Select Page

ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરીએ-જિલ્લા કલેક્ટર

જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર “હર ઘર તિરંગા” ની ઉજવણી માટે

ગુજરાતમાં આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો,ઔધોગિક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.આ માટેની એક વીડિયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવે કહ્યું કે, તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાને જાગૃત કરવામાં આવશે. તેમણે જિલ્લાના કલેક્ટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે આ અંગેના આયોજન અંગેની સઘન ચર્ચા કરી હતી.
મહેસાણા જિલ્લામાં પણ તે જ રીતે ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર તિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરીએ. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે તેમાં મહેસાણા જિલ્લા નાગરિકો પણ પૂરા ઉત્સાહ સાથે તે સહભાગી થશે.મહેસાણા જિલ્લામાં પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો સહિત વિવિધ તમામ જગ્યાએ ૧૩ થી ૧૫ ઓગષ્ટ ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવી માં ભારતીનું સર ઉન્નત કરીએ.
આ ઉજવણી માટે રાજ્ય સરકાર ભારત સરકારે નિશ્ચિત કરેલી એજન્સી મારફતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવનાર છે. જિલ્લાની શાળાઓમાં આઝાદી વિશે, ભારતના આઝાદીના લડવૈયાઓ વિશે, આઝાદીના માનબિંદુઓ વિશે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે પ્રભાત ફેરી જેવાં આયોજનો દ્વારા દેશ પ્રત્યેના ભાવને પ્રગટ કરવાનો આ અવસર બની રહે તેવાં આયોજનો કરવામાં આવ્યાં છે તેની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’’ની ઉજવણી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે. આ બેઠકમાં થયેલાં આયોજન મુજબ ગુજરાતમાં એક કરોડથી વધુ ઘરો ઉપર તિરંગો લહેરાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો સહિતના સાર્વજનિક સ્થળો ઉપર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવાશે. જ્યારે રાજ્યમાં ૫૦ થી વધુ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રો, ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવાં જાહેર સ્થળો પરથી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરિકો કરી શકશે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની સૂચના મૂજબ કરવામાં આવી રહી છે, તેની વિગતો પણ આ બેઠકમાં આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર ઘર તિરંગાની ઉજવણી માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઇ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us