Select Page

વાલમ શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ માટે રૂા.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

વાલમ શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ માટે રૂા.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી

ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ મંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માન્યો

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કારણે વિસનગર તાલુકાને સરકારની વિવિધ યોજનાઓનો લાભ થઈ રહ્યો છે. સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના નાના મોટા દેવસ્થાનોના વિકાસ માટે રૂા.૩૭.૮૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી હતી. જેમાં વાલમ ગામના પૌરાણીક શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ માટે રૂા.૫ કરોડની મંજુરી મળતા મંદિરના ટ્રસ્ટીઓ તથા ગ્રામજનોએ કેબીનેટ મંત્રીનો આભાર માન્યો હતો.
રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રાજ્યના અલગ અલગ ટ્રસ્ટો તથા સંસ્થાઓ દ્વારા નાના મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી. જે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં મુખ્યમંત્રીએ ગ્રામ્ય કક્ષાના ૧૬ નાના મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂા.૩૭.૮૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી હતી.
વિસનગર તાલુકા માટે આનંદની વાત છેકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વાલમ ગામના શ્રીકૃષ્ણ મંદિરના વિકાસ માટે રૂા.૫ કરોડની માતબર રકમની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. સામાન્ય વિકાસ સીવાયની ગ્રાન્ટોનો વિસનગરને ક્યારેય લાભ મળ્યો નથી. પરંતુ હવે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હોદ્દાનો લાભ શહેર તાલુકાને મળી રહ્યો છે. વાલમ ગામના અને વિસનગર તાલુકા સરપંચ એસો.ના પૂર્વ પ્રમુખ તેમજ વાલમ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલે જણાવ્યુ છેકે, ગામમાં શ્રીકૃષ્ણનુ ૭૦૦ થી ૮૦૦ વર્ષ જૂનુ પૌરાણીક મંદિર આવેલુ છે. પથ્થરની કોતરણીવાળુ મંદિરમાં દ્વારકાની મૂર્તિ જેવી ભગવાનની પ્રતિમા છે. પૌરાણીક મંદિર જીર્ણ થયુ હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો દ્વારા મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં મંત્રીશ્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. મંદિરના વિકાસ માટે મંત્રીશ્રીના પ્રયત્નોથી રૂા.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. પૌરાણીક મંદિરનો વિકાસ થશે તેની સાથે દર્શનાર્થીઓનો ઘસારો વધતા ગામનો પણ એટલોજ વિકાસ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં તાલુકા કક્ષાના નાના વાલમ ગામને જે સ્થાન મળ્યુ છે તે ખુબજ મહત્વનુ છે. મંદિરના વિકાસ માટે માતબર રકમ ફળવાતા વાલમ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૈધ્ધાંતિક મંજુરી મળતા મંદિરના ટ્રસ્ટીઓ તથા ગ્રામજનોએ મંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માન્યો છે.
મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના ૪ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા ૭.૪૫ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ ૪ તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ શ્રી ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે મહેસાણા જિલ્લાના ૬ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. ૧૫.૬૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેમાં વિસનગર તાલુકાના વાલમ ગામના શ્રીકૃષ્ણ મંદિર ઉપરાંત્ત આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ શ્રી ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર અને કડી ખાતે આવેલ શ્રી દશામા મંદિરનો સમાવેશ થાય છે.
બેઠકમાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રી ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. ૪.૦૯ કરોડની, પાટણ જિલ્લામાં સમી તાલુકાના વરાણા મુકામે આવેલ શ્રી ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા ૪.૪૮, રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રી ખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૧.૬૪ કરોડની, અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ શ્રી રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૧.૩૦ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૪૭.૫૭ લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૨.૭૦ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us