
ધરોઈ કેનાલ નં-૨માં ઉનાળુ પાણમાં ખેડૂતો છેતરાયા
ઉનાળુ પાણ મળશે તેવી આશાએ ઘાસચારાનુ કરેલ વાવેતર સુકાવાનો ભય
- કેનાલ રીપેરીંગ કરવાના બહાને તા.૧૩-૩-૨૩ થી પાણી બંધ કર્યુ ત્યારે તા.૨૮-૩ સુધી કોઈ રીપેરીંગ કામ કર્યુ નથી
ધરોઈ ડેમ ૧૦૦ ટકા ભરાયો હોવાથી ઉનાળુ પાણ મળશે તેવી આશાએ ખેડૂતોએ ઢોર ઢાંખરના આહાર માટે ખર્ચ કરી વાવેતર કર્યુ હતુ. પરંતુ કેનાલ રીપેરીંગના બહાને કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ધરોઈ કેનાલ નં.૨ ના લાભાર્થી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર સુધી ખેડૂતોના હિતમાં અવાજ પહોચાડી શકે તેવુ નવુ સંગઠન બનાવવા માટે પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ ખેડૂતો ચૌધરી સમાજના હોવાથી વિસનગરના ધારાસભ્ય તેમજ સરકાર ગણકારતી નહી હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે.
ધરોઈ કેનાલના વડનગરથી વિસનગર નં.૨ કેનાલમાં ઉનાળુ સીઝનમાં બે પાણ આપવા માટે ગુંજા ગામના ચૌધરી સમાજના ખેડૂતો દ્વારા પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા, વિસનગર ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, તથા સીંચાઈ સહકારી સંઘ વિસનગરના પ્રમુખ જશુભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ સંદર્ભે ગુંજા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મહાદેવભાઈ માનસંગભાઈ ચૌધરીએ જણાવ્યુ છેકે, ગત વર્ષે ધરોઈ ડેમ ૧૦૦ ટકા ભરાયો હતો. જેથી ઉનાળુ સીઝનમાં પાણી મળશે તેવી આશાથી બધાજ ખેડૂતોએ શીયાળુ સીઝનના છેલ્લા પાણમાં ચાર થી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરી ઢોર ઢાંખરના ઘાસચારાનુ વાવેતર કર્યુ હતુ. ત્યારે ઉનાળુ પાણ મળશે તેવી આશા અધિકારીઓ તથા હોદ્દેદારોના કારણે નિરાશામાં ફેરવાઈ છે. ઉનાળુ પાણ આપવા માટે તા.૧૦-૩-૨૦૨૩ ના રોજ લેખીત તથા મૌખીક રજુઆતો કરી છે છતા કોઈ જવાબ મળ્યો નથી.
કેનાલ રીપેરીંગ કરવાના બહાને તા.૧૩-૩-૨૦૨૩ ના રોજ શીયાળુ સીઝનનુ પાણ બંધ કરવામાં આવ્યુ છે. ત્યારે ૨૮-૩-૨૩ સુધી કેનાલ રીપેરીંગનુ કામ શરૂ કર્યુ નથી. આટલા સમયમાં બે નહી તો એક પાણ આપવામાં આવ્યુ હોત તો પશુઓ માટેનો ઘાસચારો સુકાતો બચાવી શકાયો હોત. પરંતુ ખેડૂત વર્ગને કંઈ રીતે હેરાન કરવો તેવી ભાવનાઓ સાથે સીંચાઈ વિભાગના અધિકારીઓ અને સીંચાઈ સહકારી સંઘના પ્રમુખ કામ કરી રહ્યા છે. આ અધિકારીઓ તથા હોદ્દેદારોને ખેડૂત વર્ગની મુશ્કેલીઓ દેખાતીજ નથી પછી ખેડૂત આપઘાત ન કરે તો શું કરે.
મહાદેવભાઈ ચૌધરીએ એ પણ જણાવ્યુ છેકે, વર્ષોથી ભાજપને મત આપ્યા છે. ખેડૂત વર્ગ સીવાય ભાજપને ૧૫૬ સીટ ન મળી શકે. ઉનાળુ બે પાણ આપ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પાણી સંગ્રહ થકી ખેડૂતોને ફાયદો કરવાનો અભિગમ ચરિતાર્થ થઈ શક્યો હોત. કિસાન સંઘ પણ ખેડૂતોના હિતમાં કંઈ બોલતો નહી હોવાનુ દુઃખ છે. ડેમમાં પાણી હોવા છતા કેનાલ રીપેરીંગના બહાને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી નુકશાન કરવામાં આવી રહ્યુ છે. ખેડૂતો એક સંપ થઈ નવુ સંગઠન ઉભુ કરી સંગઠનકર્તાને બદલી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી અવાજ પહોચાડી શકે તેવુ નિડર સંગઠન બનાવવાની લાગણી વ્યક્ત કરી છે. બધા ખેડૂતોની તાકાતથી હાલના સંગઠનને બદલી શકાય તેમ છે. દરેક ખેડૂતમાં ખુમારી હોવી જોઈએ. અત્યારે હક્ક પણ ખુમારીથી નહી પરંતુ લાચારીથી માગીએ છીએ. એક દિવસ મીટીંગ રાખી નવા સંગઠનની રૂપરેખા તૈયાર કરવાનો સમય આવી ગયો છે. સંગઠન પોતાનુ હશે તોજ કામ થશે.