
શાળાઓ છુટવાનો અને ફાટક ખુલવાનો સમય એક હોવાથીમહેસાણા ચાર રસ્તા ચક્કાજામ રોજની સમસ્યા

વિસનગરમાં મહેસાણા ચાર રસ્તા ઉપર રોજ બપોરે ટ્રાફીક સમસ્યા સર્જાય છે. એક તરફ શાળાઓનો છુટવાનો ટાઈમ તો બીજી તરફ ફાટક ખુલતા ૧૫ થી ૨૦ મીનીટ સુધી ટ્રાફીક જામ થાય છે. શરમની બાબત છેકે સ્થાનિક પોલીસ નહી ગણકારતા થોડા સમય પહેલા ૧૦૮ ને ફોન કરી ખોટવાયેલા ટ્રાફીકની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ આવીને મહેસાણા ચાર રસ્તાનો ટ્રાફીક દુર કર્યો હતો.
વિસનગર પોલીસ સાંભળતી નહી હોવાથી થોડા દિવસ પહેલા તો ૧૦૮ ને ફોન કરી ટ્રાફીક સમસ્યાની કમ્પલેન કરી
વિસનગરમાં આડેધડ વાહનોના પાર્કિંગ અને ટ્રાફીક પોલીસની કોઈ વ્યવસ્થા નહી હોવાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળે છે. એમા ખાસ કરીને રેલ્વેના સમયે ગંજબજાર અને કોલેજ ફાટક, સવાર અને સાંજે પીક સમયે સવાલા દરવાજા પંચાલ માર્કેટના ટર્નીંગમાં, કાંસા ચાર રસ્તા અને ખાસ કરીને મહેસાણા ચાર રસ્તા વારંવાર ટ્રાફીક જામ થાય છે. એમા બપોરે ૧૨-૩૦ થી ૧-૦૦ વાગ્યા સુધીમાં મહેસાણા ચાર રસ્તા ટ્રાફીકની સમસ્યા રોજીંદી બની ગઈ છે. આ સમય સહજાનંદ સ્કુલ, નવયુગ શિશુનિકેતન તેમજ શેરડીનગરની બાજુમાં આવેલ વિક્ટર સ્કુલ છુટવાનો સમય હોય છે. જ્યારે બીજી તરફ વલસાડ વડનગર ટ્રેનના કારણે ૧૫ મીનીટ આઈ.ટી.આઈ. ફાટક બંધ રહેતા તેનો ટ્રાફીક છુટે છે. આ બન્ને કારણોથી મહેસાણા ચાર રસ્તા ચક્કાજામ થઈ જાય છે. શાળામાંથી બાળકો છુટતા હોવાથી ભારે ટ્રાફીકના કારણે અકસ્માતનો પણ ભય સતાવે છે.
જાણવા મળ્યા પ્રમાણે તા.૩-૭-૨૩ ના રોજ તો બપોરે પોણો કલાક ટ્રાફીક જામ જોવા મળ્યુ હતુ. વાહનો સામ સામે આવી જતા ચાર રસ્તા ઉપર બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે સ્થાનિક પોલીસની ખાસ જરૂરીયાત ઉભી થાય છે. ત્યારે ખરા તાકડે ક્યારેય પોલીસ હોતી નથી. ઘણી વખતતો મહેસાણા ચાર રસ્તાથી ધરોઈ કોલોની સુધી વાહનોની કતારો લાગી જાય છે. થોડા દિવસ અગાઉ ૨૦ મીનીટ કરતા વધારે સમય ટ્રાફીક રહેતા પાલિકાના પૂર્વ સભ્ય પરમાર વિજયભાઈ ખુરાનાએ પોલીસ સ્ટેશને સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસ નહી આવતા છેવટે ૧૦૮ ને ફોન કરી મહેસાણા ચાર રસ્તા ટ્રાફીકની જાણ કરી હતી. ત્યારે ૧૦૮ દ્વારા પોલીસને જાણ કરાયા બાદ પોલીસ આવીને ટ્રાફીક દૂર કર્યો હતો. મહેસાણા ચાર રસ્તા ઉપર બપોરના સમયે પોલીસ કર્મચારીઓ હાજર રહે તેવી આ વિસ્તારના લોકોની માગણી છે.