Select Page

ખેરાલુ વિધાનસભાના ૪૦ ગામના ખેડૂતોની સાચી માગણી સરકારે સ્વીકારી

પાણી વગર ટળવળતા ખેડૂતોના આંદોલનનો સુખદ અંત

ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ૪૦ ગામના ખેડુતો દ્વારા પાણી નહી તો મત નહીના મંત્ર સાથે છેલ્લા અઢી મહિનાથી આંદોલન શરૂ કર્યુ હતુ. ખેડુતોની વાત સરકાર સુધી ન પહોંચતા ખેડુતો ધીરે ધીરે આક્રમક કાર્યક્રમો કરતા હતા. જેમાં સુદાસણાથી શરૂ થયેલી બાઈક રેલીની સંખ્યા જોઈને સરકાર ખેડુતો સાથે સમાધાન કરવાનું માધ્યમ શોધવાનું શરૂ કર્યુ હતું. ૬ જુન ના રોજ ખેડુતો ટ્રેકટર રેલી દ્વારા ગાંધીનગર પહોંચવાના હતા ત્યારે ૪-૬-ર૦રરના રોજ પાટણ જિલ્લા પ્રભારી ગોંવિદભાઈ પટેલ અને ખેરાલુ વિધાનસભા પ્રભારી જે.એમ.ચૌહાણ દ્વારા પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, જિલ્લા યુવા ભાજપ મંત્રી અજય બારોટ દ્વારા પોલીસનો સંપર્ક કરી ખેડુત આગેવાનો સાથે મિટીંગ કરી હતી. ખેડુત આગેવાનોની સાચી વાત સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મિટીંગનું આયોજન ધારાસભ્ય અજમલજી ઠાકોર તથા પ્રદેશ ભાજપ અગ્રણી જયરાજસિંહ પરમાર દ્વારા કરાયુ હતુ. જેમા ખેડુત પ્રતિનિધિ મંડળ સાથે રૂબરૂ ચર્ચા કરી પાણીની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવા ખાત્રી અપાઈ હતી.
ખેરાલુ તાલુકાના ૪૦ ગામના ખેડુતોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર પહોચ્યુ હતુ. જેમાં ધારાસભ્ય અજમલજી ઠાકોર, પ્રદેશ અગ્રણી જયરાજસિંહ પરમાર, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી, નિવૃત ડી.વાય.એસ.પી.એમ.ડી. ચૌધરી, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ પણ જોડાયા હતા. ૬-૬-ર૦રરના રોજ ખેડુત આગેવાનો સૌથી પહેલા પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને મળ્યા હતા. ત્યારબાદ ખેડુત આગેવાનો પૈકી ૧૦ આગેવાનોને મુખ્યમંત્રી મળવા જવાનું હતુ પરંતુ ખેડુતો ૪૦ થી ૪પ હતા જેથી જયરાજસિંહ પરમાર તથા ધારાસભ્ય અજમલજી ઠાકોરે વિનંતીથી તમામ આગેવાનો સાથે મિટીંગનુ આયોજન કરાયુ હતુ. મુખ્યમંત્રી સાથે ૪૦ મિનિટ સુધી ચાલેલી મિટીંગમાં ખેડુત આગેવાનો વતી નિવૃત્ત નાયબ ઈજનેર વિષ્ણુભાઈ મેવાડાએ કરેલી રજુઆતને મુખ્યમંત્રી અને સિંચાઈમંત્રીએ સાંભળી હતી. જેમાં સરકાર પાંચ વિષય ઉપર ચર્ચા થઈ હતી.જેનો તાત્કાલિક અમલ કરવાની સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના અપાઈ હતી.
પાંચ મુદ્દાની ચર્ચા જોઈએ તો (૧) ધરોઈ ડેમ આધારીત રૂા.૧૩૧ કરોડની યોજના વહેલી તકે પુર્ણ કરવા તેમજ સૌ પ્રથમ ધરોઈથી વરસંગ તળાવ સુધી પાઈપ લાઈન પુર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઈ જેથી વરસંગ અને ચિમનાબાઈ સરોવરમાં પાણી આપી શકાય (ર) રસુલપુર પંપીંગ સ્ટેશનની મશીનરીનો વિજલોડ પુરતો ન હોવાથી પુરતુ પંપીંગ થઈ શકતુ નથી જેથી વિજલોડ વધારવા અધિકારીઓને સુચના અપાઈ જેથી પુરી ક્ષમતાથી કુડા ફિડર તથા ચિમનાબાઈ સરોવરમાં પાણી આપી શકાય. (૩) ધરોઈ ડેમમાંથી ખેરાલુ અને સતલાસણા તાલુકા વિસ્તાર માટે પાણીનો જથ્થો સુનિશ્વિત કરવાની જોગવાઈ કરવાની દરખાસ્ત બનાવવાની અધિકારીઓને સુચના આપવામાં આવી. આ સંદર્ભમાં ખેડુત પ્રતિનિધિઓ દરખાસ્ત લઈને ગાંધીનગર રૂબરૂ મળવા જશે અને સિંચાઈ મંત્રીને દરખાસ્ત મોકલી અપાશે. આ દરખાસ્ત મંજુર કરવાની પ્રક્રિયા બાબતે કેબિનેટ મિટીંગમાં ચર્ચા કરવાની ખાતરી આપી હતી. (૪) ઝડપથી પાણી આપવા નર્મદા નિગમ પાસેથી પુરતો પાણીનો જથ્થો મેળવી ચિમનાબાઈ સરોવરથી પશુઓ માટે પાણી પહોચાડવા કેબિનેટ મિટીંગમાં ચર્ચા કરાશે અને ચોમાસાના ચાર મહિનામાં ર૦૦ ક્યુસેક ક્ષમતાથી પાણી આપવામાં આવશે. જેથી ચોમાસામાં ચિમનાબાઈ સરોવર ર૪ ફુટ સુધી જળવાઈ રહે (પ) ડાવોલ, ડાલીસણા અને વરેઠા ત્રણેય ગામોના તળાવો ભરવા પાઈપ લાઈન યોજના ઝડપથી પુર્ણ કરવાની ખાતરી આપી અધિકારીઓને સુચના અપાઈ હતી.
પાંચ મુદ્દાની ખાતરી, સુચનાઓ અને જોગવાઈઓમાં ઘટતુ કરવા રાજ્ય સરકારે તૈયારી દર્શાવતા જે માટે ખેડુતોએ સાત દિવસ રાહ જોવાની રહેશે. ત્યાર બાદ જરૂરીયાત પડે તો આંદોલનનો આગળનો કાર્યક્રમ ખેડુતો દ્વારા નક્કી કરાશે. ત્યાં સુધી ખેડુતોએ જળસંચય અને વૃક્ષારોપણ ક્ષેત્રમાં કામગીરી કરવાની રહેશે. મિટીંગ એકદમ વિશ્વાસ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાઈ હતી જેનાથી ખેડુતોમાં ખુબ જ આનંદ જોવા મળતો હતો. ખેડુત આંદોલન સંપુર્ણ સફળ રહ્યુ કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts