Select Page

આતંકવાદીઓની હિલચાલ ઉપર ધ્યાન રાખી ૧૫ દિવસે સેનાનો હુમલો ૫૬ ની છાતીના વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને એક ચપટી સેંથાના સિંદુરથી કિંમત સમજાવી

આતંકવાદીઓની હિલચાલ ઉપર ધ્યાન રાખી ૧૫ દિવસે સેનાનો હુમલો ૫૬ ની છાતીના વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને એક ચપટી સેંથાના સિંદુરથી કિંમત સમજાવી

તંત્રી સ્થાનેથી…
કાશ્મીરના પહેલગામમા બૈસરન ઘાટીના મિનિ સ્વિત્ઝર્લેન્ડમા તા.૨૨-૪-૨૦૨૫ ના રોજ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ હુમલો કરી ધર્મ પુછીને ફક્ત પુરૂષ પર્યટકોને ગોળીએ માર્યા હતા. આતંકવાદીઓએ મૃતક પર્યટકોની પત્નીઓના સેંથામાંથી સિંદુર છિનવી લેતા દરેક ભારતીયોમા એકજ રોષ હતો કે આ જધન્ય કૃત્યનો મૂહતોડ જવાબ આપવો. પહેલગામ હુમલા બાદ નવવિવાહિતોના વિખેરાયેલા અરમાનો અને સિંદુરી સપનાઓનો ભારતે જવાબ આપવો જોઈએ તેવો આક્રોશ દરેક ભારતીયોનો હતો. દેશની જનતાના રોષ મુજબ જવાબ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આતંકવાદીઓને શોધીને મારવામાં આવશે તેવા જાહેરમાં નિવેદનો કર્યા હતા. એનડીએ સરકારે આ અગાઉના આતંકવાદી હુમલાના જવાબ આઠ થી દશ દિવસમાં આપ્યા હતા. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની અણુ હુમલાની ગીધડ ધમકી આપવા છતા ભારતે સિંધુ કરાર રદ કરવાની સાથે આતંકવાદના આકા પાકિસ્તાનને શબક શીખવવા કઠોર નિર્ણયો કર્યા, જેની સાથે યુધ્ધની પણ તૈયારીઓ કરી. પહેલગામ હુમલા બાદ ભારત કેમ કોઈ સૈન્ય કાર્યવાહી કરતુ નથી તેવા આક્રોશ સાથે ભારતીયોની ધિરજ ખુટી પડી હતી. પરંતુ દેશવાસીઓ એ વાતથી અજાણ હતા કે હુમલા બાદ આતંકવાદીઓ પીઓકેમાંથી ક્યા સ્થળાંત્તર કરી રહ્યા છે તેની સરકાર નિગરાની રાખી રહી હતી. પાકિસ્તાન અને પીઓકેના બહાવલપુરમાં ૨૫૦, મુરીદકેમા ૧૨૦, મુજફ્ફરાબાદમા ૧૧૦-૧૩૦, કોટલીમા ૮૦, સિયાલકોટમા ૯૦ થી ૧૦૦, ગુલપુરમા ૮૦, ભિંવરમા ૬૦, ચેક અમરૂમા ૮૦ જેટલા આતંકવાદીઓ આ અડ્ડાઓ ઉપર છુપાયા હોવાની જાણકારી મળતાજ પહેલગામ હુમલાના ૧૫ દિવસ બાદ અડધી રાત્રે રાફેલ અને સુખોઈ જેવા યુધ્ધ વિમાનો તથા સ્કેલ્પ મિસાઈલથી હુમલો કરી ૯ જગ્યા ઉપરના ૨૧ આતંકવાદી કેમ્પોનો નાશ કરી ૧૨૦ જેટલા આતંકવાદીઓનો ખાત્મો કર્યો. પહેલગામ હુમલામા બૈસરન ઘાટીને લાલ કરનાર આતંકવાદીઓના પાકિસ્તાન સ્થિત ૯ જેટલા અડ્ડાઓને ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદુરથી લાલ કરી દીધા. પાકિસ્તાનના જૈસ એ મોહમ્મદ, લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનો ઉપરના હુમલામાં કંધહાર અપહરણનો માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરનો આખો પરિવાર પતાવી આતંકવાદી હુમલામા ભોગ બનનારના પરિવારની શુ દશા થાય છે અને કેવી મનોવેદના હોય છે તેનો સંદેશો આપતો શબક શીખવ્યો. હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર છેકે, નિર્દોષ ઉપર ક્યારેય હુમલો કર્યો નથી. જે પ્રમાણે ભારતે પાકિસ્તાની સૈન્ય કે પાકિસ્તાની નાગરિકો ઉપર નહી પરંતુ આતંકવાદીઓ ઉપર સૈન્ય કાર્યવાહી કરી. ભારતી સૈન્ય કાર્યવાહી બાદ તમે ચોરી છુપીથી ઘૂસીને અને ધર્મ પુછીને માર્યા, અમે પાકિસ્તાનની અંદર ઘૂસીને માર્યા, આ નવુ ભારત છે છેડશે તેને છોડશે નહી, આ નવુ ભારત છે ઘરમાં ઘુસીને મારે છે તેવુ ગૌરવ અનુભવી દેશના શૌર્ય, સ્વમાન અને સન્માનની રક્ષા કરવાની ૫૬ ની છાતીની સાહસિકતા દાખવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દરેક ભારતીય અભિનંદન આપી રહ્યા છે. ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, કારગીલ અને છેલ્લે સર્જીકલ સ્ટ્રાઈકમાં દરેક યુધ્ધમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાનને ધોબી પછાડ આપી છે. આ વખતે પણ આતંકવાદીઓનો ખાત્મો કરીને ઓપરેશન સિંદુર થકી ભારતીય સેનાએ ભારત માતાના કપાળે વિજય તિલક કર્યુ છે. પરંતુ ઓપરેશન સિંદુરના હુમલાના વિજય ઉત્સાહમા દેશના લોકોએ એ પણ ભુલવાનુ નથી કે પાકિસ્તાન અવળ ચંડાઈ કર્યા વગર રહેવાનુ નથી. ગાઝા પટ્ટીમાંથી હમાસના હુમલા બાદ ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ યુધ્ધ શરૂ કર્યુ ત્યારે આ દેશના નાગરિકોએ પ્રથમ સરકારને સહકાર આપ્યો હતો. અત્યારે ભારત દેશના નિવૃત્ત સૈનિકો જે રીતે પાકિસ્તાન સામે યુધ્ધ માટે ફરજ ઉપર જવા તત્પરતા દાખવી રહ્યા છે તે રીતે ઈઝરાયલના નાગરીકો પણ તત્પર હતા. પરંતુ યુધ્ધ લાબુ ચાલતા ઈઝરાયના નાગરિકોજ સરકાર સામે યુધ્ધ બંધ કરવા દેખાવ કર્યા. ભારત સામે પાકિસ્તાની સેના ટકવાની નથી તેનો ઈતિહાસ સાક્ષી છે. પરંતુ યુધ્ધ લાબુ ચાલ્યુ અને થોડીઘણી પણ ખુવારી થાય તો આ સ્થિતિમાં એક નાગરિક તરીકેની ફરજ દરેક ભારતીયે નિભાવવી પડશે. રશિયાની જેમ યુક્રેનની જમીન પચાવી પાડવાનુ આ યુધ્ધ નથી. પરંતુ ભારત દેશમાં વર્ષોથી ઘર કરી ગયેલા આતંકવાદને નષ્ટ કરવાનુ યુધ્ધ છે. આ યુધ્ધ ફક્ત સરકાર કે સેના માટે નહી પરંતુ વર્ષોથી ભારતમાં નિર્દોષોનો ભોગ લેનાર આતંકવાદને નાથવા માટેનુ છે. યુધ્ધની જવાબદારી ફક્ત સરકાર કે સેનાની નથી પરંતુ ભારતના તમામ નાગરિકની છે. દેશમાં નફરત ફેલાવી આંતરિક સુરક્ષા મુશ્કેલીમાં ન મુકાય તે જોવાની ફરજ દેશના તમામ નાગરિકોની છે. આ સમય જાતિ, ધર્મ, પ્રાંત, ભાષાના ભેદભાવ ભુલીને આખાય વિશ્વને એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવવાનો સમય છે. રાજકીય – સામાજીક મતભેદો ભુલીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ સાહસિક નેતૃત્વ અને સેનાના શૌર્યને પ્રોત્સાહન આપવુ તે ભારત દેશના તમામ નાગરિકોની ફરજ છે.