Select Page

જુના ડીપી રોડ રદ કરી દબાણકારોને છાવરવાનો કારશો

જનરલના એજન્ડા પછી સાંભળવામાં આવશે તેમ જણાવી વિરોધ પક્ષને છેતર્યો

વિસનગર પાલિકાના જુના વિકાસ નકશામાં ડી.પી.રોડ યથાવત રાખી નવો વિકાસ નકશો તૈયાર કરવાની સંકલનમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમ છતાં દબાણકારોના ખોળે બેઠેલા કેટલાક સભ્યોએ જુના ડીપી રોડ રદ કરવા અને આ ઠરાવને પેન્ડીંગ રાખવાની પાલિકા જનરલમાં ચર્ચા થતા ચકમક જરી હતી. ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જનરલ પૂર્ણ થાય તે પહેલા ચાલતી પકડી હતી. જ્યારે જનરલના એજન્ડાની ચર્ચા બાદ વિરોધપક્ષને સાંભળવામાં આવશે તેમ જણાવી જનરલનુ કામકાજ પૂર્ણ કરી વિરોધપક્ષને છેતરતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વીડીયો રેકોર્ડીંગ સાથે જનરલ થાય તે માટે કલેક્ટર તથા આર.સી.એમ.માં રજુઆત કરવાનુ વિરોધ પક્ષે જણાવ્યુ હતુ.
વિસનગર પાલિકાની જનરલમાં વિકાસ કામોની ચર્ચા ઓછી અને હોબાળા વધારે હોય છે. તા.૨૯-૪-૨૦૨૨ ને શુક્રવારના રોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ વર્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, દંડક મેહુલભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર તથા સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. પાલિકામાં ભાજપના બોર્ડે સત્તા સંભાળી ત્યારથી ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ જનરલમાં સ્ટેજ ઉપર બેસી સંચાલન કરતા હતા. ત્યારે આ જનરલમાં ઉપપ્રમુખ સભ્યોની હરોળમાં બેઠા હતા. જેમાં ભાજપમાં ચાલતો આંતરીક જુથવાદ જોવા મળ્યો હતો. જનરલ સભાનુ સંચાલન દંડક મેહુલભાઈ પટેલે કર્યુ હતુ. ઓ.એસ. સુધીરભાઈ કંસારાએ એજન્ડાનુ વાંચન શરૂ કરતાજ ઝીરો અવર્સમાં વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ કેટલાક મુદ્દાની ચર્ચા કરવા ઉભા થયા હતા. જેમની અવગણના કરવામાં આવતા શામળભાઈ દેસાઈની સુચનાથી વિરોધપક્ષના સભ્યો વોકઆઉટ કરવા ઉભા થયા હતા. પરંતુ દંડકે જનરલ પછી સાંભળવામાં આવશે તેમ કહી સમજાવી બેસાડી દીધા હતા.

ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ સભ્યોની હરોળમાં બેસી શાસક પક્ષમાં વકરેલા જુથવાદના સંકેત આપ્યા

જનરલમાં એજન્ડાની ચર્ચામાં જુના વિકાસ નકશાના ડી.પી.રોડનો મુદ્દો મહત્વનો હતો. બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ ઉભા થઈ આ મુદ્દો ઉઠાવતા જણાવ્યુ હતું કે, જુના ડીપી રોડ રદ કર્યા વગર નવો વિકાસ નકશો તૈયાર કરવો. જુના ડીપી રોડ યથાવત રાખવા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પણ જનરલમાં રજુઆત કરી હતી કે, જુના ડીપી રોડ રદ કરવા હોય તો મારો વિરોધ છે. પાલિકા આ અનુભવી કોર્પોરેટરોએ દિર્ઘદ્રષ્ટી રાખી જુના ડીપી રોડ યથાવત રાખવા ભલામણ કરી રહ્યા છે. ૧૯૯૬ મા શહેરનો વિકાસ નકશો તૈયાર કરી ડીપી રોડ પાડવામાં આવ્યા હતા. જેનો જેતે સમયના બોર્ડે અમલ નહી કરતા ડીપી રોડ ઉપર દબાણ થઈ ગયા છે. કેટલાક બીલ્ડરોએ ડીપી રોડની સાઈડમાં નિયમ મુજબની જગ્યા છોડ્યા વગર સોસાયટીના વરંડા બનાવી દીધા છે. કેટલાક મકાન માલિકોએ ડીપી રોડને અડીને વરંડા બનાવી દીધા છે. જેના કારણે આવી ડીપી રોડ ઉપર કેટલીક જગ્યાએ ૧૫ ફૂટની પહોળાઈ પણ મળતી નથી. જુના ડીપી રોડ રદ કરવામાં આવે તો આ રસ્તા વધુ સાંકડા બની જાય તેમ છે. જનરલ પહેલા કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં મળેલ સંકલનમાં બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલની જુના ડીપી રોડ યથાવત રાખવાની રજુઆત સાથે સંમત થઈ જુના ડીપી રોડ યથાવત રાખી નવો વિકાસ નકશો તૈયાર કરવાની ચર્ચા થઈ હતી. તેમ છતાં આ મુદ્દાને લઈ જનરલમાં ચડભડ થઈ હતી. આ મુદ્દે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જનરલમાં જણાવ્યુ હતું કે જુના ડીપી રોડ રદ કરવાના હોય તો અમારો વિરોધ છે તેમ કહી જનરલ પુરી થાય તે પહેલા ચાલતી પકડી હતી. ત્યારબાદ જનરલ પૂર્ણ કરવામાં આવી હતી.
બહુમતીના જોરે વિરોધપક્ષનો અવાજ દબાવવાની વૃત્તી ભાજપ શાસીત બોર્ડમાં વર્ષોથી ચાલી આવે છે. એજન્ડાની ચર્ચા બાદ સાંભળવામાં આવશે તેવુ દંડકે જણાવી વિરોધપક્ષને રજુઆત કરવાનો મોકો નહી આપી છેતર્યો હતો. જનરલ બાદ વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારીએ રોષ વ્યક્ત કર્યો હતો કે, ભાજપનુ શાસન બહુમતીના મદમાં સત્તાના જોરે શહેરના હિતની વાતો સાંભળવા માગતા નથી. અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ચાલે છે. ત્યારે પશુ દવાખાના સામેની લાઈનમાં વર્ષોથી દુકાનોનુ ભાડુ લેવાતુ નથી. જે ભાડુ લેવા વેપારીઓની રજુઆત હતી. ત્યારે ભાજપના બોર્ડને વેપારીઓના હિતની પડી નથી. પ્રિ-મોન્સુન પ્લાનમાં દેળીયુ તળાવ ભરવા અત્યારથી પાણીના આવરા સાફ કરવા જરૂરી છે. પરંતુ ભાજપના બોર્ડને આવા મુદ્દાઓની ચર્ચા કરવાનો સમય નથી. પાલિકા દ્વારા રૂા.૬૦ લાખના ખર્ચે ચાર ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન ખરીદવામાં આવ્યા છે જે કામ આપતા નથી. ત્યારે મોટા કમિશનની લાલચમાં મશીનના બીલ ચુકવવાની પેરવી કરી મોટુ કૌભાંડ કરવાની તજવીજ ચાલી રહી છે. જે મશીનોનુ બીલ ચુકવી શકાય નહી. પાલિકા ભવનની જગ્યાની કાર્યવાહી ખોરંભે પડી છે તે કામ કેટલે આવ્યુ. આઉટ શોર્સીંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના બીલનો ખર્ચ કેટલો આવે છે, કેટલુ બીલ આવે છે. ૧૮ વર્ષથી જુના કર્મચારીઓને કાયમી કરવા વિગેરે મહત્વના મુદ્દાની ચર્ચામાં હતા ત્યારે પાલિકાના સત્તાધિશો શહેરના પ્રશ્નો અને વિકાસની વાત સાંભળવા તૈયાર નથી. દર વખતે બે મીનીટમાં જનરલનુ કામ અટોપી લેવામાં આવે છે ત્યારે વીડીયો રેકોર્ડીંગ સાથે જનરલ થાય તેવી કલેક્ટર તથા આર.સી.એમ.માં રજુઆત કરવાનુ પણ જણાવ્યુ હતુ.

આગામી જનરલ વીડીયો રેકોર્ડીંગ સાથે કરવામાં આવે તેવી કલેક્ટર અને આર.સી.એમ. સમક્ષ વિરોક્ષપક્ષ રજુઆત કરશે

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us