દઢિયાળમાં બિન પરવાનગી બાવળો કટીંગમાં પકડાતા હોબાળો
વિસનગર તાલુકાના દઢિયાળ ગામની પડતર જમીનમાં તંત્રની પરવાનગી વગર લીલા-સુકા બાવળો કાપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ પકડાયુ હતુ. જેની ગામના જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રામ પંચાયતના તલાટીની સંડોવણી બહાર આવતા આ મુદ્દે ગામમાં ભારે હોબાળો થયો છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થતા બદલાવ સામે રક્ષણ મેળવવા સરકાર દરેક નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનુ જતન કરવા અપીલ કરે છે. જેમાં વિસનગરના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ તાલુકાને હરીયાળો બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કાળા માથાનો માનવી પોતાના અંગત સ્વાર્થમાં બિન પરવાનગી લીલા વૃક્ષોનું સરેઆમ નિકંદન કરી તંત્રની આંખમાં ધુળ નાખી રહ્યા છે. વિસનગર તાલુકાના દઢિયાળ ગામની પડતર જમીનમાં બે ઈસમો વહીવટી તંત્રની મંજુરી વગર લીલા-સુકા બાવળો કાપી રહ્યા હોવાની ગામના જાગૃત નાગરિકોને જાણ થતા તેઓ બુધવારના રોજ તાત્કાલિક સ્થળ ઉપર પહોચ્યા હતા. જ્યાં તપાસ કરતા લાકાડના ઢગલા પડ્યા હતા અને બાજુનાં લાકડા ભરવા માટે એક ટ્રેક્ટર પડ્યુ હતુ. ગામના નાગરિકોએ બાવળો કાપનાર બંન્ને ઈસમોની પુછપરછ કરતા તેમને ગ્રામ પંચાયતના તલાટી સુધિરભાઈ ચૌધરીના કહેવાથી બાવળો કાપ્યા હોવાની કબુલાત કરી હતી. આ બાબતે ગામના નાગરિકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. જ્યાંથી લાકડા કાપનાર બંન્ને ઈસમોને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા આ કૌભાંડમાં ગામના તલાટી સુધિરભાઈ ચૌધરી પણ સંડોવણી બહાર આવી હતી. જોકે દઢિયાળ ગામ ચૌધરી સમાજનું ગામ હોવાથી તેમજ આ તલાટી સામાજીક રીતે જોડાયેલા હોવાથી તેમને બચાવવા ગામના બે-ત્રણ આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સ્ટેશનમાં બાસણા બીટના જમાદાર નરેન્દ્રભાઈ ચૌધરી પણ હતા. જેથી આ તપાસમાં તલાટીનો વાળ વાંકો નહી થાય તેવી ગામના કેટલાક લોકોને આશા બંધાઈ હતી. જ્યારે ગામના મોટાભાગના લોકોમાં એવી ચર્ચા હતી કે આ તલાટી અવાર-નવાર વિવાદમાં રહેતા હોવાથી તેમની બદલી થવી જોઈએ. હવે પોલીસ આ તપાસમાં કોની સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યુ?
આ મામલે તલાટી સુધિરભાઈ ચૌધરી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યુ હતુ કે, મે ગ્રામ પંચાયતમાં રૂા.૨૦૦૦ લોકફાળો લઈને આ બંન્ને જણાને તળાવની પાળ પાસેના ત્રણ-ચાર સુકા બાવળો કાપવાનું કહ્યુ હતુ. પરંતુ આ બંન્ને વ્યક્તિઓએ પડતર જમીનમાંથી બીજા લીલા-સુકા બાવળો કાપી નાખ્યા હતા. જેની મને જાણ થતા મે બંન્નેને ઠપકો આપ્યો હતો. બાવળના ઝાડ કાપવા બાબતે મારો કોઈ અંગત સ્વાર્થ ન હતો.