Select Page

વિસનગરમાં રૂા.૧૩.૨૩ કરોડના ખર્ચે ગામડાઓને જોડતા ૧૦ રોડ બનશે

કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી સરકારે રૂા.૮૯ લાખ વધુ ફાળવતા

  • મહેસાણા જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા S.O.R. પ્રમાણે ૧૦ રોડ બનાવવા કુલ રૂા.૧૨૩૪.૫૧ લાખનુ ટેન્ડરીંગ કરાયુ હતુ. પરંતુ રોડના મટીરીયલ્સના ભાવ વધુ હોવાથી એજન્સીઓ દ્વારા ૩.૪૬ થી ૯.૫૧ ટકા સુધી ઉંચા ટેન્ડર ભરાયા હતા

વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બન્યા પછી કોઈપણ પ્રકારના નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાના ગામોને જોડતા ૧૦ રોડમા મહેસાણા જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા S.O.R. પ્રમાણે મંજુર થયેલા રૂા.૧૨૩૪.૫૭ ભાવ કરતા ૩.૪૬ થી ૯.૫૧ ટકા સુધી ઉંચા ભાવે ટેન્ડર ભરાયા હતા. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી રાજ્ય સરકારે તાલુકાના ગામોને જોડતા રોડ બનાવવા માટે વધુ ૮૯.૦૪ લાખ ગ્રાન્ટ ફાળવતા હવે ચોમાસા પછી રૂા.૧૩૨૩.૬૧ લાખ (૧૩.૨૩ કરોડ)ના ખર્ચે ગામડાઓને જોડતા ૧૦ રોડ બનાવવાનુ કામ શરૂ કરવામાં આવશે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં બીજા નંબરના સ્થાને કેબિનેટમંત્રી તરીેકે સ્થાન ધરાવતા હોઈ અત્યારે તેઓ શહેર અને તાલુકાના આગેવાનોની માગણી પ્રમાણે રોકેટગતીએ વિકાસકામો કરી રહ્યા છે. જેમાં કેટલાક વિકાસકામો તો તાલુકાના લોકો વર્ષો સુધી યાદ રાખે તેવા કામો પણ કર્યા છે. અને હજુ કેટલાક મહત્વના કામો કરવાના છે. જેના કારણે અત્યારે તાલુકામાં યોજાતા દરેક કાર્યક્રમોમાં મંત્રી ઋષિભાઈ પટેલ લોકોને છાતી ઠોકીને કહે છે કે, હું મારા પાંચ વર્ષના કાર્યકાળમાં એટલા બધા વિકાસકામો કરીશ કે આવનારા બીજા કોઈપણ ધારાસભ્યને ક્યા વિકાસકામો કરવા તે શોધવા પડશે. જોકે ગુજરાત સરકારમાં મંત્રી ઋષિભાઈ પટેલ હુકમનો એક્કો છે તેવુ વિધાનસભાની ચુંટણીમાં તેમનો જાહેર વિરોધ કરનાર કાંસાના ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે કાંસા ગામમાં યોજાયેલ ક્રેડીટ સોસા.ના ઉદ્‌ઘાટનના કાર્યક્રમમાં પણ સ્વિકાર્યુ હતુ. ભાજપ અગ્રણીના આવા જાહેર નિવેદનથી એવુ ચોક્કસ કહી શકાય કે મંત્રી ઋષિભાઈ પટેલ માત્ર ધારાસભ્ય હતા ત્યારે તાલુકાની પ્રજાને સીધા સ્પર્શતા મહત્વના વિકાસકામો બીજા પાસે (વાયા) કરાવવામાં ઘણી રાજકીય અડચણો ઉભી થઈ હશે. પરંતુ અત્યારે ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી હોવાથી તેઓ કોઈપણ પ્રકારના નાતજાતનો ભેદભાવ કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો કરી રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાના એકબીજા ગામોને જોડતા ૧૦ રોડ બનાવવા માટે મહેસાણા જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા પાંચ મહિના પહેલા વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે માર્ગ મકાન પંચાયત વિભાગે રોડના કામ માટે જાહેર કરેલા S.O.R. કરતા માર્કેટમાં મટીરીયલ્સના ભાવ વધુ હોવાથી જે તે એજન્સીના કોન્ટ્રાક્ટરોએ ૩.૪૬ થી ૯.૫૧ ટકા ઉંચા ભાવે ટેન્ડર ભર્યા હતા. રોડના કામોના ટેન્ડર ઉંચા ભરાતા માર્ગ મકાન વિભાગ દ્વારા વધુ ગ્રાન્ટ ફાળવવા સરકારના નાણાં વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી સરકારે S.O.R.
પ્રમાણે મંજુર થયેલી રૂા.૧૨૩૪.૫૧ ગ્રાન્ટમાં રૂા.૮૯.૦૪ લાખ વધુ ફાળવ્યા હતા. એટલેકે, આ ૧૦ રોડ બનાવવા રૂા.૧૨૩૪.૫૭ થી વધારી રૂા.૧૩૨૩.૬૧ લાખ (૧૩.૨૩ કરોડ) ફાળવ્યા હતા. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરે સુંશી ગામના તળાવથી પીંડારીયા સેવાલીયા ગામને જોડતો રોડ, સદુથલા થી સ્ટેટ હાઈવેનો જોડતો વાયા બળખવાના તળાવવાળો રોડ, મેઘાઅલીયાસણા ભેળાથી મોતીપુરા રાણાજીના છાપરા સુધીનો રોડ, દઢિયાળથી ઉછેરા ખરવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીનો રોડ, ગણેશપુરા રંડાલા રોડથી સુંઢીયાના છાપરા સુધીનો રોડ, ખંડોસણથી રામપુરા (કાંસા) રોડ, સાતુસણા વાયા સરકારી બોરથી તળાવની બાજુમાં થઈને ભાન્ડુ ગામને જોડતો રોડ, ભાન્ડુ મીઠા કુવા પાસેથી ગોલી તળાવ થઈને સપોત તળાવ (વડુ) સુધીનો રોડ, ઉમતાથી મલેકપુર ગામ સુધીનો રોડ તથા કમાણાથી મગરોડા થઈ બેચરપુરા ગામને જોડતો રોડ બનાવવા જે તે એજન્સીને વર્કઓર્ડર આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. હવે વર્ષ ૨૦૨૨-૨૩ના તમામ નોનપ્લાન રોડ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યા બાદ એજન્સી કોન્ટ્રાકટરને ચોમાસા પછી એકબીજા ગામોને જોડતા રોડ બનાવવાની યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરાશે તેવુ માર્ગ મકાન પંચાયત વિભાગના સુત્રોએ જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts