ધરોઈ-પીયજ પાઈપલાઈનમાં રિવર્સ પાણી છોડાવ્યુ
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરે
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ધરોઈ પીયજ પાઈપલાઈનમાં રિવર્સ પાણી છોડાવતા ખેરાલુ, વડનગર અને વિજાપુર તાલુકાના ગામોને ગ્રેવીટીથી કોઈ પણ પ્રકારના ખર્ચ વગર તળાવો ભરવા પાણી મળશે. પૂર્વ ધારાસભ્ય અને હાલના પાટણ સાંસદ ભરતસિંહ ડાભી જ્યારે ૨૦૦૫ ના વર્ષમાં ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે તેમણે ગુજરાત સરકાર પાસે ધરોઈ ડેમ ઓવરફ્લો થાય ત્યારે ધરોઈ પીયજ પાઈપલાઈનમાં રિવર્સ પાણી ગ્રેવીટીથી છોડવા માંગણી કરી હતી. ત્યારબાદ ૨૦૦૭ માં ભરતસિંહ ડાભી ધારાસભ્ય બન્યા ત્યારે સરકારમાં ફરીથી રજુઆત કરી હતી. ત્યારબાદ ધરોઈ ડેમ ઓવરફ્લો થતા રિવર્સ પાણી છોડાયુ હતુ.
હવે જ્યારે ધારાસભ્ય અજમલજી ઠાકોરના પ્રયત્નોથી ધરોઈ પીયજ પાઈપલાઈનમાં ફરીથી પાણી છોડાયુ છે ત્યારે ખેરાલુ તાલુકાના ચાડા, આસ્પા, વઘવાડી, ડાબુ તેમજ વડનગર, વિજાપુર અને માણસાના ગામોમાં પણ પાણી પહોચશે.
સાંસદ ભરતસિંહ ડાભીએ આ બાબતે જણાવ્યુ હતું કે, ધરોઈ પીયજ પાઈપલાઈન જ્યારે પહેલી વખત વર્ષો પૂર્વે નંખાઈ ત્યારે પીવાના પાણીની તંગી ઉભી થઈ હતી. ધરોઈ-પીયજ પાઈપલાઈન ૬૦૭ ના લેવલે છે. જેથી ડેમમાં પાણી ઘટે ત્યારે ડેમમાં તરાપા (લોખંડની નાવડી)માં પાણી ઉપાડવાની મોટરો મુકી ધરોઈ ડેમમાં છૂટા ફૂટવાલ મુકી પાણી ખેંચી ધરોઈ-પિયજ પાઈપલાઈનમાં પીવાનું પાણી છોડવામાં આવતુ હતુ. આ પાણીને માત્ર પીવામાંજ ઉપયોગ થતો હતો. ત્યારબાદ જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે રિવર્સ પાણી ઓટોમેટીક શરુ થઈ જતા પાઈપલાઈન ઉપર લોખંડનો તવો ફીટ કરવામાં આવ્યો હતો. સાંસદ ભરતસિંહ ડાભીએ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ માંગણી કરી હતી કે, ધરોઈ મોઢેરા પાઈપલાઈન ધરોઈ ડેમમાં ૬૨૨ ફૂટના લેવલે ફીટ કરવામાં આવી છે. ડાઈક-૩ ના લેવલે એટલે કે ૫૮૦ ફૂટના લેવલે ધરોઈ – મોઢેરા પાઈપલાઈન સાથે કનેક્ટ કરવામાં આવે તો ડેમનું વધારાનું પાણી રિવર્સ આપી શકાય તેમ છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ છે. ધરોઈ-મોઢેરા પાઈપલાઈનમાં ૫૮૦ ફૂટના લેવલે જોડી દેવામાં આવે તો ડેમમાં ભરાયેલુ ૪૨ ફૂટના લેવલના પ્રેશરથી પાણી ગ્રેવીટીથી કોઈ પણ પ્રકારના ખર્ચ વગર અસંખ્ય ગામોના તળાવો ભરી શકાય તેમ છે. જેથી ગુજરાત સરકાર યુધ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરશે તેવી સાંસદ ભરતસિંહ ડાભીએ ખાત્રી આપી હતી. સરકારમાં સાંસદ ભરતસિંહ ડાભીએ બીજી રજુઆત પણ કરી છેકે હડોલથી ચિમનાબાઈ સરોવર સુધી પાણી ગ્રેવીટીથી કોઈપણ પ્રકારના ખર્ચ વગર લાવી શકાય તેમ છે. જેથી સરકાર આ બાબતે વિચારી ઝડપથી કામગીરી કરશે તેમ જણાવ્યુ છે. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખેરાલુ-સતલાસણા તાલુકા માટે કાંઈપણ કરવા તૈયાર છે. જેથી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય અજલમજી ઠાકોર અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ત્રિપુટી ખેરાલુ-સતલાસણાના નાપાણીયા વિસ્તારને પાણીથી તરબોળ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જેમાં સારી બાબત એ છેકે ત્રણે મહાનુભાવો દરેક કામો પોતે કર્યા તેવુ કહેતા નથી પરંતુ ગુજરાતની ભાજપ સરકારે કર્યાનું જણાવે છે. ત્રણે વચ્ચેનું સંકલન ખેરાલુ-સતલાસણા તાલુકાના તમામ પ્રશ્નો હલ કરી દેશે તેવુ લાગે છે.