Select Page

વિસનગરમાં આખલામાં લંપી વાયરસના લક્ષણો દેખાતા ફફડાટ

આખા શરીર ઉપર ગાંઠો નિકળેલ ગાય જોઈ પણ મળી નહી

લંપી વાયરસથી મોટાભાગે રખડતી ગાયોના મૃત્યુ થાય છે. વિસનગરમાં આ વાયરસના લક્ષણો ધરાવતા એક ગાય અને આખલો જોવા મળતા પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પાલિકાએ જાણ કરતા વેટરનરી હોસ્પિટલ દ્વારા આ પશુઓની શોધખોળ શરૂ કરી છે.
ગાય અને ભેંસમાં જોવા મળતા લંપી વાયરસના કારણે બનાસકાંઠા અને કચ્છમાં મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુ થયા છે. મહેસાણા જીલ્લામાં હજુ લંપી વાયરસની અસર જોવા મળી નથી. ત્યારે વિસનગરમાં વાયરસના લક્ષણો ધરાવતા બે પશુ જોવા મળતા તંત્ર દોડતુ થઈ ગયુ છે. તા.૪-૮-૨૦૨૨ ના રોજ રાત્રે બાબુભાઈ રાયકા રંગપુર તથા હેપ્પી જર્નિ હોટલવાળા કિરણસિંહ રાજપૂત મહેસાણા ચાર રસ્તા પાસે હતા. બાબુભાઈ રાયકા ગોપાલક હોવાથી પશુને થયેલા રોગની તુર્તજ ખબર પડી જાય. ત્યારે એક આખલો નિકળતા તેના શરીર ઉપર ગાંઠો જેવા ફોલ્લા હતા. ગરદનના ભાગે વધારે પ્રમાણની ગાઠો હતી. આખલામાં લંપી વાયરસના લક્ષણો જણાતા તુર્તજ તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અંકિતભાઈ પટેલને જાણ કરી હતી. આખલો મહેસાણા રોડ ઉપરની તિરૂપતી રોયલ રેસીડન્સીમાં આખલો ફરતો હતો. અંકિતભાઈ પટેલે આ બાબતની પાલિકાને જાણ કરતા પાલિકાએ વિસનગરના પશુચિકિત્સક ર્ડા.ઉપેન્દ્રભાઈ પટેલને જાણ કરી હતી. ત્યારે પશુચિકિત્સક સ્ટાફ તપાસ કરવા પહોચી ગયો હતો. પરંતુ આખલાને પકડવા કે બાધવાની કોઈ વ્યવસ્થા નહી હોવાથી કોઈ નિદાન થઈ શક્યુ નહોતુ. બાબુભાઈ રાયકાએ જણાવ્યુ હતુ કે, આખા શરીર ઉપર ગાઠો થયેલી એક ગાયને પણ શોધી રહ્યા છીએ. બન્ને પશુને પકડી નિદાન કરવામાં નહી આવે તો વિસનગરમાં પશુઓ લંપી વાયરસની ઝપેટમાં આવી જશે.
ચોમાસામાં વિસનગરમાં મોટી સંખ્યામાં રખડતી ગાયો જોવા મળે છે. લંપી વાયરસના લક્ષણો ધરાવતા પશુ અન્ય રખડતી ગાયોના સંપર્કમાં આવી જશે તો પશુઓમાં મોટા પ્રમાણમાં જાનહાની થવાની પુરેપુરી શક્યતા છે. બાધેલા પશુ વાયરસની ઝપેટમાં આવતા નથી. ત્યારે આવા સંજોગોમાં ગોપાલકો ગાયોને બાધીને રાખે તે હિતાવહ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us