સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યા બાદ આરોગ્યમંત્રીની ૧ મે લોકાર્પણની તૈયારી કરવા સુચના
વિસનગર ધારાસભ્ય તેમજ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે શુક્રવારના રોજ નવિન સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત ભવન અને નગરપાલિકા ભવનની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તેમને અધિકારીઓ,
પદાધિકારીઓ અને નાગરિકોની બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ સહિત અન્ય સુવિધાઓનું નિરિક્ષણ કરી અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ તા.૧-૫-૨૦૨૫ના રોજ ત્રણેય બિલ્ડીંગનુ લોકાર્પણ કરવાની તૈયારી કરવા અધિકારીઓને સુચના આપી હતી.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા તેમને શહેર અને તાલુકાના ગામોના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી સરકારે શહેરની સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત ભવન તથા નગરપાલિકા ભવનના આધુનિક સુવિધા સાથે અદ્યતન બિલ્ડીંગ બનાવવા કરોડો રૂપિયા ફાળવ્યા હતા. આ ત્રણેય વિભાગની અદ્યતન બિલ્ડીંગના નિર્માણકાર્ય દરમિયાન મંત્રી ઋષિભાઈ પટેલ અવાર નવાર મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરતા હતા. આરોગ્યમંત્રીએ શુક્રવાર રોજ સવારે સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત ભવન તથા નગરપાલિકા ભવનની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોની બેઠક વ્યવસ્થા, તબીબો તથા દર્દીઓની સુવિધા, વાહન પાર્કીંગ સહિત અન્ય સુવિધાઓનું નિરિક્ષણ બાદ ત્રણેય વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત આરોગ્યમંત્રીએ વિસનગર એ.પી.એમ.સી.માં અધિકારીઓ સાથે મિટીંગ કરી તા.૧-૫-૨૦૨૫ના રોજ ત્રણેય બિલ્ડીંગનુ લોકાર્પણ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરવા સુચના આપી હતી. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની આ મુલાકાત દરમિયાન પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌૈધરી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પુર્વ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ સતિષભાઈ પટેલ, જયેશસિંહ રાઠોડ (રાઠોડીપુરા), મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), કમલેશભાઈ પટેલ (વકીલ), તાલુકા સંઘના ડીરેક્ટર રજનીભાઈ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.