ખેરાલુ-સતલાસણા તાલુકામાંથી સેંકડો ટ્રેકટરો સાથે ગાંધીનગર કુચ કરશે
વર્ષોથી સિંચાઈના પાણી મુદ્દે તરસતા ખેડુતો એક થઈને ૬ જુને……
ખેરાલુ – સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણીના મુદ્દે છેલ્લા ૧૦ વર્ષથી સમસ્યા દીન પ્રતિદિન વધતી જ જાય છે. સરકાર દ્વારા ખેરાલુ વિધાનસભાના ખેડુતોની ઉપેક્ષા કરતી હોય તેમ કાર્યવાહીઓ કરે છે. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખેરાલુ વિધાનસભામાં ખાસ દેખરેખ રાખી રહ્યા છે ત્યારે હવે ખેડુતોને સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી. ખેરાલુ વિધાનસભાના ૪૪ ગામો સિંચાઈના પાણીના મુદ્દે તરસી રહ્યા છે. જેથી હવે ખેડુતો એ ગામે ગામથી ગાંધીનગર ટ્રેકટરો સાથે કુચ કરવા મામલતદારશ્રીની પરમિશન માંગી છે.
પરમિશનની માંગણીના પત્રમાં ખેડુતોએ શું માંગણી કરી છે તે જોઈએ તો છેલ્લા દસ વર્ષમાં સીંચાઈના પાણીના મુદ્દે સ્થાનિક નેતાઓ અને પ્રશાસનને વારંવાર વિનંતી કરવા છતા કોઈ હલ નીકળ્યો નથી. બાઈક રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં શાંતિ અને શિસ્તબધ્ધ બાઈક રેલી દ્વારા આવેદન પત્ર અપાયુ હતુ. જેમા સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ખેડુતોને સરકાર કે તેના નેતાઓ ઉપર ભરોસો નથી. જેથી દરેક ગામ દીઠ પ૦ ઉપરાંત ટ્રેકટરો સાથે ખેડુત ભાઈ બહેનોને ગાંધીનગર ખાતે રેલી કાઢવા મંજુરી આપવા વિનંતી કરી છે. રેલીમાં પુરતી શિસ્ત, શાંતિ, ગાંધી ચિંધ્યા માર્ગે, સરકારી સંપત્તિ કે કોઈ વ્યક્તિ કે વસ્તુને નુકશાન કર્યા વગર ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ અને ધરણા કરાશે. ખેડુતો ઉપર દમન થશે કે કોઈ અઘટીત ઘટના બનશે તો તેના માટે પ્રશાસન જવાબદાર રહેશે.
ગાંધીનગર ધરણા કેમ ? ધરોઈ થી ૧પ કી.મી. દુર ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમ ખાલી પડયા છે. ધરોઈ થી અડધુ ઉત્તર ગુજરાત પાણી પીવે છે. સરકાર નર્મદાથી ગુજરાત- રાજસ્થાન તરબોળ કરી શકે તો ખેરાલુ- સતલાસણાના ગામો કુવા કાંઠે તસ્યા કેમ ? ધરોઈ ડેમ સુધી નર્મદા પાઈપ લાઈનો પહોંચી છે. પમ્પીંગ સ્ટેશનો, વિજળીની સુવિધા છે. પ્રશાસન ધારે તો ૩૦ દિવસમાં જળાશયો છલકાઈ શકે તેમ છે. તો ખેડુતો કેમ પરેશાન છે ? ખેડુતો ને કેમ પછાત રાખવામાં આવ્યા છે ? ખેડુતો ઉગ્ર બને અને હિંસક બને તેની રાહ જોવાય છે ? ખેડુતોની શક્તિ હતી ત્યાં સુધી સરકાર પાસે માંગણી કરી નથી ૮૦ ના દાયકમાં મશીનોથી કુવા ઉપર પાણી ખેંચ્યા, ૯૦ ના દાયકામાં ર૦૦થી ૩૦૦ ફુટના બોર બનાવ્યા. ર૦૦૦ની સાલમાં પ૦૦ ફુટે બોર બનાવ્યા. છેલ્લા દસકામાં ૭૦૦-૮૦૦ ફુટે પણ પીવાનું પાણી જ નીકળે છે. જેમાં એક-બે વિઘા થી વધારે ખેતી થતી નથી. બોર બનાવવાનો ખર્ચ ૧૦ લાખ આવે છે. છતા ખેડુતો બોર બનાવે છે પરંતુ બોર ફેઈલ જાય ત્યારે ? ખેડુતો દેવામા ફસાય છે. ખેડુત આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. સરકાર કોઈ મોટા આંદોલનની રાહ જોઈ રહી છે ? ખેડુતો બલીદાન આપે તેની રાહ જોવાય છે ? ચિમનાબાઈ સરોવર એકવાર ભરાય તો ર૦ ગામોના બોર કુવા જીવંત થઈ જાય, હાલ જે ૪૦ થી પ૦ હોર્સ પાવરની મોટરો વાપરે છે તે માત્ર ૧૦ હોર્સ પાવરની થઈ જાય. આ બાબતનો સર્વ કરવામા આવે તો ખેરાલુ -સતલાણસા તાલુકાના ૭૦ ગામોમાં રોજની ૭૦ હજાર હોર્સ પાવરની બચત થાય તેમ છે. તળાવો ભરાય તો ખેડુતો સુખી અને સરકારનો વિજ વપરાશ પણ ઓછો થાય. ખેતીની જમીનો પાણી વગર પડી રહી છે. ખેડુતોની વાત બાબતે સચિવાલયના અધિકારીઓ તાલુકાના ગામોની મુલાકાત લે અને આંખે દેખ્યો અહેવાલ સરકારને આપે. તાલુકા જિલ્લાના અધિકારીઓ તેમજ સામાજીક આગેવાનો અને પદાધિકારીઓ આ બાબતની નોંધ લે. સરકારની આંખ ખોલે, ખેડુતોનું જળ આંદોલન હવે જન આંદોલન બનતા વાર નહી લાગે. આંદોલન સ્વયંમભુ છે. આની પાછળ કોઈનો હાથ નથી. આગેવાનો વિચારે કોઈ હલ નહી નિકળે તો છઠ્ઠી જુને ગાંધીનગર ખાતે અમારી ખેડુત શક્તિના દર્શન કરવા આવી જજો. જો ટ્રેકટરોને લઈ જવાની મંજુરી નહી મળે તો પણ ખેડુતો ગાંધીનગર જવાના તો છે જ. ખેડુતો સાથે સરકાર સમાધાન કરી યુધ્ધના ધોરણે કાર્યવાહી નહી કરે તો ખેરાલુ વિધાનસભા કોંગ્રેસની બનતા કોઈ રોકી શકે તેવુ લાગતુ નથી.
દિલ્હી બોર્ડર ઉપર પંજાબના ખેડુતોએ જે રીતે આંદોલન કર્યુ તેવી જ રીતે ખેરાલુ તાલુકાના ૪૪ ગામોમાં ખેડુતો ટ્રેકટરો સાથે રેલી કાઢશે