Select Page

વિસનગર તાલુકા તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને મંગળવારના રોજથી અચોક્કસ મુદ્‌તની હડતાળ ઉપર ઉતર્યા છે. તલાટીઓની હડતાળથી ગ્રામ પંચાયતોની વહીવટી કામગીરી ઠપ્પ થતા પ્રજાના કામો અટવાયા છે. હવે સરકાર તલાટીઓની ક્યારે અને કેટલી માગણીઓ પુરી કરે છે તે જોવાનુ રહ્યુ?
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે નવ મહિના પહેલા પોતાની વિવિધ ૧૧ જેટલી માગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. ત્યારે સરકારે તલાટીઓની માગણીઓ પુર્ણ કરવાનુ આશ્વાસન આપતા તલાટી મહામંડળે આંદોલન સમેટી લીધુ હતુ. પરંતુ આજદીન સુધી સરકારે તલાટીઓની માગણીઓ પુર્ણ નહી કરતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી મંગળવારના રોજથી રાજ્યના તલાટી કમ મંત્રીઓ સાથે વિસનગર તાલુકા તલાટી મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલ સહિતના તમામ તલાટી કમ મંત્રીઓ, ટી.ડી.ઓ મનુભાઈ પટેલને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. આ અંગે વિસનગર તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને રાલીસણાના તલાટી પિયુષભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સરકારે નવ મહિના પહેલા અમારી પડતર માગણીઓ જેવી કે, વર્ષ ૨૦૦૪-૦૫માં ભરતી થયેલા તલાટી કમ મંત્રીની પાંચ વર્ષથી ફિક્સ પગાર સળંગ નોકરી ગણવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા અથવા જોબચાર્ટ અલગ કરવા સહિત ૧૧ જેટલી માગણીઓ પુર્ણ કરવાની ખાત્રી આપી હતી છતાં સરકારે અમારી માગણીઓ પુર્ણ નહી કરતા અમે અચોક્કસ મુદ્‌તની હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે સરકારના “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત પંચાયત ઘર ઉપર રાષ્ટ્રધ્વજને લહેરાવીશું પરંતુ જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી પંચાયત સબંધિત કોઈપણ કામગીરી નહી કરીએ. આ હડતાળમાં તલાટી મંડળના પુર્વ પ્રમુખ એન.ડી.ચૌધરી, અજયભાઈ મોદી, દિલીપજી ઠાકોર, નિર્મલ પટેલ ,પીન્ટુબેન પટેલ, સુધિર ચૌધરી, ભાવિક ચૌધરી, સાગરભાઈ પટેલ, બિનાબેન ધારવા, રામજીભાઈ સેનમા, હેતલબેન ચૌધરી, જલ્પાબેન, રશ્મીકાબેન સહિત તાલુકાના તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us