કોલેજ લાઈફ છે ચાલ જીવી લઈએ નો મોહ કોલેજીયનો માટે લાલબત્તી સમાન
તંત્રી સ્થાનેથી…
અમદાવાદ એસ.જી.હાઈવે ઈસ્કોન બ્રીજ ઉપર ૧૪૦ ની સ્પીડે જેગુઆર કાર ચલાવી નવ નિર્દોષોને ઉડાવી મોતનો ખેલ ખેલનાર તથ્ય પટેલના કારણે અત્યારની કોલેજીયન લાઈફ ઉપર અનેક શંકા કુશંકાઓ ઉભી થઈ રહી છે. તથ્ય પટેલના નવા નવા રાઝ અને નવી નવી પોલ ખોલતા અહેવાલો સમાજ વાંચી રહ્યો છે. તથ્ય પટેલની કારમાં ત્રણ યુવતીઓ હતી. જે પૈકીની એક યુવતી ગામડામાંથી આવે છે. અમદાવાદ પી.જી.માં રહે છે અને માતા-પિતાની દરકાર કર્યા વગર જલસા કરે છે. ખુદ યુવતીના માતા-પિતા એવી કબુલાત કરે છે કે, એક્ટીવામાં જવાનુ કહીને ગયેલી અને કિંમતી જેગુઆર કારમાંથી પકડાઈ છે. ત્યારે સૌને આંચકો લાગે છે કે આ શું? મધ્યમ વર્ગની દિકરી પીજીમાં રહેતી હતી અને ક્યાંથી ક્યા પહોચી ગઈ. આ ઘટના ઉપરથી સમાજને પજવતો પ્રશ્ન છેકે ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે મોટા શહેરોમાં અને પીજીમાં રહેતા સંતાનોના મોકળાશ માટે જવાબદાર કોણ? તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ આ ઘરઘરનો પ્રશ્ન છે. નાના ગામડામાંથી આવેલા અસંખ્ય યુવક અને યુવતીઓ મોટા શહેરોમાં હોસ્ટેલ, પીજી કે રૂમ રાખીને રહે છે. સારા અને સંસ્કારી સંતાનોની આમા વાત નથી. આવા સંતાનો દુનિયાના કોઈપણ ખુણામાં રહે એમને તથ્ય પટેલ જેવા નબીરા લલચાવી શકતા નથી. આવા સંતાનોનો માછલીની આંખ જોતા અર્જુન જેવો ફક્ત એકજ ધ્યેય હોય છેકે, માતા-પિતાએ મુકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરવો. પરંતુ સંસ્કારોના ડોળ કરીને ફરતા સંતાનોની આ વાત છે. મોટેભાગે એમનાજ પ્રશ્નો છે. હોસ્ટેલ લાઈફના બહુ ઓછા પ્રશ્નો બહાર સુધી આવતા હોય છે. હમણા હમણા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની ફેશન ચાલે છે. ગમે તે કોલેજમાં ઓન પેપર એડમિશન લઈ તૈયારીઓના નામે શહેરોમાં રહે છે. ગામમાં અને ઘરમાં ક્યા ગયા અને ક્યારે આવ્યાની માતા-પિતાની પુછપરછ તેમજ દેખરેખથી કોલેજીયનો કંટ્રોલમાં હોય છે. પરંતુ માતા-પિતાની દેખરેખથી દુર થઈ સંતાનો જ્યારે સંસ્કારો ભુલે છે ત્યાથી શરૂ થાય છે તથ્યયાત્રા. કોલેજીયન લાઈફ જીવતા સંતાનો પાછળ જો દેખરેખ રાખવામાં આવે અને જેનો વિગતે અભ્યાસ કરવામાં આવે તો ખરેખર ઘણા તથ્યો બહાર આવે તેમ છે. અકસ્માત કરનાર તથ્ય પટેલની કારમાંથી પકડાયેલી યુવતીઓ જેવી ઘણી યુવતીઓ મોટા શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના બહાને રહે છે. એમની પાસે પરીક્ષાની તૈયારીઓ ખુબજ મોટુ બહાનુ છે. સંતાનોમાં દિકરી નજરથી દૂર થાય તેવુ મોટાભાગમાં માતા-પિતા ઈચ્છતા નથી. કારણકે મોટા શહેરમાં ફરતા તથ્ય પટેલ જેવા નબીરાઓનો ભય હોય છે. પરંતુ દિકરીના ઉચ્ચ અભ્યાસની વાત આવે ત્યારે માતા-પિતા ભય અને સંશયને મનના ખુણામાં દબાવી દઈ એકલા રહેવાની સ્વતંત્રતા આપે છે. સ્વતંત્રતા જ્યા સુધી સંસ્કારોથી રક્ષિત છે ત્યા સુધી વાંધો આવતો નથી. પરંતુ પૈસાની ખેચતાણ, દેખાદેખી, લોંગ ડ્રાઈવ, મોલ મોલાત, રજવાડી કાફે, પબ બાર, સ્મોકિંગ, દારૂ અને ડ્રગ્સ લેવાનો નશો જેવી કોલેજ લાઈફ હોય અને ચાલ જીવી લઈએ તેવી અધૂરી સમજણ પ્રગટે ત્યારેજ તથ્ય પટેલ જેવા નબીરાની એન્ટ્રી થતી હોય છે. માતા-પિતા બીચારા ગામડામાં કાળી મજુરી કરીને શહેરોમાં અભ્યાસ કરતી દિકરીનો ખર્ચ પુરો પાડે, જ્યારે માતા-પિતાની પરવા કર્યા વગર તથ્ય પટેલ જેવા નબીરાઓથી અંજાઈને જલસા કરે ત્યારે સંતાનોની જરૂર ચીંતા થાય. અભ્યાસના નામે મોટા શહેરોમાં રહેતા યુવકો પણ સ્વતંત્રતા મળતા પોતાનો ધ્યેય ભુલી જતા હોય છે. ત્યારે જાગૃત માતા-પિતાએ શહેરોમાં રહેતા સંતાનોની પાછળ જરૂર દેખરેખ રાખવી જોઈએ.