Select Page

હાઈવેની સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો કહેર

ગેલેક્સી સુપર બંગ્લોઝ તથા સંસ્કૃતિ બંગ્લોઝમાં ચોરી

વિસનગરમાં દર બે-ત્રણ મહિને હથિયારો સાથે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકતા હાઈવે ઉપરની સોસાયટીઓમાં ચોરીનો ભય ફેલાયો છે. મહેસાણા રોડ ઉપરની બે સોસાયટીમાં એક જ રાત્રે આ ટોળકીએ મકાનોમાં ચોરીનો અંજામ આપ્યો છે. ચોરીનો ભોગ બનેલ મકાન માલિકોએ જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં હાઈવે ઉપરની અને છેવાડાની સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો કહેર વર્તાઈ રહ્યો છે. મહેસાણા રોડ ઉપરની ગેલેક્સી સુપર બંગ્લોઝ ૯ નંબરના મકાનમાં રહેતા સંજયકુમાર કાન્તીલાલ પટેલ મકાન બંધ કરી રાત્રે પરિવારની સાથે વરંડામાં સુતા હતા. સવારે ઉઠીને ઘરમાં જતા વેરણછેરણ પડ્યુ હતુ. લાકડાના ફર્નિચરનુ કબાટ ખુલ્લુ હતુ. તપાસ કરતા કબાટમાંથી રૂા.૬૦,૦૦૦/- રોકડની ચોરી થઈ હતી. ગેલેક્સી બંગ્લોઝમાં થયેલી ચોરીની ચર્ચા વચ્ચે મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિર પાસે આવેલ સંસ્કૃતિ બંગ્લોઝના એ-૨૧ નંબરના મકાનમાં પણ ચોરી થઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ. મકાન માલિક સદુથલાવાળા વસંતભાઈ બળદેવભાઈ પટેલ મકાન બંધ કરીને રાત્રે વરંડામાં સુતા હતા. જે સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ઘરમાં ઘુસીને તિજોરીમાંથી અઢી તોલાની સોનાની બે બંગડી, બે તોલાનુ મંગળસુત્ર તથા રૂા.૨૫,૦૦૦/- રોકડની ચોરી કરી હતી.
બન્ને મકાનમાં ચોરીની એકજ ટેકનિક અપનાવી હતી. મકાનના પાછળની બાજુની લોખંડના આડા સળીયાવાળી ગ્રીલ તોડીને ચોરો મકાનમાં ઘુસ્યા હતા. ચોરી દરમ્યાન અવાજ થાય તો લોકો ઘરની બહાર ન નિકળી જાય તે માટે આસપાસના મકાનના દરવાજાને બહારથી નકુચો મારી દેવામાં આવ્યો હતો. બન્ને સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ત્યારે ચડ્ડી બનિયાનધારી ટોળકી હથિયારો સાથે સોસાયટીમાં ફરતા તથા મકાનોની અંદર ઉતરતા ફુટેજમાં જોવા મળ્યા છે.
નોધપાત્ર બાબત છેકે ગત દિવાળીમાં મહેસાણા રોડ ઉપરની ગેલેક્સી બંગ્લોઝમાં ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યા હતા. જેમાં એક મકાન માલિક જાગી જતા ચોરો નિકળી ગયા હતા અને વિરાટ સી.એન.જી.પંપમાં રોકડ ચોરી કરી હતી. ત્યારબાદ થલોટા રોડ ઉપરની સોસાયટીમાં પણ ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યા તે સીસીટીવી ફુટેજમાં કેદ થયા હતા. પોલીસ સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવાની સુચના આપે છે. સોસાયટીઓ સીસીટીવી કેમેરા લગાવે છે પરંતુ ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી ફૂટેજમાં કેદ થવા છતા પોલીસ પકડી શકતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us