Select Page

વિસનગરમાં રખડતી ગાયોથી પ્રજા પરેશાન-પાલિકા તંત્ર નિષ્ક્રિય

વિસનગરમાં રખડતી ગાયોથી પ્રજા પરેશાન-પાલિકા તંત્ર નિષ્ક્રિય

અગાઉ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે રખડતા ઢોરોને ડબ્બામાં પુરવાની કડક કાર્યવાહી કરી હતી

વિસનગરમા અત્યારે રોડ ઉપર રખડતી ગાયો અને આખલાઓનો ખુબજ ત્રાસ છે. શહેરના દરેક માર્ગો ઉપર તબેલાની જેમ ગાયોના ધાડેધાડા જોવા મળે છે. રખડતી ગાયો અને આખલાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. છતાં પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર માલધારીઓનો રોષ સહન ન કરવો તે માટે પ્રજાની હેરાનગતીનો તમાશો જોઈ રહ્યા છે.
વિસનગર શહેરના જાહેર માર્ગો પર અત્યારે રખડતી ગાયો અને આખલાઓનો ખુબજ ત્રાસ છે. પરંતુ હિન્દુ સંસ્કૃતિમા ગાયને ગૌ-માતાનુ સ્થાન આપ્યુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ગાયોનો ત્રાસ સહન કરી રહ્યા છે. માલધારીઓ હિન્દુ સમાજની લાગણીનો દુર ઉપયોગ કરી ગાયોને રોડ ઉપર રખડતી મુકી રહ્યા છે. રોડ ઉપર રખડતી ગાયો અને આખલાની સમસ્યા સમગ્ર ગુજરાતમા છે. રોડ ઉપર રખડતી ગાયો- આખલાઓ લોકોને અડફેટે લઈ ઈજા પહોંચાડી રહ્યા છે. કેટલાક લોકો ઢોરોના અડફેટે આવતા મૃત્યુ પણ પામ્યા છે. રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. ગુજરાતમાં રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધતા ગુજરાત વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો લાવવા બિલ પસાર કરવામા આવ્યુ હતુ. ત્યારે કોંગ્રેસે અને માલધારીઓએ તેનો ભારે વિરોધ નોંધાવતા સરકારે હાલ પુરતો આ કાયદો અમલમાં મુકવાનું મોકુફ રાખ્યુ છે. જેના કારણે અત્યારે જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર રખડતી ગાયો અને આખલાઓ જોવા મળી રહ્યા છે. જેમાં વિસનગર શહેરના કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર તો જાણે ઢોરોનો તબેલો હોય તેમ રોડ ઉપર ગાયોના ધાડેધાડા જોવા મળે છે. રખડતી ગાયો અને આખલાથી વાહનોના અકસ્માતના બનાવો બની રહ્યા છે. રોડ ઉપર રખડતી ગાયો- આખલાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. નામદાર હાઈકોર્ટે પ્રજાના હિતમાં રોડ ઉપર રખડતા ઢોરોને પકડીને પુરવાની કાર્યવાહી કરવા દરેક પાલિકા તંત્રને હુકમ કર્યો છે. પરંતુ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ માલધારીઓનો રોષ સહન ન કરવો પડે તે માટે મતોનુ રાજકારણ ધ્યાને રાખી રોડ ઉપર રખડતી ગાયોને પકડી પુરવાની કોઈ કાર્યવાહી કરતા નથી. અગાઉ પાલિકાના ગઠબંધનના શાસનમાં તત્કાલિન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પોતાની સત્તાની પરવા કર્યા વગર શહેરની પ્રજાના હિતમાં રોડ ઉપર રખડતા ઢોર પકડી પુરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પછી પાલિકાના એકપણ પ્રમુખે રોડ ઉપર રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની હિંમત કરી નથી. ત્યારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના તમામ સભ્યોને સાથે રાખી રખડતા ઢોરના ત્રાસથી પ્રજાને બચાવવા માટે કડક કાર્યવાહી કરે તેવી લોક માગણી ઉઠી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us