Select Page

અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરેલા તલાટીઓની જવાબદારી થોપી બેસાડતા

પ્રાથમિક શૈક્ષણિક સંઘના શિક્ષકોનું વિસનગર ટીડીઓને આવેદન

વિસનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદોરોએ બુધવારના રોજ ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપી તલાટીઓની કામગીરી સોંપવા મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ટી.ડી.ઓએ સરકારના હર ઘર તિરંગાના અભિયાનમાં ગ્રામસભાનું સંચાલન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહયોગ આપવાની વાત કરતા શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ રાષ્ટ્ર ભાવનામાં તૈયારી બતાવી હતી. જો કે તલાટીઓની અન્ય કામગીરી નહી કરવા અડગ રહ્યા હતા.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરતા ગામડાઓમાં પંચાયતની વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. તલાટીઓની હડતાળથી ગામડાના અરજદારોના કામ અટવાયા છે. જયારે બીજી બાજુ સરકારે દેશના નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન પ્રદર્શિત થાય તેવા આશયથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે તા.૧૩-થી ૧પ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ઉપાડયુ છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા ગામેગામ ગ્રામ સભાનું આયોજન કરવા તલાટીઓને સુચના આપવામાં આવી હતી. પરંતુ તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતા તલાટીઓની કામગીરી શિક્ષકોને સોંપવામા આવતા પ્રાથમિક શૈક્ષિક સંઘે તલાટીઓની ગ્રામસભા સહીતની કામગીરી નહી કરવા શિક્ષકોને આદેશ કર્યો હતો. ત્યારે વિસનગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ચિરાગભાઈ ડી.પટેલ સહીત સંઘના હોદ્દેદારો એ બુધવારના રોજ તાલુકા પંચાયતમાં આવી ટી.ડી.ઓ. મનુભાઈ પટેલને આવેદનપત્ર આપી તલાટીઓની કામગીરી સોંપવા બાબતે વિરોધ દર્શાવી જણાવ્યુ હતુ કે અત્યારે શિક્ષકો દ્વારા શાળાઓમાં અનેક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. શાળામાં ગુણોત્સવ, એકમ કસોટીઓ, FLN બાળકોના લર્નિંગ લોસ, તેમજ ઘણા બધા પ્રકારની શૈક્ષણિક અને વહીવટી કામગીરી શિક્ષકો અને આચાર્યશ્રીઓ કરી રહ્યા છે. વધુમાં સરકારના શિક્ષણ અને અન્ય વિભાગો દ્વારા કરવામા આવેલ આશરે પ૦ જેટલા પરિપત્રોની કામગીરીના કારણે બાળકોના શિક્ષણ ઉપર તેની મોટી અસર પડી રહી છે. સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ શિક્ષકો ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. આમ શિક્ષકોને વારંવાર પરિપત્રો કરી ગામે તે કામગીરી સોંપવામા આવે છે જેથી તલાટીઓની ગ્રામ સભાની કામગીરી શિક્ષકોને સોંપી અન્યાય કરવામાં આવે છે તેમ જણાવી તલાટીઓની કામગીરી સોંપવા બાબતે ફેર વિચારણા કરવા અપીલ કરી હતી. ત્યારે ટી.ડી.ઓ. મનુભાઈ પટેલે સરકારનો હર ઘર તિરંગા ના અભિયાનમાં ગ્રામ સભાનું સંચાલન કરી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં સહયોગ આપવાની વાત કરતા શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ રાષ્ટ્ર ભાવનામાં માત્ર ગ્રામસભા યોજવા સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જયારે તલાટીઓની અન્ય કોઈપણ કામગીરી નહી કરવા અડગ રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us