Select Page

વિસનગર કોંગ્રેસની મોંઘવારી વિરુધ્ધ રેલી-ધરણાં

પ્રજા જાગૃત નહી થાય ત્યા સુધી સરકારની આંખો ખુલવાની નથી

ભાજપની તાનાશાહ સરકાર પોલીસનો ઉપયોગ કરીને કોંગ્રેસને પ્રજાની વેદના પણ વ્યક્ત કરવા દેતી નથી. મધ્યમ અને ગરીબ વર્ગનુ બજેટ ખોરવી નાખનાર મોઘવારી વિરોધમાં વિસનગર કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પ્રજાની મુશ્કેલીઓ સરકારના કાન સુધી પહોચાડવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.
સીલીંડર મોંઘુ... મોંઘુ તેલ... જોવો આ છે મોદીનો ખેલ, મોંઘો ગેસ...મોંઘુ તેલ બંધ કરો લુંટનો ખેલ, દુનિયામાં પેટ્રોલના સસ્તા દામ ભાજપના રાજમાં પેટ્રોલના પ્રજાને ડામ, પેટ્રોલ ૧૦૦ કે પાર હૈ મોદી હૈ તો મુમકીન હૈ વિગેરે પ્લેકાર્ડ સાથે વિસનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનુજી ઠાકોર, પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ, પાલિકા સભ્ય હિરેનભાઈ પટેલ, માલધારી સેલના હેમુભાઈ રબારી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી શૈલેષભાઈ રબારી ખંડોસણ, જીલ્લા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મહેશભાઈ રાઠોડ, મહિલા કાર્યકર સુનિતાબેન ભીલ, વસંતીબેન વિગેરે કાર્યકરો દ્વારા અસહ્ય મોંઘવારી વિરોધમાં રેલ્વે સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી રેલી કાઢવામાં આવી હતી.
પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવેલ વિવિધ રોજીંદી વપરાશની વસ્તુઓના ભાવ કાબુમાં રાખવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. સરકારી વહીવટ એ નફા માટે નહી પરંતુ લોકો સુખ શાંતિથી પરિવારનુ ગુજરાન ચલાવી શકે તે માટે છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, ગેસ સીલીંડર, દાળ તેમજ ઘણી રોજીંદી વપરાશની વસ્તુઓમાં ભાવ વધ્યા છે. સતત વધતા જતા ભાવના કારણે અસહ્ય મોંઘવારીથી મધ્યમ અને ગરીબ વર્ગને પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારમાં ભાવ નિયંત્રણમાં રહેતા હતા. પાંચ રાજ્યોમાં ચુંટણી આવતી હતી ત્યારે મોદી સરકારે પેટ્રોલ-ડીઝલમાં ધરખમ ભાવ ઘટાડો કર્યો હતો. આમ મોદી સરકાર એ ચુંટણીલક્ષી સરકાર છે. પ્રજાલક્ષી સરકાર નથી. આવી સ્વાર્થી સરકારમાં પ્રજા પાયમાલ થઈ રહી છે. પ્રજાની વેદના સરકાર સુધી પહોચતી કરવા માટે રેલી કાઢવામાં આવી છે. કોંગ્રેસી કાર્યકરો રેલી કાઢી ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, આ તાના શાહ સરકારમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની પણ સ્વતંત્રતા નથી. ગુજરાતમાં વિવિધ પ્રશ્ને લોકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર પોલીસ દમન દ્વારા લોકોની લાગણીઓને કચડી રહી છે. સરકાર પોલીસને આગળ ધરી કોંગ્રેસના કાર્યક્રમોને નિષ્ફળ કરવાના પ્રયાસ કરે છે. પરંતુ પ્રજા માટે અમે લડીશુ અને જીતીશુ. જ્યારે તા.૨-૪ ના રોજ કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુધ્ધ ધરણાં કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે અટકાયત કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us