલ ડીલેવરી કરવાના હોય છેકે એક આખો દિવસ ઓછો પડે છે. જ્યારે બજારમાં કેટલાક નાના વેપારીઓ બોણી પણ કરતા નથી. તહેવારોમાં ઈ કોમર્સ કંપનીઓ પાસેથી ઓનલાઈન શોપીંગની ઘેલછામાં લોકો એ ભુલી ગયા છેકે, કોરોના જેવા રોગચાળાના કે કુદરતી આપત્તીની સમયે સ્થાનિક વેપારીઓજ મદદે આવે છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ની કોરોના મહામારીને યાદ કરવી ખૂબજ જરૂરી છે. કોરોના મહામારીના સમયે લોકડાઉનમાં લોકો સંક્રમણથી બચવા ઘરે ભરાઈ ગયા હતા. ત્યારે સ્થાનિક વેપારીઓ પોતાની કે પરિવારની ચીંતા કર્યા વગર દુકાનો ખોલી વેપાર કરતા હતા. આ વેપારીઓ નફો કરવાની લાલચમાં નહી પરંતુ મદદ કરવાની ભાવનાથી વેપાર કરતા હતા. એટલુ નહી પરંતુ સ્થાનિક વેપારીઓએ જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારી શકે તે માટે કરિયાણા કીટમાં, ઓક્સીજન પ્લાન્ટ માટે, મેડિકલ સારવાર મળી રહે તે માટે સુવિધાઓ માટે તેમજ દવાઓ માટે દાન પણ આપ્યુ હતુ. ભારતમાં કોરોના કાળમાં ઈ કોમર્સ કંપનીઓએ ક્યાંક ફંડ આપ્યુ હોય કે રાહત કેમ્પ ખોલ્યા હોય તેવુ ક્યાંય જોવા મળ્યુ નથી. અન્ય કુદરતી આપત્તીઓમાં પણ સ્થાનિક વેપારીઓએ યોગદાન આપ્યુ છે. આપત્તીના સમયે મદદ કરનારને મદદ કરવી એ તો ભારતીયોના સંસ્કાર છે. તો પછી તહેવારોમાં ફક્ત નફો ઘર ભેગો કરતી ઈ કોમર્સ કંપનીઓ પાસેથી ખરીદી કરવી જોઈએ કે, કુદરતી આપત્તીમાં મદદ કરતા વેપારીઓ પાસેથી ખરીદી કરવી જોઈએ તે વિચારવાનુ છે. ફક્ત પોતાનો સ્વાર્થ દેખતા લોકોજ મદદ કરનારના ગુણ ભુલતા હોય છે. તહેવારોની ઉજવણીમાં ફંડ લેવા ગયેલા યુવાનોને સ્થાનિક વેપારીએ જે શબક શીખવ્યો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ ફરી રહ્યો છે. મોટા ડિસ્કાન્ટની લાલચ છોડી આપત્તીના સમયે સમાજની પડખે ઉભા રહેતા સ્થાનિક વેપારીઓ પાસેથીજ તહેવારમાં વસ્તુઓ ખરીદવી તેવો સંકલ્પ લેવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us