Select Page

ઋષિભાઈ પટેલની સતત ચોથી વખત ઐતિહાસિક જીત

રાગદ્વેષ વગરના સૌના સાથથી સૌના વિકાસની મતદારોએ કદર કરી

ઋષિભાઈ પટેલને ચુંટણીમાં મળેલ મત અને લીડ
વર્ષ   મળેલ મત લીડ
૨૦૦૭ ૬૩૧૪૨    ૨૯૮૩૮
૨૦૧૨ ૭૬૧૮૫    ૨૯૩૯૯
૨૦૧૭ ૭૭૪૯૬    ૨૮૬૯
૨૦૨૨ ૮૮૩૫૬    ૩૪૪૦૫

કર્મ જ્યારે સારા હોય ત્યારે કોઈ શ્રાપ કે અભિશાપ નડતો નથી. વિધાનસભાની વિસનગરની સીટ શ્રાપીત ગણાતી હતી. બે ટર્મથી વધુ કોઈ ધારાસભ્ય પદે રહી શકતુ નહોતુ. ત્યારે લોકપ્રતિનિધિ તરીકે સેવા કરવાનુ સ્વિકાર્યુ છે ત્યારે રાગદ્વેષ વગર ઋષિભાઈ પટેલે સૌના સાથથી સૌનો વિકાસ કરતા ચોથી વખતની ઉમેદવારીમાં મતદારોનો અભૂતપૂર્વ આવકાર મળ્યો. ઋષિભાઈ પટેલે તેમનાજ અગાઉની ચુંટણીમાં મળેલા મત અને લીડના તમામ રેકોર્ડ તોડી જંગી લીડથી જીત મેળવી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો હતો. જ્યારે ભાજપમાં ઐતિહાસિક જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની જીત બાદ વિસનગરમાં ઋષિભાઈ પટેલનુ વિજય સરઘસ નિકળ્યુ હતુ. આતશબાજી કરી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
વિધાનસભાની ચુંટણીમાં તા.૫-૧૨-૨૦૨૨ ના રોજ બીજા તબક્કાના મતદાન બાદ ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કયા ઉમેદવારને કેટલા મત મળશે તેના ગણિત મંડાયા હતા. રાજકીય પંડીતો તથા ગણિત શાસ્ત્રીઓએ લીડના અંદાજ મુકી દીધા હતા. સટ્ટા બજારમાં ઋષિભાઈ પટેલની જીત હોટ ફેવરીટ હતી અને લીડ ૨૦,૦૦૦ આસપાસ અંદાજવામાં આવતી હતી. જ્યારે ઋષિભાઈ પટેલના ટેકેદારોનો ૪૦,૦૦૦ ઉપરાંત્તની લીડ મળવાનો અંદાજ હતો. જ્યારે બીજી તરફ કોંગ્રેસે ૫૦૦૦ મતની લીડથી જીતનો અંદાજ મુક્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટી તો જીતની ચર્ચામાં પણ હરિફાઈમાં નહોતી. મતદાનની તા.૫-૧૨ ની સાંજથી મતગણતરીના આગળની રાત સુધી જીત અને લીડ માટેની ગરમા ગરમ ચર્ચાઓ થતી હતી.
તા.૮-૧૨-૨૦૨૨ ને ગુરૂવારના રોજ બાસણા મર્ચન્ટ કોલેજ કેમ્પસમાં સવારે ૮-૦૦ કલાકથી પોસ્ટલ બેલેટથી મત ગણતરીની શરૂઆત થઈ હતી. કોંગ્રેસના કિરીટભાઈ પટેલ અને આપના જયંતિભાઈ પટેલે સવારથીજ કાઉન્ટીંગ રૂમમાં હાજરી આપી હતી. જ્યારે ભાજપના ઋષિભાઈ પટેલના પ્રતિનિધિ તરીકે તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલે હાજરી આપી હતી. ઈવીએમ ખુલતાની સાથે પ્રથમ રાઉન્ડમાં બોકરવાડા, ભાન્ડુ, જેતલવાસણા અને સાતુસણાના બુથ ખુલતા ઋષિભાઈ પટેલને ૨૨૧ મતની સરસાઈ મળી હતી. બીજા રાઉન્ડમાં વડુ, વાલમ, તરભ અને ખંડોસણના બુથ ખુલતા કોંગ્રેસના કિરીટભાઈ પટેલને ૧૭૩૪ મતની લીડ મળતા બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ૧૫૦૩ ની લીડ સાથે આગળ હતુ. બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના એજન્ટો અને કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. ભાજપના એજન્ટોમાં સોપો પડી ગયો હતો પરંતુ આગળના બુથમાં લીડ મળશે તેવો વિશ્વાસ હતો. ત્રીજા રાઉન્ડમાં ખંડોસણ, કાજીઅલીયાસણા, મહંમદપુરા, દેણપ અને ઉમતાના બુથ ખુલતા ભાજપને ૯૦૨ મતની લીડ મળતા કોંગ્રેસની લીડ ઘટીને ૬૦૧ થઈ ગઈ હતી. ચોથા રાઉન્ડથી બારમાં રાઉન્ડ સુધી ભાજપે તમામ રાઉન્ડમાં લીડ મેળવી હતી. તેરમાં રાઉન્ડમાં સવાલા, રાવળાપુરા, કંસારાકુઈ, બાસણા, ચિત્રોડામોટા, ચિત્રોડીપુરાના બુથ ખુલતા સવાલા અને બાસણામાં કોંગ્રેસને વધારે મત મળ્યા હોવાથી આ રાઉન્ડમાં કોંગ્રેસને ૬૨૯ મતની લીડ મળી હતી. આમ ફક્ત બીજા અને તેરમાં રાઉન્ડમાં કોંગ્રેસને લીડ મળી હતી. તે સીવાયના તમામ રાઉન્ડમાં ભાજપની લીડ સતત વધતી હતી. બારમાં રાઉન્ડ સુધી ભાજપની ૨૬૩૨૩ ની લીડ હતી. ત્યારે ઋષિભાઈ પટેલ તેમના પડછાયા જેવા સાથી કમલેશભાઈ જીવાભાઈ પટેલ સાથે મતગણતરી સ્થળે આવતા કાર્યકરોએ વિક્ટ્રીનુ નિશાન બતાવી ઉત્સાહ દર્શાવ્યો હતો. જીત નિશ્ચીત થતા ઋષિભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, રાજુભાઈ ચૌધરી, હિરેનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા મતગણતરી રૂમની બહાર લોબીમાં બેઠા હતા. જ્યા ઋષિભાઈ પટેલે રિઝલ્ટ સીટ જોઈ કયા ગામમાંથી ધારણા કરતા ઓછા મત મળ્યા તેની ચર્ચા કરી હતી.
વિસનગર સીટના સત્તરમાં રાઉન્ડની ગણતરી પુરી થતાજ ૩૪૪૦૫ મતની જંગી લીડ મળતા ઋષિભાઈ પટેલે તેમના અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા. અગાઉની ત્રણ ટર્મની ચુંટણી કરતા પણ સૌથી વધુ મત મેળવ્યા હતા અને લીડ પણ સૌથી વધુ મેળવી હતી. વિસનગર સીટ ઉપર ઋષિભાઈ પટેલની ઐતિહાસિક જીત થતાજ કાઉન્ટીંગ રૂમમાંથીજ ‘ભારત માતા કી જય’ નો વિજયઘોષ થયો હતો. વિસનગર સીટના ઈતિહાસમાં અગાઉના તમામ ઉમેદવાર કરતા સૌથી વધુ મત અને સૌથી વધુ લીડ મેળવ્યાનો ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મતગણતરી કેન્દ્રથી વિસનગરમાં જંગી મતોથી વિજયી થનાર ઋષિભાઈ પટેલનુ વિજય સરઘસ નિકળતા કંસારાકુઈ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સવાલા બસ સ્ટેન્ડ આગળ લઘુમતિ સમાજે ભવ્ય સ્વાગત કર્યુ હતુ. રસ્તામાં વિવિધ ગામના લોકોએ સ્વાગત અને સન્માન કર્યુ હતુ. મહેસાણા ચાર રસ્તા ઉપર ઋષિભાઈ પટેલ પહોચતા ફુલહાર અને આતશબાજીથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મહેસાણા ચાર રસ્તાથી ધરોઈ કોલોની રોડ થઈ ધારાસભ્ય કાર્યાલયે વિજય સરઘસ પૂર્ણ થયુ હતુ. આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને મતદારો વાહનો, બાઈક સાથે જોડાયા હતા. કાર્યકરો અને ટેકેદારોએ ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us