Select Page

ભ્રષ્ટાચાર સાબીત કરો તો રાજનીતિ છોડવા તૈયાર-કેબીનેટ મંંત્રી ઋષિભાઈ

દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિના સન્માન સમારોહમાં પશુપાલકો ઉમટ્યા

મહેસાણા દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ દ્વારા તા.ર૪-૪ ને રવિવારના રોજ સાંજે -૬-૩૦ કલાકે વડનગર રોડ ઉપર આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિશાળ પ્લોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ અને જીલ્લા પ્રભારી કૌશલ્યાકુંવરબા, પુર્વ કલેકટર અને પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલ, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તથા ભાજપ નેતા જયરાજસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ડીરેક્ટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ચૌધરી, રબારી, ઠાકોર, પટેલ સમાજના દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દૂધ સાગર ડેરીની ચુંટણીના મુદ્દે મહેસાણા જીલ્લામાં ચૌધરી સમાજના ગામોમાં ઠેર-ઠેર સભાઓ યોજી વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. જેમાં વિપુલભાઈ ચૌધરીએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી તેમના રાજીનામાની માંગણી કરતા મહેસાણા જીલ્લામાં દૂઘનું રાજકારણ ગરમાયુ છે. વિપુલભાઈના આક્ષેપોને લઈને મહેસાણા દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ગત રવિવારના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે અશોકભાઈ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન છે. પણ તેઓ દૂધ ઉત્પાદક નથી. જેના કારણે તેઓ આ કાર્યક્રમ સાંજના સમયે વહેલા કરવા માંગતા હતા. ત્યારે મે તેમને કહ્યુ કે દૂધ ઉત્પાદકો દૂધ લીધા પછી જ આવશે એટલે કાર્યક્રમ વહેલો ન કરાય. અશોકભાઈ પાસે કદાચ ચાર-પાંચ ગાય-ભેંસ હોય તો તેમને પશુપાલકની સ્થિતિની ખબર ન હોય. મારી પાસે ૭૦૦ ભેંસ અને ૧૦૦ ગાયો છે. ગાય-ભેંસ નાના બાળક જેવી જીદ્દી હોય છે. એટલે તેની માવજત કેવી રીતે કરવી તેની મને ખબર છે. દોહનારી બહેનો પોતાના બાળકની જેમ ગાય-ભેંસની સાર સંભાળ અને પ્રેમ આપતા હોઈ ડેરીમાં વધુ દૂધ જમા કરાવે છે. ગાય-ભેંસને ડાયાબિટીસ થાય અને મોતીયો પણ આવે. ગાય-ભેેંસને સંગીત પણ સંભાળાવાય. ગાય-ભેંસની માવજત કરવાથી દૂધનું ઉત્પાદનવધે છે. કોઈ માણસ જયારે ગાય-ભેંસને ચારો આપે અને તેના કપાળ ઉપર હાથ મુકે ત્યારે તેને શું અનુભવ થાય તે દૂધ ઉત્પાદકને ખબર હોય. જેથી ડેરીના ચેરમેન બનવા માટે ૧૦૦થી ર૦૦ ગાય-ભેંસ હોવી જોઈએ તેવો નિયમ બનાવવો જોઈએ. જયારે દૂધ સાગર ડેરીના વહીવટની વાત કરતા જણાવ્યુ હતુ કે પહેલા બીજા જીલ્લાની ડેરીઓ કરતા આ ડેરીમાં દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળતો હતો. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી તથા અશોકભાઈ ચૌધરીએ ભેગા મળી ડેરીમાં વર્ષોથી ગોટાળા કરતા લોકોને ઘર ભેગા કર્યા છે. ડેરીના ચેરમેન અશોકભાઈના વહીવટમાં દૂધના ભાવમાં વધારો થયો છે. ડેરીએ રૂા. ર૦૦ કરોડ નફો કર્યો છે અને ૧૦૦૦ કરોડ ટર્નઓવર વર્ષમાં વધ્યુ છે. અત્યારે ડેરીના પારદર્શક અને કરકસરયુક્ત વહીવટથી દૂધ ઉત્પાદકોને ફાયદો થઈ રહ્યો છે. ડેરીએ રૂા. ર૩૮ કરોડ જેટલી લોન ભરપાઈ કરી છે. અશોકભાઈ ચૌધરીના પારદર્શક અને કરકસરયુક્ત વહીવટથી આગામી દિવાળીમાં ડેરીના ૬૦ વર્ષના ઈતિહાસમાં કયારેય ફાયદો ન થયો હોય તેવો દૂધ ઉત્પાદકોને ફાયદો થવાનો છે. વધુમાં પ્રદેશ પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારે મહિલાઓને ઉત્કર્ષ માટે અમલમાં મુકેલી યોજનાઓની પ્રશંસા કરી આવનારી ચુંટણીમા કોઈની વાતોમાં નહી આવતા અપીલ કરી હતી. જયારે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સૌ પ્રથમવાર દૂધ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીનું નામ લીધા વગર ભ્રષ્ટાચારના મુદ્દે આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે દૂધસાગર ડેરીની ચુંટણીમાં મેં દૂધ ઉત્પાદકોના હિતમાં મારી ફરજ બજાવી છે. હુ ધારાસભ્ય બન્યો ત્યારથી તાલુકાની જનતા માટે સતત કામ કર્યુ છે. ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવાનું તથા તળાવો ભરવાનું કાર્ય કર્યુ છે. જો મેં મારી ફરજ બહારનું કોઈ કામ કર્યુ હોય તો તે મારી દોહનારી બહેનો માટેનું કર્યુ છે. દૂધસાગર ડેરીના સ્થાપક સ્વ. માનસિંહભાઈ તથા સ્વ.મોતીભાઈ ચૌધરીના વહીવટીની જેમ અગાઉના સત્તાધિશો વહીવટ કર્યો હતો તો આજે મહેસાણા દૂધ સાગર ડેરીએ બનાસ ડેરી કરતા ઘણી પ્રગતિ કરી હોત. વિપુલભાઈએ ચૌધરી સમાજમાં ભાગલા પાડવાનુ કામ કર્યુ છે. જેને દૂધસાગર ડેરીમાં ૧૦૦૦ કરોડનુ કૌભાંડ કર્યુ છે તે મારૂ રાજીનામું માંગી રહ્યા છે. ડેરીમાં કૌભાંડ કરનારે રાજીનામું આપવાની જરૂર હતી. જે લોકોએ મારા તથા મારા દિકરા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તે ખોટા છે.
જે લોકો મારા ઉપર કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરી બતાવે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહી પણ રાજનિતિ છોડવા તૈયાર છું. હું પૈસા કમાવવા રાજનિતિમાં નથી આવ્યો. પ્રજાની સેવા કરવા માટે આવ્યો છું. મારા માટે રાજનિતિ ઘર ચલાવવાનું સાધન નથી. હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારો અને સિધ્ધાંતોને જોઈને રાજનિતિમાં આવ્યો છું.
વધુમાં મંત્રીશ્રીએ વિપુલભાઈ ચૌધરીનું નામ લીધા વગર આડકતરી રીતે જણાવ્યુ હતુ કે જે વ્યક્તિ પોતાના વતન ચરાડાની જગ્યાએ ખેરાલુમાં ડેરીની ચુંટણી લડવા આવ્યા હતા તે મને બહાર(કહોડા)નો કહી રહ્યા છે. ચૌધરી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરી તથા અમિતભાઈ ચૌધરીએ સમગ્ર ચૌધરી સમાજનું ભલુ કર્યુ છે. કાચના ઘરમાં રહેવાવાળાએ સિમેન્ટના ઘરમાં રહેવાવાળાના ઘર ઉપર પથ્થરના મારવા જોઈએ. વિપુલભાઈ ચૌધરીએ ડેરીને દોહવાનું કામ કર્યુ છે.
જયારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે છેલ્લા દશ વર્ષ પછી મહેસાણા દૂધસાગર ડેરી નફો કરતી થઈ છે. વર્ષે ર૦૦ કરોડ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થયો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી સસ્તુ સાગરદાણ દૂધ સાગર ડેરી આપી રહી છે. પશુપાલકોના અતુટ વિશ્વાસથી આ વર્ષે આશરે ૩ લાખ લીટર દૂધમાં વધારો થયો છે અને રૂા. ૧૦૦૦ કરોડ જેટલુ ટર્ન ઓવર વધ્યુ છે. ડેરીની નવી વાત ટીમના પારદર્શક અને કરકસર યુક્ત વહીવટથી પશુપાલકોને દૂધમાં સારો ફાયદો થઈ રહ્યો છે. છેલ્લા ૧પ મહિનાથી ડેરી ટનાટન ચાલી રહી છે. જયારે ઋષિભાઈનું રાજીનામું માંગવાના મુદ્દે અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ઋષિભાઈએ કંઈ ખોટું કર્યુ નથી. છેલ્લા ૧પ વર્ષથી ડેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવ્યો હતો. અગાઉના વહીવટકર્તા કુભકર્ણની જેમ ઘોર નિંદ્રામા ઉઘી રહ્યા હતા તેના કારણે પ્રથમ નંબરની દૂધસાગર ડેરી વર્ષ-ર૦ર૦માં ચોથા નંબરે પહોચી ગઈ હતી. તે વખતે ડેરીના સત્તાધિશોએ રાજીનામું આપવાની જરૂર હતી. ધારાસભ્ય અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલનું રાજીનામુ માંગવાવાળાએ ૧પ વર્ષ સુધી દૂધ ઉત્પાદકોને ભાવ ન આપ્યા. અને પોતાના મળતીયાઓને ફાયદો કરાવવા ડેરીને આર્થિક ખાડામાં નાખી. અત્યારે અમે પારદર્શક વહીવટ કરીને ડેરીનું દેવું ઓછુ કરી રહ્યા છીએ.
જયારે ડેરીના સત્તાધિશો સામે થયેલ ફરીયાદના મુદ્દે અશોકભાઈએ જણાવ્યુ હતુ કે જે લોકો કર્મચારીઓના બે મહિનાના બોનસનો પગાર ઘરે લઈ ગયા હોય તેમની શું સરકાર પુજા કરે ? ફરીયાદ તો થાય જ ને ? ડેરીના રક્ષકો જ ભક્ષકો બન્યા હતા. પણ હું મારા વહીવટમાં પશુપાલકોનું કયારેય અહિત નહી કરૂ. મારા ધોળા ઝભ્ભામાં કદી કાળો દાગ નહી પડવા દઉ. દુધસાગર ડેરીના ૬૦ વર્ષના ઈતિહાસમાં કયારેય દુધ ઉત્પાદકોને ફાયદો ન થયો હોય તેવો ફાયદો દિવાળી ઉપર કરવાના છીએ. સ્વ. માનસિંહભાઈ અને સ્વ. મોતીભાઈના આદર્શોને પગલે ચાલીને ડેરીમાં પારદર્શક અને કરકસરયુક્ત વહીવટ કરીશું અમે કયારેય દૂધનો ભાવ ઘટવા નહી દઈએ. હું અને સમગ્ર મારી ટીમ પારદર્શક વહીવટ કરીને દૂધસાગર ડેરીને વિશ્વ ફલક ઉપર ફરી લઈ જઈશું તેની ખાત્રી આપું છું.
આ કાર્યક્રમમાં ભાન્ડુ સરપંચ કલ્પેશભાઈ પટેલ (ગોપીભાઈ), કાંસા એન.એ. પંચાયતના સભ્ય દિલીપભાઈ પટેલ (ચેતનભાઈ બેટરી) તથા કોંગ્રેસના અન્ય કાર્યકરો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. જેમને વાલમના અગ્રણી અને એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

• અશોકભાઈ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન છે પણ દૂધ ઉત્પાદક નથી. કદાચ ચાર-પાંચ ગાય-ભેંસ હોય તો તેમાં શું લેવાનુ. જેથી ડેરીના ચેરમેન બનવા ૧૦૦થી ર૦૦ ગાય-ભેંસ હોવી જોઈએ તેવો નિયમ બનાવવો જોઈએ-પ્રદેશ ભાજપ અધ્યક્ષ-સી.આર.પાટીલ
• જે લોકો મારા ઉપર કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરી બતાવે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું નહી પણ રાજનિતિ છોડવા તૈયાર છું

• હું પૈસા કમાવવા રાજનિતિમાં નથી આવ્યો પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જેમ પ્રજાની સેવા કરવા આવ્યો છુ-કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ
• મારા વહીવટમા પશુપાલકોનું કયારેય અહીત નહી થવા દઉં. મારા ધોળા ઝભ્ભામાંં કદી કાળો દાગ નહી પડવા દઉં. ડેરીના ૬૦ વર્ષના ઈતિહાસમાં કયારેય દૂઘ ઉત્પાદકોને ફાયદો ન થયો હોય તેટલો ફાયદો દિવાળી ઉપર કરવાના છીએ-અશોકભાઈ ચૌધરી

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts