Select Page

ખરવડા પ્રા.શાળાના ઓરડાની મંજુરીની ફાઈલ ૯ મહિનાથી અભરાઈએ

આઠ ઓરડાઓ જોખમી હોવાની રજુઆત કરવા છતા

વિસનગર તાલુકાની ખરવડા ગામની અનુપમ પ્રાથમિક શાળાના આઠ વર્ગખંડો ઘણા સમયથી જર્જરીત થતા શાળાના મહિલા આચાર્યએ નવિન ઓરડાઓ બનાવવા માટે નવ મહિના પહેલા વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી ત્યારે વિસનગર તાલુકા પંચાયતના એન્જીનીયરના રિપોર્ટ આધારે પેટા વિભાગ સિવિલના કાર્યપાલક ઈજનેરે શાળાના આઠ ઓરડાઓ જોખમી હોવાનું પ્રમાણપત્ર આપ્યુ હતુ. હવે સરકારનું વહીવટીતંત્ર આ શાળામાં નવિન ઓરડાઓ બનાવવાની કાર્યવાહી કેટલા સમયમાં પુર્ણ કરે છે. તેની વાલીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટેભાગે મધ્યમ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો અભ્યાસ કરે છે ત્યારે શિક્ષણનું સ્તર સુધારવાની ડંફાશો મારતી ભાજપ સરકાર આવી સરકારી શાળાઓ પ્રત્યે ઉદાસિનતા દાખવતા કેટલીય શાળાના રૂમો અત્યારે જર્જરીત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે. ભાજપ સરકારની સરકારી પ્રાથમિક શાળાઓમાં સારી સુવિધા સાથે બાળકોને શિક્ષણ આપવાની વાતો માત્ર કાગળ ઉપર દેખાય છે. ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત જોઈ ભાજપના નેતાઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા મોકલે છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવાની સલાહ આપી રહ્યા છે. જો કે અત્યારે સરકારની સુચનાથી શિક્ષણ ખાતાના અધિકારીઓએ તપાસ કરતા વિસનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓ ૭પથી ૧૦૦ વર્ષ જુની અને જર્જરીત હાલતમાં છે. જેમા વિસનગર તાલુકાના ખરવડા પ્રાથમિક શાળાના નવ વર્ગખંડો પૈકી આઠ વર્ગ ખંડો ૭પ વર્ષ જુના અને જર્જરીત હાલતમાં છે. ઓરડાની દિવાલોમાં મોટી તિરાડો પડી જતા ચોમાસાની ઋતુમાં બાળકોને બેસાડવા જોખમી હોવાનું જણાવી શાળાના મહિલા આચાર્ય ગીતાબેન ચૌધરીએ તા.૩૦-૧૦-ર૦ર૧ના રોજ વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી શાળામાં નવિન ઓરડાઓ બનાવવા માટે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ત્યારે વિસનગર તાલુકાના કાર્યપાલક ઈજનેરે આ શાળાના આઠ રૂમો જોખમી હોવાનો રિપોર્ટ આપતા હવે શાળાના ધો.૧થી ૮ના બાળકોને શિક્ષણ આપવા માટે વૈકલ્પીક વ્યવસ્થા કયા કરવી તેની તપાસ ચાલી રહી છે. જો કે વિસનગર તાલુકાની ર૪ પ્રાથમિક શાળાઓના ૧પ૧ જેટલા ઓરડાઓ બનાવવાનુ કામ છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખોરંભે પડયુ છે તો આ શાળાના ઓરડાઓ બનાવવાનું કામ કયારે પુર્ણ થશે તેવી વાલીઓને ચિંતા સતાવી રહી છે. આ શાળાના વહીવટી કુશળ મહિલા આચાર્ય, શાળાના શિક્ષકો અને એસએમસીના સભ્યોને સાથે રાખીને શાળાનો વિકાસ કરવા માંગતા હોવાથી તેમને તમામનો સારો સહયોગ મળી રહ્યો છે. જો કે જે શાળાના આચાર્ય અહંકારી, અને પોતાનુ ધાર્યુ કરવા ગમે તે રીતે શિક્ષકો અને ગામના આગેવાનોમાં આંતરિક વિખવાદ ઉભા કરી શાળાનુ વાતાવરણ ડહોળી રહ્યા છે. તેવા આચાર્ય કયારેય શાળાનો વિકાસ કરી શકતા નથી. છેવટે ગ્રામજનો પોતાના બાળકોના ભવિષ્ય માટે શાળામાં તાળાબંધી કરવા મજબુર થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts